AMCની આવાસ યોજના વિવાદોમાં: હિંદુ વિસ્તારમાં મુસ્લિમ અને મુસ્લિમ વિસ્તારમાં હિંદુઓને મકાન ફાળવતા પરિવારો રહેવા નથી જતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad EWS Housing Faces Controversy: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવતી ઈડબલ્યુએસ આવાસ યોજના હાલ એક મોટા સામાજિક વિવાદના કેન્દ્રમાં આવી છે. કોર્પોરેશન દ્વારા કરાતી 'રેન્ડમ' આવાસ ફાળવણીના કારણે હિંદુ બહુમતીવાળા વિસ્તારમાં મુસ્લિમ પરિવારોને અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં હિંદુ પરિવારોને મકાનો ફાળવી દેવામાં આવ્યા છે. પરિણામે, સુરક્ષા અને સામાજિક અસામંજસ્યના ભયથી પરિવારો પોતાના હકના મકાનો મળ્યા હોવા છતાં ત્યાં રહેવા જવા તૈયાર નથી અને આવાસો ખાલી પડી રહ્યા છે.આ ગંભીર મુદ્દો જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા AMCની સંકલન બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર સમક્ષ ઉઠાવવામાં આવ્યો છે.
1500 હિંદુઓની વચ્ચે 50 મુસ્લિમ પરિવારોને ઘર ફાળવ્યા: ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા
ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, ઓઢવ અને નરોડા જેવા હિંદુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં સરકારી આવાસ યોજના હેઠળ આશરે 1500 જેટલા હિંદુ પરિવારોને મકાનો લાગ્યા છે, જેની વચ્ચે 50 જેટલા મુસ્લિમ પરિવારોને મકાન ફાળવી દેવાયા છે. બીજી તરફ, સરખેજ જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં હિંદુ ભાઈઓને આવાસ ફાળવી દેવામાં આવ્યા છે. આવી અયોગ્ય ફાળવણીના કારણે જે લોકોને મકાનો લાગ્યા છે, તેઓને એ અજાણ્યા વિસ્તારોમાં રહેવા જવામાં ભય લાગે છે. કોઈ પરિવાર ત્યાં શિફ્ટ થવા તૈયાર નથી.
મકાનો ખાલી ન રહે તે માટે 'વસ્તીના આધારે ફાળવણી' કરવા માંગ
આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ધારાસભ્યે મ્યુનિસિપલ કમિશનરને સ્પષ્ટ રજૂઆત કરી છે કે, ભવિષ્યમાં જ્યારે પણ આવાસનો ડ્રો કે ફાળવણી થાય ત્યારે ભૌગોલિક અને સામાજિક સ્થિતિનું ધ્યાન રાખવામાં આવે. બહુમતીવાળા વિસ્તારમાં બહુમતી સમુદાયના લોકોને અને લઘુમતી પ્રભુત્વવાળા વિસ્તારમાં લઘુમતી સમુદાયના લોકોને જ મકાનોની ફાળવણી કરવામાં આવે. આમ કરવાથી જ નાગરિકો કોઈપણ પ્રકારના ડર વગર શાંતિથી સંવાદિતા સાથે રહી શકશે અને સરકારના કરોડો રૂપિયાના આવાસો જે અત્યારે ભૂતિયા બંગલા જેવા ખાલી પડ્યા છે, તેનો સાચો ઉપયોગ થશે.
સંકલન બેઠકના અન્ય મહત્ત્વના મુદ્દા
• નળ સે જલ યોજનાના દાવા પોકળ: સરખેજ વિસ્તારના નાગરિકોએ ફોર્મ ભરીને પૈસા ચૂકવી દીધા હોવાની રિસિપ્ટ હોવા છતાં હજુ સુધી ઘરોમાં નળ કનેક્શન મળ્યા નથી. ધારાસભ્યે 100 ટકા પાણી પહોંચાડવાના તંત્રના દાવાને ખોટો ગણાવ્યો છે.
• ખાનપુર વૃક્ષ દુર્ઘટના અને સહાય: ખાનપુરમાં ઝાડ પડવાથી મૃત્યુ પામેલા આશાસ્પદ યુવકના પરિવારને 5 લાખ રૂપિયાની સહાય આપવા મુખ્યમંત્રી અને કમિશનરને રજૂઆત કરાઈ છે. સાથે જ ચોમાસામાં જોખમી ઝાડનું ટ્રિમિંગ કરવા માંગ કરાઈ છે.
• ટ્રાફિક અને વહીવટી પ્રશ્નો: કાલુપુરથી વિક્ટોરિયા ગાર્ડન સુધીની બીઆરટીએસ લેન હટાવવા તથા બજેટના કામો સમયસર પૂરા કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખાલી પડેલી ટેક્નિકલ સુપરવાઇઝર અને આસિસ્ટન્ટ એન્જિનિયરની જગ્યાઓ વહેલી તકે ભરવા અનુરોધ કરાયો છે.









