Ahmedabad

અમદાવાદ: એક ભૂલ અને ₹3.20 કરોડ સાફ! PM આવાસ યોજનાની નકલી APK ખોલતાં જ વૃદ્ધના 3 એકાઉન્ટ ખાલી

By GS Team
26 Sep 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં સાયબર ઠગોએ પ્રધાનમંત્રી આવાસ યોજનાની ફેક APK ફાઇલ મોકલી એકાઉન્ટન્ટ દિલીપભાઈ શાહને શિકાર બનાવ્યા છે. એલિસબ્રિજ વિસ્તારમાં રહેતા શાહે APK ફાઇલ ઓપન કરતાં જ તેમના મોબાઇલ નંબર સાથે જોડાયેલા 3 બૅંક ખાતાઓમાંથી ₹3.20 કરોડ ઉપાડી લેવાયા હતા. આ છેતરપિંડી 10 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર, 2026 વચ્ચે થઈ હતી. સાયબર સેલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: એક ભૂલ અને ₹3.20 કરોડ સાફ! PM આવાસ યોજનાની નકલી APK ખોલતાં જ વૃદ્ધના 3 એકાઉન્ટ ખાલી

Ahmedabad Cyber Crime PM Awas Yojana Fake APK Fraud: ઓનલાઇન છેતરપિંડીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે સાયબર ઠગો દ્વારા વોટ્સએપ પર પ્રધાનમંત્રી આવાસ યોજનાની ફેક APK ફાઇલ મોકલતાં અમદાવાદના એકાઉન્ટન્ટ ઓનલાઇન સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. જેમાં સાયબર ઠગોએ એકાઉન્ટન્ટના મોબાઇલ નંબર સાથે જોડાયેલા ત્રણ બૅંક ખાતાઓમાંથી અનેક IMPS ટ્રાન્ઝેક્શન દ્વારા ₹3.20 કરોડ ઉપાડી લીધા હોવાનું ફરિયાદ નોંધાઈ છે.

PM આવાસ યોજનાની નકલી APK ઓપન કરતાં જ ₹3.20 કરોડ ગાયબ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આ છેતરપિંડી 10 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર, 2026 વચ્ચે થઈ હતી. એલિસબ્રિજ વિસ્તારમાં રહેતા ફરિયાદી દિલીપભાઈ ચીનુભાઈ શાહે(ઉં.વ.67) પોલીસને જણાવ્યું હતું કે, અજાણ્યા વ્યક્તિઓએ તેમના મોબાઇલ ફોનનો એક્સેસ મેળવવા અને ત્યારબાદ તેમના મોબાઇલ નંબર સાથે જોડાયેલા બૅંક ખાતાઓ સુધી પહોંચવા માટે કથિત રીતે કાવતરું ઘડ્યું હતું.

શાહે જણાવ્યું કે, 10 સપ્ટેમ્બરે તેમને તેમના એક પરિચિત ગેરેજ સંચાલક તરફથી વોટ્સએપ મેસેજ મળ્યો હતો. આ મેસેજમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સંબંધિત એક APK ફાઇલ હતી અને તેમાં લખ્યું હતું કે આ યોજનામાં તેમનું નામ સામેલ છે. ફરિયાદીએ આ ફાઇલ ઓપન કરી, પરંતુ તેમના ફોન પર કંઈ દેખાયું નહીં. તેથી તેમણે તે બંધ કરી દીધી. પોલીસને શંકા છે કે APK ફાઇલ ઓપન કરવાથી ઠગોને મોબાઇલ ફોનનો એક્સેસ મેળવવામાં અને બૅંક ખાતાઓ સાથે જોડાયેલી માહિતી મેળવવામાં મદદ મળી હતી.

ફરિયાદી, તેની પત્ની અને મિત્રના બૅંક એકાઉન્ટ સાફ

ભેજાબાજોએ ફરિયાદી સહિત તેની પત્ની અને મિત્રના બૅંક એકાઉન્ટ પણ સાફ કરી દીધા હતા. ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે, આ ત્રણેય ખાતાઓમાં તેમનો જ મોબાઇલ નંબર રજિસ્ટર્ડ હતો. આ કથિત છેતરપિંડીનો ખુલાસો 19 સપ્ટેમ્બરે થયો, જ્યારે શાહનો પુત્ર જૈનમ બે ચેક જમા કરાવવા ગયો હતો. પરંતુ ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાને કારણે આ ચેક રિટર્ન થયા હતા. જ્યારે જૈનમે આ અંગે પિતાને જાણ કરી, ત્યારે શાહે તેમની બૅંકિંગ ઍપ્લિકેશન્સ દ્વારા ખાતાઓ તપાસ્યા. જેમાં ફરિયાદીને પોતાના ખાતામાં માત્ર ₹10,000 અને પત્નીના ખાતામાં માત્ર ₹635 જ બચેલા મળ્યા હતા.

ત્યારબાદ ફરિયાદીએ તેમના મિત્ર પ્રવીણચંદ્ર પટેલનો સંપર્ક કર્યો અને તેમને આ ટ્રાન્ઝેક્શન્સ વિશે જણાવ્યું. તે જ સમયે, શાહને તેના મિત્રના બૅંક ઑફ ઈન્ડિયાના ખાતામાંથી ₹10,000 કપાયા હોવાનો મેસેજ મળ્યો. પોતાનો મોબાઇલ ફોન હેક થયો હોવાની શંકા જતાં પરિવારજનોએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો હતો. જૈનમના મોબાઇલ નંબર પરથી ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

બીજા દિવસે શાહ અને તેના મિત્રના ભાઈએ બૅંક ઑફ ઇન્ડિયાનું ખાતું ચેક કર્યું તો તેમાંથી પણ નાણાં ઉપાડી લેવામાં આવ્યા હોવાનું માલૂમ પડ્યું હતું. ત્યારબાદ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

મોટી સંખ્યામાં IMPS ટ્રાન્ઝેક્શન્સ થયા

12 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર વચ્ચે આ ત્રણેય ખાતાઓમાંથી મોટી સંખ્યામાં IMPS ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવ્યા હતા. ફરિયાદમાં દર્શાવવામાં આવેલા ટ્રાન્ઝેક્શન રૅકોર્ડ મુજબ ₹1,000થી લઈને ₹99,999 સુધીની રકમ અલગ-અલગ બેનિફિશિયરીના ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

આ ટ્રાન્ઝેક્શન્સમાં અનેક બેનિફિશિયરીના ખાતાઓ અને વારંવાર ટ્રાન્સફર સામેલ હતા, જેમાં ₹10,000, ₹15,000, ₹20,000, ₹30,000 અને તેનાથી મોટી રકમના ચૂકવણાં સામેલ હતા. ત્રણેય ખાતાઓમાંથી કથિત રીતે કુલ ₹3.20 કરોડ ઉપાડી લેવામાં આવ્યા હતા.

પોલીસ હવે બેનિફિશિયરી ખાતાઓ, ટ્રાન્ઝેક્શન ટ્રેઇલ, મોબાઇલ નંબરો, ડિવાઈસ અને ડિજિટલ પુરાવાઓની તપાસ કરે તેવી શક્યતા છે, જેથી આ APK ફાઇલ કેવી રીતે બનાવવામાં આવી અને વિતરિત કરવામાં આવી, આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.