અમદાવાદ સહિત 6 DEO કચેરીનું સ્કૂલોનું વિભાજન, પૂર્વમાં 1483 તો પશ્ચિમમાં 891 નો સમાવેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat DEO office bifurcation: છેલ્લા અનેક વર્ષોથી રાજ્યમાં અમદાવાદ સિવાયના મોટા શહેરોની ડીઈઓ કચેરી સાથે ગ્રામ્ય ડીઈઓ કચેરી બનાવી કચેરીઓનું વિભાજન કરવાની ચર્ચા ચાલતી હતી ત્યારે સરકારે ગત નવેમ્બર વિધિવત રીતે અમદાવાદ, કચ્છ, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા સહિતની છ કચેરીનું વિભાજન કરવા સાથે મહેકમની વહેંચણી સાથેનો ઠરાવ કરી દીધો હતો.
પરંતુ આ ઠરાવ બાદ ભારે વિવાદ થયો હતો કારણ કે વિભાજનમાં સ્કૂલોની વહેંચણી યોગ્ય રીતે થઈ ન હતી. જેના પગલે સરકારે કમિટી રચી નવેસરથી વિભાજન કર્યું હતું અને જેનો આજે વિધિવત રીતે ઠરાવ કરી દેવાયો છે. જેમાં અમદાવાદ શહેર ડીઈઓ કચેરીનું હવે કોર્પોરેશન વિસ્તાર મુજબ વિભાજન થયું છે અને હવે કુલ 2304 સ્કૂલો મુજબ પૂર્વ-પશ્ચિમ કચેરીનું વિભાજન થયું છે.
ખોટી વહેંચણીથી અસંતોષ
શિક્ષણ વિભાગ દ્વારા સૌપ્રથમ 2016માં રાજકોટ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય માટે અલગ ડીઈઓ કચેરીનો ઠરાવ કરીને 2023માં વર્ગ-1ની જગ્યા પુનઃજીવિત કરી હતી. ત્યારબાદ 12 માર્ચ 2024ના રોજ ઠરાવ કરીને અમદાવાદ શહેર ડીઈઓ ઠરાવને લઈને ભારે વિવાદ ઊભો થયો હતો. અમદાવાદ કોર્પો. વિસ્તાર વધવા સાથે ઘાટલોડિયા, વેજલપુર, મકરબા, વસ્ત્રાપુર, થલતેજ સહિતના અનેક વિસ્તારો હાલ કોર્પોરેશન વિસ્તારમાં છે. પરંતુ આ વિસ્તારોની ગ્રામ્ય ડીઈઓ હેઠળ આવતી સ્કૂલોને ગ્રામ્ય ડીઈઓમાં જ રાખીને માત્ર શહેર ડીઈઓ કચેરીનું વિભાજન કર્યું હતું. જેમાં શહેર કચેરી હેઠળની કુલ 1822 સ્કૂલમાં 1242 સ્કૂલને પૂર્વ ડીઈઓ અને 580 સ્કૂલોને પશ્ચિમ ડીઈઓ હેઠળ મુકાઈ હતી. આમ અમદાવાદ સહિતની છ કચેરીનું સ્કૂલની સંખ્યા-વિસ્તાર મુજબ યોગ્ય રીતે વિભાજન થયું ન હતું.
સંચાલક મંડળની ઉચ્ચ સ્તરે રજૂઆત
અમદાવાદ શહેર સ્કૂલ સંચાલક મંડળે શિક્ષણમંત્રીથી માંડી મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હતી. અંતે સરકારે કમિટી રચી હતી અને નવેસરથી વિભાજનની પ્રક્રિયા-રિકન્સ્ટ્રક્શન કામગીરી શરૂ કરાઈ હતી. જે પૂરી થયા બાદ આજે સરકારે નવેસરથી આ છ ડીઈઓ કચેરીનો સ્કૂલ વહેંચણી તેમજ મહેકમ વહેંચણી સાથેનો ઠરાવ કર્યો છે. જેમાં શહેરમાં 1822 સ્કૂલોને બદલે હવે 482 સ્કૂલોના ઉમેરા સાથે કુલ 2304 સ્કૂલોની વહેંચણી થઈ છે.
