Ahmedabad

અમદાવાદ: ખાદ્યસામગ્રીમાં કલરનો ઉપયોગ, સ્વચ્છતાનો પણ અભાવ, AMCએ એકમ કર્યું સીલ

By GS Team
16 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ ફૂડ વિભાગે દાણીલીમડામાં A.N. ગૃહ ઉદ્યોગને સીલ કર્યું છે. સ્વચ્છતાના અભાવ અને ખાદ્ય સુરક્ષા નિયમોના ભંગ બદલ આ કાર્યવાહી કરાઈ. ગુડલક એસ્ટેટના ગોડાઉનમાંથી 1,010 કિલો મેંદો, મસાલા સિંગ, ઝીણી સેવ, ફરસી પૂરી સહિતનો જથ્થો જપ્ત કરાયો. પરવાનગી વગરના કલરનો ઉપયોગ અને લેબલિંગ નિયમોનું પાલન ન થતાં એકમ સામે કડક પગલાં લેવાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ખાદ્યસામગ્રીમાં કલરનો ઉપયોગ, સ્વચ્છતાનો પણ અભાવ, AMCએ એકમ કર્યું સીલ

Ahmedabad Food Department Action: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના દક્ષિણ ઝોનના દાણીલીમડા વિસ્તારમાં ખાદ્યસામગ્રી બનાવતા એકમ સામે ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે. સ્વચ્છતાના અભાવ અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન ન થતું હોવાને પગલે એ. એન. ગૃહ ઉદ્યોગને સીલ કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન અહીંથી 1,010 કિલો ખાદ્યસામગ્રીનો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો હતો. જેમાં મેંદો, મસાલા સિંગ, ઝીણી સેવ અને ફરસી પૂરી સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.

ખાદ્યસામગ્રીમાં કલરનો ઉપયોગ કરનાર એકમ AMCએ કર્યું સીલ

કોર્પોરેશનના ફૂડ વિભાગના વડાના જણાવ્યા અનુસાર, મળેલી બાતમીના આધારે ટીમે દાણીલીમડામાં આવેલા ગુડલક એસ્ટેટના ગોડાઉન નંબર 4, શાલીમાર એસ્ટેટ ખાતે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એકમમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો અને ખાદ્યસુરક્ષા સંબંધિત માર્ગદર્શિકાનું યોગ્ય રીતે પાલન થતું ન હોવાનું સામે આવ્યું હતું. ખાદ્યસામગ્રીના ઉત્પાદનમાં મંજૂરી ન હોય તેવા કલરનો ઉપયોગ થતો હોવાનું પણ તપાસમાં જણાયું હતું. આ ઉપરાંત, ફરસાણને વારંવાર એક જ તેલમાં તળવામાં આવતું હોવાનું અને તેના કારણે તેલમાં ટીપીસીનું પ્રમાણ સંબંધિત ચિંતાઓ ઊભી થતી હોવાનું વિભાગે નોંધ્યું હતું.

પેકિંગ પર લેબલિંગના નિયમોનું પાલન નહીં

તપાસ દરમિયાન તૈયાર ફરસાણનું પેકિંગ કરવામાં આવતું હોવા છતાં પેકેટ પર FSSAIના નિયમો અનુસાર જરૂરી લેબલિંગ કરવામાં આવતું ન હોવાનું જણાયું હતું. એકમમાં કામ કરતા કારીગરો કેપ, હેરકવર અને એપ્રન પહેરતા ન હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું. આ ખામીઓને ધ્યાનમાં રાખીને વિભાગે એકમને સીલ કરવાની અને 1,010 કિલો ખાદ્યસામગ્રીનો જથ્થો સ્થગિત કરવાની કાર્યવાહી કરી હતી.

ખાદ્ય એકમોમાં તપાસ ચાલુ

નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી કોર્પોરેશનના હેલ્થ અને ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ ખાદ્ય ધંધાકીય એકમોમાં તપાસ કરવામાં આવી રહી છે. વિભાગે તમામ એકમોના સંચાલકોને ખાદ્યસુરક્ષા, સ્વચ્છતા અને હાઇજીન સંબંધિત નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી છે.