અડગ મન, 50 વર્ષનું કઠોર તપ અને શિવભક્તિનો ચમત્કાર! ધોળકાના વારણા ગામે ભવ્ય ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર આકાર પામ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dholka Varna Shiv Temple Story: "અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી" આ ઉક્તિને સાબિત કરતી એક અદ્ભુત અને અલૌકિક ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા વારણા (લક્ષ્મીપુરા) ગામના એક શિવભક્તના 50 વર્ષના કઠોર તપ અને દૃઢ સંકલ્પના પરિણામે આજે એક ભવ્ય શિવ મંદિર આકાર પામ્યું છે.
અડગ મન, 50 વર્ષનું કઠોર તપ અને શિવભક્તિનો ચમત્કાર!
ધોળકાના વારણા ગામના શિવ મંદિરના આકાશી દ્રશ્યો અને જટાધારી મેરુભાઈ મકવાણાની તસવીરો છે. વર્ષો પહેલાં પરમ શિવભક્ત મેરુભાઈએ અખંડ આસ્થા સાથે એક આકરી પ્રતિજ્ઞા લીધી હતી અને સંકલ્પ લીધો હતો કે, જ્યાં સુધી વારણા ગામે ભવ્ય શિવ મંદિરનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી તેઓ અન્નનો ત્યાગ કરશે. આ દરમિયાન માત્ર ફરાળ ગ્રહણ કરશે અને પોતાના વાળ કે દાઢી પણ નહીં કપાવે. આમ, એક-બે વર્ષ નહીં પરંતુ પૂરા 50 વર્ષ સુધી અન્ન ત્યાગીને, મોટી જટાઓ ધારણ કરી મેરુભાઈ સાક્ષાત તપોનિષ્ઠ શિવભક્ત બની રહ્યા છે.
ધોળકાના વારણા ગામે ભવ્ય ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર આકાર પામ્યું
મેરુભાઈની આ કઠોર પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે દેવદૂત બનીને આગળ આવ્યા સ્નેહી રણછોડલાલ ઠક્કર. તેમણે મંદિર નિર્માણનું વચન આપ્યું અને સ્થાનિક શિવભક્તોના સાથ-સહકારથી આખરે વારણા ગામે દિવ્ય શિવ મંદિર બનીને તૈયાર થયું.
એપ્રિલ 2022માં મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. મંદિર નિર્માણનું સપનું પૂરું થતાં જ મેરુભાઈને સન્માનપૂર્વક પવિત્ર નગરી હરિદ્વાર લઈ જવામાં આવ્યા, જ્યાં ગંગાજીના પાવન તટ પર તેમની 50 વર્ષ જૂની જટાઓનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવી હતી.
મંદિર સાથે જોડાયેલો ચમત્કાર
આ શિવ મંદિર સાથે એક અલૌકિક ચમત્કાર પણ જોડાયેલો છે. દરરોજ સાંજે 7 વાગ્યે રાષ્ટ્રીય પક્ષી મોર મંદિરના શિખર પર આવીને બિરાજે છે. આશ્ચર્યની વાત એ છે કે જ્યાં સુધી મોર ન આવે, ત્યાં સુધી મંદિરમાં સાંજની આરતી શરૂ થતી નથી! મોર ભોલેનાથના ચરણોમાં શીશ ઝુકાવે છે અને ત્યારબાદ જ આરતીનો નાદ ગુંજી ઉઠે છે.
"ઓમ શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવ" ના ધામમાં આજે પણ અખંડ જ્યોતના દર્શન કરવા અને જળનો લોટો ચઢાવવા માત્રથી ભક્તોના તમામ દુઃખ-દર્દ દૂર થાય છે તેવી અગાધ શ્રદ્ધા છે. 50 વર્ષની તપસ્યા અને ચમત્કારિક આસ્થાનું આ કેન્દ્ર આજે સમગ્ર પંથકમાં પ્રેરણાસ્ત્રોત બન્યું છે. અનાજી શ્રાવણ માસના છેલ્લા સોમવારે આખા ગામના લોકો દ્વારા પ્રસંગની ઉજવણી થઈ.