અધૂરા આયોજનથી સર્જાયો વિવાદ
કચેરી તેમજ ગાંધીનગર અને વડોદરા કચેરીઓને વિભાજિત કરી નવી ઊભી થનાર ડીઈઓ કચેરી ખાતે વર્ગ-1ની 3 નવી જગ્યા મંજૂર કરવામાં આવી હતી. માર્ચ 2024માં જ કચ્છ-ભુજનું વિભાજન કરી કચ્છના પૂર્વ વિસ્તાર અંજાર ખાતે નવી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી માટે ડીઈઓ વર્ગ-1ની નવી જગ્યા ઊભી કરવામાં આવી હતી. આમ સરકાર દ્વારા રાજ્યમાં નવી છ ડીઈઓ કચેરી બનાવવામાં આવી હતી પરંતુ સ્કૂલ વહેંચણી અને મહેકમ વહેંચણી થઈ ન હતી ત્યારે ગત વર્ષે 2025માં 17 નવેમ્બરે સરકારે વિધિવત રીતે ઠરાવ કરીને સ્કૂલો અને મહેકમની વહેંચણી કરી હતી. પરંતુ અમદાવાદ ડીઈઓના કિસ્સામાં શહેરની ભૌગોલિક પરિસ્થિતિને સમજ્યા વિના જ કચેરીનું વિભાજન કરી સ્કૂલ વહેંચણી કરાતા આ વિવાદ સર્જાયો હતો.
છ ડીઈઓ કચેરીમાં હવે આ રીતે સ્કૂલ-મહેકમ
અમદાવાદ સહિતની 6 ડીઈઓ કચેરીના નવા વિભાજનમાં નવેસરથી મહેકમ પણ વહેંચાયું છે. જેમાં:
- અમદાવાદ શહેરમાં: વર્ગ-1 સહિતના કુલ 78 કર્મચારીમાં પૂર્વ ડીઈઓમાં 44 અને પશ્ચિમમાં 34 રહેશે.
-કચ્છમાં: અંજાર પૂર્વમાં 298 સ્કૂલ અને 18 કર્મચારી તથા પશ્ચિમમાં 340 સ્કૂલ અને 21 કર્મચારી રહેશે.
- વડોદરામાં: ગ્રામ્યમાં 305 સ્કૂલ અને 17 કર્મચારી તથા વડોદરા શહેર ડીઈઓમાં 664 સ્કૂલો અને 32 કર્મચારી રહેશે.
- રાજકોટમાં: ગ્રામ્યમાં 597 સ્કૂલો અને 23 કર્મચારી તથા શહેરમાં 961 સ્કૂલો અને 40 કર્મચારી રહેશે.
- સુરતમાં: ગ્રામ્ય ડીઈઓમાં 378 સ્કૂલો અને 23 કર્મચારી તથા શહેરમાં 1422 સ્કૂલો અને 44 કર્મચારી રહેશે.
- ગાંધીનગરમાં: ગ્રામ્ય ડીઈઓમાં 288 સ્કૂલો અને 19 કર્મચારી તથા શહેર ડીઈઓમાં 229 સ્કૂલો અને 24 કર્મચારી રહેશે.
અમદાવાદ શહેર કચેરીનું નવું વિભાજન આ રીતે ગણાશે
નવા ઠરાવમાં અમદાવાદ શહેરના કોર્પોરેશન વિસ્તારને ધ્યાને રાખીને સાબરમતી નદીને સીમારેખા ગણી નદીના પૂર્વ વિસ્તારની 1483 સ્કૂલો પૂર્વ ડીઈઓ કચેરીમાં અને નદીના પશ્ચિમ વિસ્તારની 861 સ્કૂલો પશ્ચિમ ડીઈઓ કચેરીમાં ગણવામાં આવી છે. નવા વિભાજન સાથે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ હેઠળની અનેક સ્કૂલો ઉપરાંત પૂર્વ-પશ્ચિમમાં એસપી રિંગ રોડને આવતી ગ્રામ્ય ડીઈઓની કેટલીક સ્કૂલો સાથે ગાંધીનગર ડીઈઓ હેઠળની ચાંદખેડા વિસ્તાર સહિતની સ્કૂલો શહેર કોર્પો. વિસ્તારમાં ગણીને પૂર્વ ડીઈઓ અને પશ્ચિમ ડીઈઓ કચેરીમાં સમાવી લેવામાં આવી છે.









