Ahmedabad

રામાપીરના ટેકરાના ડેવલપમેન્ટના નામે વૃક્ષોનું નિકંદન, દોઢ વર્ષમાં 100થી વધુ ઘટાદાર વૃક્ષો કપાયાનો આક્ષેપ

By GS Team
24 Nov 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના રામાપીરના ટેકરા સ્લમ વિસ્તારના રિડેવલપમેન્ટ દરમિયાન છેલ્લા દોઢ વર્ષમાં 100થી વધુ ઘટાદાર વૃક્ષો કપાઈ ગયાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. હવે બાકી રહેલા 15-20 વૃક્ષો પણ કાપવાની તૈયારી છે. વિકાસના નામે બિનજરૂરી વૃક્ષો કપાતા હોવાની અને મંજૂરી વિના વૃક્ષછેદનની શંકા સેવાઈ રહી છે. કોર્પોરેશને તપાસ કરી કાર્યવાહીની ખાતરી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રામાપીરના ટેકરાના ડેવલપમેન્ટના નામે વૃક્ષોનું નિકંદન, દોઢ વર્ષમાં 100થી વધુ ઘટાદાર વૃક્ષો કપાયાનો આક્ષેપ

Ramapirna Tekara Development: અમદાવાદમાં વિકાસકાર્યોની સાથે હરિયાળી જાળવવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એક તરફ શહેરમાં કોંક્રિટનાં બાંધકામો વધી રહ્યાં છે, ત્યારે બીજી તરફ જૂનાં અને ઘટાદાર વૃક્ષો કપાતાં હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે. નવા વાડજમાં સાબરમતી ગૌશાળા આશ્રમ સામે આવેલા રામાપીરના ટેકરા સ્લમ વિસ્તારના રિડેવલપમેન્ટની કામગીરી દરમિયાન ખુલ્લા મેદાનમાં રહેલાં વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, છેલ્લા દોઢ વર્ષમાં અહીં 100થી વધુ જૂનાં અને ઘટાદાર વૃક્ષો કાપી નાખવામાં આવ્યાં છે. હવે બાકી રહેલાં 15થી 20 જેટલાં વૃક્ષો પણ કાપવાની તૈયારી ચાલી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, રામાપીરના ટેકરા સેક્ટર-2ના ડેવલપમેન્ટ માટે આ વિસ્તારમાં મોટા પાયે વૃક્ષો દૂર કરવામાં આવ્યાં છે. સાબરમતી ગૌશાળા આશ્રમની સામે નવા ટીપી રોડ પાસે આવેલા ખુલ્લા મેદાનમાં અગાઉ મોટી સંખ્યામાં વૃક્ષો હતાં. જોકે, વિકાસકામ દરમિયાન એક પછી એક વૃક્ષો કાપવામાં આવતાં હવે ગણ્યાંગાંઠ્યાં વૃક્ષો જ બચ્યાં છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પ્રોજેક્ટમાં નડતરરૂપ ન હોય તેવાં વૃક્ષો પણ દૂર કરવામાં આવી રહ્યાં છે. હવે બાકી રહેલાં વૃક્ષો પર પણ કાપવાની તલવાર લટકી રહી છે.

સ્થાનિકો અનુસાર, અગાઉ આ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં વૃક્ષો હતાં. રામાપીરના ટેકરા સેક્ટર-2ના ડેવલપમેન્ટ માટે છેલ્લા એકથી દોઢ વર્ષ દરમિયાન 100થી વધુ વૃક્ષો કાપી નાખવામાં આવ્યાં છે. હાલમાં માત્ર 15થી 20 જેટલાં વૃક્ષો જ બચ્યાં છે અને હવે તેમને પણ કાપવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. વિકાસકામ માટે જે વૃક્ષો ખરેખર નડતરરૂપ હોય તે અંગે નિર્ણય લઈ શકાય, પરંતુ નડતરરૂપ ન હોય તેવાં વૃક્ષો પણ કાપવામાં આવી રહ્યાં હોવાનો તેમનો આક્ષેપ છે.

વૃક્ષો કાપવાની મંજૂરી લેવાઈ છે કે નહીં તે અંગે સવાલ

સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો છે કે અત્યાર સુધીમાં કાપવામાં આવેલા વૃક્ષો માટે સત્તાવાર મંજૂરી લેવામાં આવી હતી કે નહીં? હવે બાકી રહેલાં વૃક્ષો કાપવા માટે મંજૂરી આપવામાં આવી છે કે નહીં તે પણ સ્પષ્ટ થવું જોઈએ. તેમના મતે, રિડેવલપમેન્ટના નામે વૃક્ષોનું નિકંદન કાઢવાને બદલે શક્ય હોય ત્યાં સુધી વૃક્ષોનું જતન અને ટ્રાન્સપ્લાન્ટેશન કરવું જોઈએ.

શહેરમાં હરિયાળી ઘટતી જતાં ગરમીની અસર વધવાની ચિંતા પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. વિકાસના નામે ખુલ્લી જગ્યાઓ અને વૃક્ષો દૂર કરીને કોંક્રિટનાં બાંધકામો વધારવામાં આવે તો શહેરના પર્યાવરણ અને તાપમાન પર તેની અસર થઈ શકે છે. આવી સ્થિતિમાં રામાપીરના ટેકરા વિસ્તારમાં બચેલાં વૃક્ષોનું રક્ષણ થાય તેવી માગ ઊઠી છે.

ગેરકાયદે કાપણી થઈ હશે તો તપાસ કરીને કાર્યવાહી કરાશે

કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે આવા મોટા પ્રોજેક્ટમાં વૃક્ષોની સ્થળ પરની સ્થિતિ, પ્રોજેક્ટની અગત્યતા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વૃક્ષોને ટ્રાન્સપ્લાન્ટ કરવા અથવા કાપવાની મંજૂરી આપવામાં આવતી હોય છે. આ પ્રોજેક્ટમાં ગેરકાયદે વૃક્ષો કાપવામાં આવ્યાં હોવાની રજૂઆત અંગે સ્થળ પર જઈને તપાસ કરાવવામાં આવશે. જો આવી કોઈ પ્રવૃત્તિ થઈ હોવાનું જણાશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.