Ahmedabad

ગુજરાતમાં 14 વર્ષથી પ્રતિબંધ છતાં રૂ. 3 હજાર કરોડના તમાકુ-પાન મસાલાનું વેચાણ, 100માંથી 38 પુરુષો બંધાણી

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ગુટખા અને તમાકુ-નિકોટિનયુક્ત પાનમસાલા પરનો પ્રતિબંધ 14મા વર્ષે લંબાવાયો છે. જોકે, આ પ્રતિબંધ કાગળ પર જ રહે છે, કારણ કે રાજ્યમાં 38.40% પુરુષો અને 7% મહિલાઓ તમાકુનું સેવન કરે છે. વર્ષે 3 હજાર કરોડથી વધુના તમાકુ-પાન મસાલા વેચાય છે. આ પ્રતિબંધના ભંગ બદલ કડક કાર્યવાહી કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં 14 વર્ષથી પ્રતિબંધ છતાં રૂ. 3 હજાર કરોડના તમાકુ-પાન મસાલાનું વેચાણ, 100માંથી 38 પુરુષો બંધાણી

Gujarat Tobacco Ban: ગુજરાતમાં ગુટખા અને તમાકુ-નિકોટિનયુક્ત પાનમસાલા પરનો પ્રતિબંધ સળંગ 14માં વર્ષે લંબાવવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ગુટખા, તમાકુ કે નિકોટિન ધરાવતા પાન મસાલાના ઉત્પાદન-સંગ્રહ-વેચાણ પર પ્રતિબંધ હોય છે. અલબત્ત, આ પ્રતિબંધ તો માત્ર કાગળ પરનો જ હોય છે. ગુજરાતમાં 38 ટકા પુરુષો અને 7 ટકા મહિલાઓ કોઈને કોઈ રીતે તમાકુનું સેવન કરે છે.

વર્ષે 3 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતના તમાકુ-પાન મસાલાનું વેચાણ

છેલ્લે વર્ષ 2023-24ના નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં ગુજરાત માટે તમાકુનો વપરાશ ચિંતાજનક છે. રાજ્યમાં 15 વર્ષ કે તેથી વધુ વયના 38.40 ટકા પુરુષો અને 7 ટકા મહિલાઓ કોઈને કોઈ પ્રકારના તમાકુનું સેવન કરે છે. સરળ ભાષામાં કહીએ તો ગુજરાતમાં દર 100માંથી 38 પુખ્તવયના પુરુષ તમાકુનું સેવન કરે છે. 38.4 ટકા લોકોને ગુટખાના વપરાશકર્તા ગણાવી શકાય નહીં, કારણ કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો આ આંકડો તમામ પ્રકારના તમાકુના ઉપયોગને આવરી લે છે. તેમાં સિગારેટ, બીડી, ખૈની, માવો, ચાવવાનું તમાકુ, ગુટખા વગેરેનો સમાવેશ થઈ શકે છે.

ગુજરાત સરકાર જારી કરેલી યાદીમાં સ્વીકારે છે કે, ‘ટાટા મેમોરિયલ હોસ્પિટલ, ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ અને 'હેમર'ના સંશોધનો મુજબ ગુટખા તેમજ પાન મસાલાનું સેવન કેન્સરકારક છે, જેનાથી મોઢાના કેન્સરનું જોખમ અત્યંત વધી જાય છે. આ ઉપરાંત, ‘ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે’ના અહેવાલ મુજબ દેશમાં 35% પુખ્ત વયના લોકો તમાકુનું સેવન કરે છે, જેમાં 21% લોકો ધુમાડા વગરની (સ્મોકલેસ) તમાકુનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે.’

તમાકુ-પાન મસાલાના વેચાણને લીધે મોઢાના કેન્સરના કેસમાં વધારો

સરકારના દાવા પ્રમાણે આ પ્રતિબંધ કોઈપણ નામે ઓળખાતા તમાકુ કે નિકોટિનયુક્ત ગુટખા અને પાન મસાલા પર લાગુ પડશે. આ ઉપરાંત, અલગ-અલગ વેચાતા એવા ઘટકો કે જેના મિશ્રણથી અંતિમ ઉત્પાદન તરીકે ગુટખા કે પાન મસાલા તૈયાર થતા હોય, તેના પર પણ પ્રતિબંધ રહેશે. આ આદેશનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. આમ, તમાકુ-પાન મસાલાના વેચાણને લીધે મોઢાના કેન્સરના કેસમાં વધારો થઈ રહ્યો હોવા છતાં તેનું બેરોકટોક અને બેફામ વેચાણ થઈ રહ્યું છે.

દિવસમાં અનેક વખત તમાકુનું સેવન કરનારાનું પ્રમાણ ચિંતાજનક વધારે

એક અભ્યાસમાં ગુજરાતમાં કેટલાક વપરાશકર્તાઓ દ્વારા દિવસમાં 8થી 10 વખત સુધી તમાકુનું સેવન થતું હોવાનું નોંધાયું હતું. વપરાશના પ્રમાણને જોતાં ગુટખા, માવો, તમાકુ, ચૂનો જેવી સ્મોકલેસ પ્રોડક્ટ્સનું વાસ્તવિક બજાર નોંધપાત્ર હોવાની સંભાવના છે.

સિવિલની કેન્સર હોસ્પિટલમાં મોઢા અને ગળાના કેન્સરના

•વર્ષ 2021, 4643 કેસ
•વર્ષ 2022, 4532 કેસ
•વર્ષ 2023, 4484 કેસ
•વર્ષ 2024, 4648 કેસ
•વર્ષ 2025, 4803 કેસ