ધોળકામાં સોના-ચાંદીમાં ભારે નફાની લાલચ આપી કરોડોની ઠગાઈ: 'ઓમ જ્વેલર્સ'ના પિતા-પુત્ર સામે FIR, મુખ્ય આરોપીની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dholka Om Jewellers Scam: સોના-ચાંદીમાં રોકાણ કરતા ગ્રાહકો અને રોકાણકારો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ધોળકાની જાણીતી ‘ઓમ જ્વેલર્સ’ના માલિક પિતા-પુત્રે રોકાણકારોને ઊંચા નફાની લોભામણી લાલચ આપી લોકોની જીવનભરની કમાણી પડાવી લીધાનું કૌભાંડ સામે આવ્યું છે. ધોળકા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે.
113 કિલો ચાંદીનું રોકાણ કરાવી આચરી છેતરપિંડી
મળતી માહિતી અનુસાર, આરોપી અમિતકુમાર સોની અને તેના પુત્ર પાર્થ સોનીએ કાવતરું રચી રોકાણકારો પાસેથી 113 કિલો ચાંદી (જેની કિંમત 1.24 કરોડ રૂપિયાથી વધુ થાય છે)નું રોકાણ કરાવ્યું હતું. શરૂઆતમાં ગ્રાહકોનો વિશ્વાસ જીત્યા બાદ આરોપીઓએ 74.51 લાખ રૂપિયાથી વધુની રકમ કે દાગીના પરત ન આપીને વિશ્વાસઘાત આચર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ધોળકા ટાઉન પોલીસની ટીમે તાત્કાલિક તપાસ ચલાવી મુખ્ય આરોપી અમિત સોનીને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેના રિમાન્ડ મંજૂર કર્યા છે.
અન્ય ભોગ બનનારાઓને સંપર્ક કરવા પોલીસની અપીલ
પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે આ જ પરિવારના 'હરી જ્વેલર્સ'ના માલિકો સામે પણ અગાઉ આવી જ છેતરપિંડીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે અને આ પરિવાર લોકોના નાણાંથી મોજશોખ કરતો હતો. પોલીસે અપીલ કરી છે કે જો આ પિતા-પુત્રની ઠગાઈનો શિકાર અન્ય કોઈ ભોગ બનનાર બન્યું હોય, તો તેમણે તાત્કાલિક ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.




