1.50 લાખની સામે 25 લાખની વસૂલી છતાં 10% લેખે ઉઘરાણી કરી, અમદાવાદના રાણીપમાં વ્યાજખોરનો આતંક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News : શહેરના રાણીપમાં વિસ્તારમાં રહેતા યુવકે બે વર્ષ પહેલા બે ભાઈઓ પાસેથી ધંધો કરવા માટે દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ રકમની સામે યુવકે અલગ અલગ સમયે વ્યાજ સહિત આશરે 25 લાખની રકમ ચુકવી દીધી હતી. તેમ છતાંય, બંને ભાઈઓએ યુવક પાસે 10 ટકા વ્યાજની માંગણી કરીને ધમકી આપીને બે કોરા ચેક લઈ લીધા હતા. આ અંગે રાણીપ પોલીસે મની લોન્ડરિંગ એક્ટનો ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.
વ્યાજખોરી કરતા બે સગા ભાઈઓ વિરુદ્ધ મની લોન્ડરિંગનો ગુનો નોંધીને કાર્યવાહી કરાઈ
રાણીપ સાબરમતી સેન્ટ્રલ જેલ ક્વાર્ટર્સમાં રહેતા અભય પરમાર નામના યુવકને ધંધો કરવાનો હોવાથી તેના પિતા સાથે જેલ સ્ટાફમાં નોકરી કરતા મગનભાઈ દેસાઈના પુત્ર વિક્રમ દેસાઈ અને જયેશ દેસાઈ (બંને રહે. સનવીલા એપાર્ટમેન્ટ, સેટેલાઇટ) પાસેથી ત્રણ ટકા વ્યાજે દોઢ લાખ રૂપિયા લીધા હતા.
શરૂઆતના મહિનાઓમાં પહેલા બાર લાખ રૂપિયા જેટલા અભયે ચુકવી દીધા હતા. તેમ છતાંય, નાણાં બાકી હોવાનું કહીને હવેથી 10 ટકા વ્યાજની માંગણી કરીને ફરીથી બીજા પાંચ લાખ રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ અન્ય લોકો પાસેથી પણ નાણાં લઈને કુલ 25 લાખ રૂપિયા સુધીની ચુકવણી કરી હતી. તે પછી પણ નાણાંની ઉઘરાણી ચાલુ રાખીને ધમકી આપીને કોરા ચેક લખાવી લીધા હતા.
સૌથી ચોંકાવનારી બાબત એવી પણ સામે આવી છે કે વિક્રમે અભયને કહ્યું હતું કે તું ઓનલાઇન ગેમિંગ રમજે અને તારા ખાતામાં પૈસા જમા કરાવીશું. જે પૈસા એકાઉન્ટમાં નાખતો અને અભય ગેમ રમીને કમાઈ આપતો હતો. જેના કારણે તેના ખાતામાં વધારે લેવડ દેવડ થતા બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ થઈ ગયું હતું. આમ, યુવક નવી નાણાંકીય મુસીબતમાં ફસાયો હતો.




