કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી કેસ: અશફાક અને રાજેશના 13 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Court Bomb Threat Case Gujarat: અમદાવાદ-સુરત કોર્ટ પરિસરમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપવાના ગંભીર મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બે શંકાસ્પદ આરોપીઓ અસફાક અને રાજેશ ઉર્ફે રાજની ધરપકડ કરી લીધી છે. બંને આરોપીઓને પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીઓને 13 સપ્ટેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો મહત્ત્વપૂર્ણ હુકમ કર્યો છે. નોંધનીય છે કે, બંને આરોપીઓની ઓળખાણ સુરત જેલમાં થઇ હતી. પોલીસે શાળા અને એરપોર્ટ પર મળેલી ધમકીઓ સાથે તાર જોડાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.
કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી કેસ
બંને આરોપીઓની રિમાન્ડ અરજી પર સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આરોપી અશફાક અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જે ઈ-મેલ આઈડી પરથી કોર્ટને ધમકી આપવામાં આવી હતી, તે આઈડી કોણે બનાવ્યું હતું અને કયા હેતુથી ધમકીભર્યો મેલ કરવામાં આવ્યો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી છે. ગુનામાં વપરાયેલા મોબાઈલમાંથી અગાઉનો મહત્ત્વનો ડેટા ડીલીટ કરી દેવામાં આવ્યો હોવાથી તેને રિકવર કરવો અત્યંત આવશ્યક છે.
આ ઉપરાંત, તાજેતરમાં વિવિધ શાળાઓ અને એરપોર્ટ પર મળેલી ધમકીઓ સાથે આ આરોપીઓનું કોઈ કનેક્શન છે કે કેમ અને આ સમગ્ર ષડયંત્રમાં અન્ય કોઈ સહ-આરોપીઓ સંકળાયેલા છે કે નહીં તે બહાર લાવવા માટે 10 દિવસના રિમાન્ડ જરૂરી છે.
સામે પક્ષે આરોપીઓ તરફથી રોકાયેલા વકીલે રિમાન્ડ અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે, આરોપીઓએ તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે અને પોતાની પાસે જે પણ માહિતી હતી તે પોલીસ સમક્ષ સ્પષ્ટ કરી દીધી છે. આરોપીઓ વિતેલા 24 કલાકથી પોલીસ કસ્ટડીમાં જ છે અને જે ટેકનિકલ બાબતો પર પોલીસ તપાસ કરવા માંગે છે તેમાં આરોપીઓની શારીરિક હાજરી જરૂરી ન હોવાથી રિમાન્ડ મંજૂર ન કરવા જોઈએ. બંને પક્ષોની રજૂઆતો ધ્યાને લીધા બાદ, ગુનાની ગંભીરતા અને ટેકનિકલ પુરાવા એકત્રિત કરવાની જરૂરિયાતને જોતા કોર્ટે બંને આરોપીઓને 13 સપ્ટેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ હેઠળ સોંપવા માટેનો આદેશ કર્યો છે.




