Ahmedabad

13 વેપારીઓનું 4.73 કરોડનું ફલેકું ફેરવી જાણીતા મોલના ડિરેક્ટર વિદેશ નાસી છૂટ્યા, CIDમાં FIR

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ, વડોદરા અને સુરતના 13 વેપારીઓ પાસેથી 4.73 કરોડનો માલ ખરીદી, ઓશિયા મોલના ડિરેક્ટર ધીરેન્દ્ર ચોપરા અને તેમના પત્ની કવિતા ચોપરા વિદેશ ભાગી ગયા છે. અમદાવાદ સીઆઈઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. ચેક રિટર્ન થતાં અને સંપર્ક ન થતાં, ફ્રોડ ઈન્વેસ્ટિગેશન સેલ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

13 વેપારીઓનું 4.73 કરોડનું ફલેકું ફેરવી જાણીતા મોલના ડિરેક્ટર વિદેશ નાસી છૂટ્યા, CIDમાં FIR

Gujarat FMCG distributors scam: અમદાવાદ, વડોદરા અને સુરતના વેપારીઓ પાસેથી હોલસેલમાં માલસામાન ખરીદ્યા પછી કુલ 4.73 કરોડ રૂપિયા નહીં ચૂકવી ઓશિયા મોલનું ડિરેક્ટર દંપતિ વિદેશ પલાયન થયાની ફરિયાદ અમદાવાદ સીઆઈઆઈડી ક્રાઈમમાં નોંધાવાઈ છે. એફ.એમ.સી.જી. ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશને ગુજરાતના 13 વેપારીઓ વતી વિધિવત ફરિયાદ નોંધાવતાં ઓશિયા હાઈપર રિટેલ લિમિટેડના ડાયરેક્ટર ધીરેન્દ્ર ગૌતમ ચોપરા, કવિતા ધીરેન્દ્ર ચોપરા અને પરચેઝ ઓફિસર રૂચી રાજકુમાર બહેતી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે.

ઓશિયા હાઈપર રિટેલના ડિરેક્ટરો સામે ગુનો

બોડકદેવમાં રહેતા વિવેક બાસુદેવ અગ્રવાલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટના જનરલ મેનેજર સેક્રેટરી રામ બક્ષીએ ગાંધીનગર સીઆઈઆઈડી ક્રાઈમ ખાતે ફરિયાદ અરજી આપી હતી. જેના આધારે ફૂડ પ્રોડક્ટ્સ બનાવતા વિવેક અગ્રવાલની ફરિયાદના આધારે ઓશિયા હાઈપર રિટેલ લિમિટેડના ડાયરેક્ટર ધીરેન્દ્ર ગૌતમ ચોપરા, તેમના પત્ની કવિતા ધીરેન્દ્ર ચોપરા અને પરચેઝ ઓફિસર રૂચી રાજકુમાર બહેતી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી સુપર માર્કેટ, મોલ અને ઈ-કોમર્સ માટે જથ્થાબંધ વેપાર કરે છે અને આ વેપારમાં અંદાજે ચારથી પાંચ ટકા ગ્રોસ નફાનું ધોરણ હોય છે.

13 વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી

ફરિયાદમાં નિર્દિષ્ટ અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરના કુલ 13 વેપારીઓએ ઓશિયા મોલમાં જથ્થાબંધ ભાવે માલસામાનનું વેચાણ કર્યું હતું. વેપારીઓને ખરીદાયેલા સામાન સામે ચેક અપાયાં હતાં તે પાછા ફર્યા હતા. ફરિયાદ વિવેક અગ્રવાલના 1.97 કરોડ ઉપરાંત વડોદરાના ભાવિકભાઈ શાહના 8.47 લાખ, ગાંધીનગરના જોઈતારામ પ્રજાપતિના 4.88 લાખ, કડીના કીર્તિભાઈ પટેલના 3 લાખ, અમદાવાદના રાકેશ શાહના 24.71 લાખ, હિતેશ ઠક્કરના 25.39 લાખ, અમિત રાજદેવના 25.02 લાખ, વિજય અને અજય શરાફના 20 લાખ, પવન અગ્રવાલના 15.22 લાખ, મગરાજ છાજેરના 15.22 લાખ, પ્રવેશી અજમેરાના 48.25 લાખ, વિપુલ ચૌહાણના 55.44 લાખ અને પ્રકાશ કુમાવતના 48.61 લાખ મળી 13 વેપારીઓને કુલ 4.73 કરોડ રૂપિયા નહીં ચૂકવી છેતરપિંડી આચર્યાની ફરિયાદ અમદાવાદ સીઆઈઆઈડી ક્રાઈમમાં નોંધવામાં આવી છે.

છેતરપિંડીના પૈસાથી કરોડોની મિલકતો ખરીદી

વેપારીઓએ મોકલેલો સામાન વેચી તેના રૂપિયાથી ધીરેન્દ્ર ચોપરાએ પોતાના અને પરિવારના નામે ઘણી બધી મિલકતો ખરીદીને છેતરપિંડી કરી હતી. વેપારીઓ દ્વારા જાણવા મળ્યા મુજબ ધીરેન્દ્ર અને તેની પત્ની વિદેશ ભાગી ગયા હોવાનું અને ક્યાં ભાગ્યા છે તે જાણવા નહીં મળ્યાનું પણ પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. ઓશિયા મોલના વહીવટી સ્ટાફનો ઉપયોગ કરી નાના-મોટા વેપારીઓ પાસેથી માલ ખરીદી શરૂઆતમાં પૈસા ચૂકવ્યા પછી પંજાબ નેશનલ બેન્કના એકાઉન્ટમાં પૈસા ન હોવાનું જાણવા છતાં ધીરેન્દ્ર ચોપરા અને કવિતા ચોપરાએ ચેક આપ્યા હતા. આ ચેક રિટર્ન થતાં અને આરોપીઓ સંપર્કહીન થતાં છેતરપિંડીની ફરિયાદ નોંધી સીઆઈઆઈડી ક્રાઈમના ફ્રોડ ઈન્વેસ્ટિગેશન સેલ યુનિટ-5 તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે.