Ahmedabad

81 કરોડ રૂપિયાની ઇસ્ટર્ન ટ્રંક લાઇન છતાં પૂર્વ અમદાવાદના રસ્તાઓ બેટમાં ફેરવાયા, એક જ વર્ષમાં દાવાની પોલ ખુલી

By GS Team
14 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 81.40 કરોડના ખર્ચે બનેલી ઇસ્ટર્ન ટ્રંક લાઇન પર સવાલો ઉઠ્યા છે. ગત વર્ષે લોકાર્પણ કરાયેલી આ લાઇન છતાં ઓઢવ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની અને ગટર બેક મારવાની સમસ્યા યથાવત્ છે. કરોડોના ખર્ચ છતાં પરિણામ ન મળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

81 કરોડ રૂપિયાની ઇસ્ટર્ન ટ્રંક લાઇન છતાં પૂર્વ અમદાવાદના રસ્તાઓ બેટમાં ફેરવાયા, એક જ વર્ષમાં દાવાની પોલ ખુલી

Ahmedabad News: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની અને ગટર બેક મારવાની સમસ્યામાંથી લોકોને રાહત આપવા માટે કરોડો રૂપિયાના ખર્ચે ઇસ્ટર્ન ટ્રંક લાઇન નાખવામાં આવી હતી. ગયા વર્ષે જુલાઈમાં રાજ્યના તત્કાલીન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલ દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 81.40 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જોકે, એક વર્ષમાં જ આ પ્રોજેક્ટના હેતુ અને તેની અસરકારકતા સામે સવાલો ઊભા થયા છે.

પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોના રસ્તાઓ પાણીમાં ગરકાવ

ઇસ્ટર્ન ટ્રંક લાઇનના લોકાર્પણ સમયે એવો દાવો કરવામાં આવ્યો હતો કે પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની તથા ગટર બેક મારવાની સમસ્યામાંથી લોકોને રાહત મળશે. તત્કાલીન મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, 'મધુમાલતી આવાસ, ગોપાલ ચોક, ઓઢવ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોના અંદાજે 5 લાખ શહેરીજનોને આ સમસ્યામાંથી રાહત મળશે.' પરંતુ હાલની વરસાદી સ્થિતિમાં મધુમાલતી આવાસ, ઓઢવ, વસ્ત્રાલ સહિત પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોના રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં આ દાવા સામે સવાલ ઊભા થયા છે. એક તરફ કરોડોના ખર્ચે ટ્રંક લાઇન નાખવામાં આવી અને બીજી તરફ વરસાદ પડતાં જ પાણી ભરાવાની સ્થિતિ યથાવત્ જોવા મળી રહી છે.

દર વર્ષે ડ્રેનેજ પાછળ કરોડોનો ખર્ચ છતાં સમસ્યા યથાવત્

કોર્પોરેશન દ્વારા શહેરમાં દર વર્ષે નવી ડ્રેનેજ લાઇન નાખવા, જૂની ડ્રેનેજ લાઇનના રિહેબિલિટેશન અને ડીસીલ્ટીંગ સહિતની કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. તેમ છતાં વરસાદ દરમિયાન પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિમાં ખાસ ફેરફાર જોવા મળતો નથી.

આથી સવાલ એ ઊભો થાય છે કે 81.40 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ઇસ્ટર્ન ટ્રંક લાઇનનો વરસાદી પાણીના નિકાલમાં અપેક્ષિત લાભ કેમ મળતો નથી? કરોડોના ખર્ચ અને દર વર્ષની ડ્રેનેજ કામગીરી બાદ પણ જો રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા હોય તો આયોજન અને અમલીકરણ બંનેની અસરકારકતા સામે પ્રશ્નો સ્વાભાવિક છે.

કઠવાડાથી વિન્ઝોલ STP સુધી 12.08 કિ.મી.ની લાઇન

મહત્વનું છે કે ઇસ્ટર્ન ટ્રંક લાઇન અંતર્ગત નિકોલના કઠવાડાથી વિન્ઝોલ STP સુધી 12.08 કિલોમીટર લાંબી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે. આ લાઇનમાં 1200 એમએમ, 1600 એમએમ, 1800 એમએમ અને 2000 એમએમ વ્યાસની લાઇનોનો સમાવેશ થાય છે.

આટલી લાંબી અને મોટા વ્યાસની ડ્રેનેજ લાઇન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ મધુમાલતી આવાસ, ઓઢવ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સામે આવતા પ્રોજેક્ટથી ખરેખર કેટલો લાભ થયો અને સમસ્યા ક્યાં રહી છે તે અંગે ચર્ચા શરૂ થઈ છે.