Ahmedabad

હવામાન વિભાગ આગાહી કરવામાં થાપ ખાઈ ગયું? અમદાવાદમાં હળવા વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં આજે સવારે હવામાન વિભાગની 'હળવા વરસાદ'ની આગાહી છતાં 5 કલાકમાં પોણા 3 ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સવારે 6થી 10 વાગ્યા દરમિયાન 2.77 ઇંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નાઉકાસ્ટમાં પણ વિરોધાભાસી આગાહીથી લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. હવામાન વિભાગની અણઘડ આગાહી સામે સવાલો ઊભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવામાન વિભાગ આગાહી કરવામાં થાપ ખાઈ ગયું? અમદાવાદમાં હળવા વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો

Gujarat Weather Forecast: દેશમાં કરોડો રૂપિયાના હાઈટેક સેટેલાઈટ્સ અને મોડર્ન ટેકનોલોજી હોવા છતાં અમદાવાદ હવામાન વિભાગ (IMD) અચૂક આગાહી કરવામાં ફરી એકવાર નિષ્ફળ નીવડ્યું છે. હવામાન વિભાગે અમદાવાદ માટે માત્ર 'હળવાથી મધ્યમ' વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી, પરંતુ આજે(18મી સપ્ટેમ્બર) વહેલી સવારથી જ શહેરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ધોધમાર વરસાદ વરસાવ્યો હતો.

આગાહી 'હળવા'ની અને પડ્યો 5 કલાકમાં પોણા ત્રણ ઇંચ!

હવામાન વિભાગના બુલેટિન અને કલાકે-કલાકે બદલાતા નાઉકાસ્ટ (Nowcast) મુજબ, અમદાવાદમાં માત્ર સામાન્ય છાંટા કે મધ્યમ વરસાદની જ ગણતરી હતી. પરંતુ સ્થિતિ તદ્દન ઉલટી જ જોવા મળી. સવારે 6:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધીમાં શહેરના 42થી વધુ વિસ્તારોમાં સરેરાશ 2.88 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. તેમાં પણ સવારે 6:00થી 10:00 વાગ્યાના માત્ર 4 કલાકમાં જ 2.77 ઇંચ વરસાદ પડી જતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

નાઉકાસ્ટનો 'ખેલ': ખરેખરની સ્થિતિ અને આગાહીઓમાં વિરોધાભાષ

જ્યારે વરસાદ ધોધમાર પડ્યો ત્યારે મધ્યમ કહ્યું, અને બંધ થયો ત્યારે ભારેની આગાહી કરી!

હવામાન વિભાગના કલાક-દર-કલાકના બુલેટિને તેમની જ કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે. રાત્રે 1:00 અને 4:00 વાગ્યે અપાયેલા નાઉકાસ્ટમાં અમદાવાદમાં 'સામાન્ય' વરસાદની જ માહિતી અપાઈ. એટલું જ નહીં, જ્યારે સવારે 7:00 વાગ્યે અમદાવાદમાં મૂશળધાર વરસાદ ચાલુ હતો ત્યારે નાઉકાસ્ટમાં જણાવ્યું કે આગામી 3 કલાક 'મધ્યમ' વરસાદ રહેશે. અને સવારે 10:00 વાગ્યે જ્યારે વરસાદ વિરામ લઈ ચૂક્યો હતો ત્યારે હવામાન વિભાગે અચાનક 'ભારે વરસાદ'નું ઍલર્ટ જાહેર કર્યું!

આ અણઘડ આગાહીના કારણે સવારે સ્કૂલે જતાં માસુમ બાળકો, વાલીઓ અને ઑફિસે નીકળેલા નોકરીયાતો રસ્તા પર પાણી ભરાવાના કારણે કલાકો સુધી ભારે હાલાકીમાં મૂકાયા હતા.

વૈજ્ઞાનિકનું નિવેદન અને વરસાદના આંકડા

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર બનેલા લો-પ્રેશર અને મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદી માહોલ છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં ભારે વરસાદ માટે 'યલો ઍલર્ટ' અને દરિયાકાંઠે 30થી 40 km/h અને ગસ્ટી પવન 50 km/h સુધી ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

ચોમાસાની વર્તમાન પરિસ્થિતિ અંગે તેમણે ઉમેર્યું કે, 1 જૂનથી 17 સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર ગુજરાતમાં સરેરાશ 24.09 ઇંચ વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 26.38 ઇંચની સરખામણીએ 9% ઓછો છે. જોકે, ગુજરાત રીજનમાં 35.38 ઇંચ વરસાદ થયો છે, જે સામાન્ય 34.49 ઇંચ કરતાં 3% વધુ છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં 15.19 ઇંચ વરસાદ થયો છે, જે સામાન્ય 19.90 ઇંચની સામે 24% ઓછો નોંધાયો છે.

જનતાનો આક્રોશ

હવામાન વિભાગ જ્યારે આગાહી નથી કરતું ત્યારે ધોધમાર વરસાદ પડે છે અને તંત્ર આગોતરું આયોજન કરી શકતું નથી. કરોડોના ખર્ચે ચાલતી આ હાઈટેક સિસ્ટમ જો સચોટ માહિતી ન આપી શકે, તો અંતે તેનો માર સામાન્ય નાગરિકોએ જ ભોગવવો પડે છે.