અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો: સિવિલ અને સોલા સિવિલ દર્દીઓથી ઉભરાઈ, ડેન્ગ્યુના કેસોમાં ભારે ઉછાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Civil & Sola Civil Hospital Dengue Case: ગુજરાતમાં બદલાતી ઋતુ વચ્ચે અમદાવાદમાં મચ્છરજન્ય તેમજ વાયરલ બીમારીઓએ માથું ઊંચક્યું છે. અમદાવાદ શહેરની બે મુખ્ય સરકારી હૉસ્પિટલો—અસારવા સિવિલ હૉસ્પિટલ અને સોલા સિવિલ હૉસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં છેલ્લા 2 મહિનાથી સતત વધારો થઈ રહ્યો હોવાથી આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે.
અસારવા સિવિલ: સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના કેસોમાં ત્રણ ગણો વધારો
અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટે વિગતો આપતાં જણાવ્યું કે, ઓગસ્ટ મહિનામાં સિવિલ હૉસ્પિટલમાં ડેન્ગ્યુના 94 કેસ નોંધાયા હતા, જ્યારે ચાલુ સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી આ આંકડો 315 પર પહોંચી ગયો છે. 300થી વધુ દર્દીઓ હાલ હૉસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર લઈ ચૂક્યા છે.
OPD અને ઇન્ડોર દર્દીઓ: છેલ્લા 1 અઠવાડિયામાં જ સિવિલની OPDમાં 29,000 થી વધુ લોકો સારવાર માટે પહોંચ્યા છે, જ્યારે 2,400થી વધુ ગંભીર દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે.
ડૉક્ટરની સલાહ: દર્દીને અતિશય ઊંચો તાવ આવવો, શરીરમાં અશક્તિ/નબળાઈ લાગવી અને દવા છતાં તાવ ન ઊતરવો એ ડેન્ગ્યુના મુખ્ય લક્ષણો છે. આવા લક્ષણો દેખાતાં જ જાતે દવા લેવાને બદલે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લઈને લેબોરેટરી ટેસ્ટ કરાવવા અપીલ કરવામાં આવી છે.
સોલા સિવિલ: એક જ સપ્તાહમાં 16 હજાર જેટલી OPD, બાળકો પણ બીમાર
સોલા સિવિલ હૉસ્પિટલના ARMOએ હૉસ્પિટલની સ્થિતિ અંગે જણાવ્યું કે, બદલાતા હવામાનને પગલે માત્ર 1 જ સપ્તાહમાં સોલા સિવિલની OPDમાં 15,986 દર્દીઓ નોંધાયા છે. સામાન્ય તાવ, શરદી અને ઉધરસના કેસોમાં પણ ધરખમ વધારો થયો છે.
રોગચાળાના આંકડા: હૉસ્પિટલમાં ડેન્ગ્યુના 169 કેસ અને મેલેરિયાના 13 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ટાઇફોઇડના 4, સ્વાઇન ફ્લૂના 2 અને ચિકનગુનિયાનો 1 કેસ સામે આવ્યો છે.
બાળકોમાં ચેપ: ઋતુજન્ય બીમારીઓને કારણે પીડિયાટ્રિક વિભાગમાં પણ રોજના 100થી 150 જેટલાં બાળકો સારવાર માટે આવી રહ્યા છે.
બંને હૉસ્પિટલોના તબીબોએ નાગરિકોને ઘરમાં કે આસપાસ પાણી ભરાઈ ન રહેવા દેવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવા તેમજ લક્ષણો જણાતાં તુરંત સરકારી કે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.




