Ahmedabad

ગુજરાત સરકારના 'મફત પાઠ્યપુસ્તકો' ઓનલાઇન વેચાતા હોવાનો કોંગ્રેસનો દાવો, પાઠ્યપુસ્તક મંડળ સવાલોના ઘેરામાં!

By GS Team
23 Sep 20263 mins read
TukuTouch Logo
ગુજરાત સરકારની વિનામૂલ્યે પાઠ્યપુસ્તક યોજનાના પુસ્તકો ઓનલાઈન 160થી 250 રૂપિયામાં વેચાતા હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. ધોરણ 9થી 12ના પુસ્તકોના મુખપૃષ્ઠ પર "રાજ્ય સરકારની વિનામૂલ્યે યોજના હેઠળનું પુસ્તક" લખેલું હોવા છતાં, તે વેચાઈ રહ્યા છે. કોંગ્રેસે પાઠ્યપુસ્તક મંડળ અને સરકાર પાસે આ પુસ્તકો ઓનલાઈન કેવી રીતે પહોંચ્યા, સપ્લાયર કોણ છે અને વેચાણમાંથી મળતી રકમ કોના ખાતામાં જાય છે તેની તપાસની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત સરકારના 'મફત પાઠ્યપુસ્તકો' ઓનલાઇન વેચાતા હોવાનો કોંગ્રેસનો દાવો, પાઠ્યપુસ્તક મંડળ સવાલોના ઘેરામાં!

Gujarat Free Textbooks Allegedly Sold Online: ગુજરાત સરકારની વિનામૂલ્યે પાઠ્યપુસ્તક યોજનામાં પાત્ર વિદ્યાર્થીઓને મફતમાં આપવામાં આવનારા પુસ્તકો ઓનલાઇન પ્લેટફોર્મ પર 160થી 250 રૂપિયાથી વધુની કિંમતે વેચાતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે રાજ્ય પાઠ્યપુસ્તક મંડળની વ્યવસ્થા સામે સવાલો ઉઠાવી સમગ્ર મામલે તપાસની માગ કરી છે.

ધોરણ 9થી 12ના પુસ્તકો વેચાતા હોવાનો દાવો

કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે દાવો કર્યો છે કે, ઓનલાઇન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કેટલાક પાઠ્યપુસ્તકોના મુખપૃષ્ઠ પર જ ‘રાજ્ય સરકારની વિનામૂલ્યે યોજના હેઠળનું પુસ્તક’ લખેલું જોવા મળે છે. તેમ છતાં આ પુસ્તકો ઓનલાઇન પ્લેટફોર્મ પર નક્કી કરેલી કિંમત સાથે વેચાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ધોરણ 9, 11 અને 12ના કોમ્પ્યુટર સાયન્સ, હિસ્ટ્રી, અકાઉન્ટ્સ, સાયકોલૉજી અને યોગ સહિતના વિવિધ વિષયોના પાઠ્યપુસ્તકો ઓનલાઇન પ્લેટફોર્મ પર 160થી 250 રૂપિયા અથવા તેનાથી વધુ કિંમતે ઉપલબ્ધ હોવાની વિગતો સામે આવી છે. સરકારની યોજના હેઠળ પાત્ર વિદ્યાર્થીઓને આ પુસ્તકો વિનામૂલ્યે મળવાના હોય છે. ત્યારે એ જ પુસ્તકો ઓનલાઇન વેચાણ માટે કેવી રીતે ઉપલબ્ધ થયા તે અંગે સવાલો ઊભા થયા છે.

‘મફત યોજનાનું પુસ્તકો ઓનલાઇન પહોંચ્યા કેવી રીતે?’

આ અંગે કોંગ્રેસે પાઠ્યપુસ્તક મંડળ અને સરકાર પાસે અનેક સવાલોના જવાબ માગ્યા છે. જો આ પુસ્તકો ખરેખર વિનામૂલ્યે યોજના હેઠળના હોય તો તેને ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચવાની મંજૂરી કોણે આપી? પુસ્તકોનો જથ્થો ઓનલાઇન વેચાણકર્તા સુધી કેવી રીતે પહોંચ્યો? તેનો સપ્લાયર કોણ છે અને કોની મંજૂરીથી પુસ્તકોનો સપ્લાય થયો? વેચાણમાંથી મળતી રકમ કોના ખાતામાં જાય છે? જેવા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર જે પુસ્તક પાત્ર વિદ્યાર્થીઓને મફતમાં આપવાની છે, તેના માટે વાલીઓ પાસેથી નાણાં લેવામાં આવે તો આ વ્યવસ્થાની જવાબદારી કોની ગણાશે?

ડિલિવરી ચાર્જ નહીં, છતાં 5 રૂપિયા 'માર્કેટ પ્લેસ ફી'નો આક્ષેપ

કોંગ્રેસે દાવો કર્યો છે કે, આશરે એક મહિના પહેલાં શિક્ષણ મંત્રી અને પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન દ્વારા એમેઝોન પરથી પુસ્તકો મંગાવવાની વ્યવસ્થા અંગે વાલીઓ પાસેથી ડિલિવરી ચાર્જ નહીં લેવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી. વાસ્તવિક ઑર્ડર પ્રક્રિયા દરમિયાન દરેક ઑર્ડર પર પાંચ રૂપિયા 'માર્કેટ પ્લેસ ફી'નો વસૂલવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. જો ડિલિવરી ચાર્જ નહીં લેવાની જાહેરાત કરવામાં આવી હોય તો આ વધારાની ફી શા માટે વસૂલવામાં આવે છે તે અંગે પણ સ્પષ્ટતા માગવામાં આવી છે.

સમયસર પુસ્તકો ના મળ્યાની ફરિયાદ વચ્ચે ઓનલાઇન વેચાણનો મુદ્દો

એવો પણ આક્ષેપ કર્યો છે કે ચાલુ શૈક્ષણિક સત્રમાં અનેક વિદ્યાર્થીઓને સમયસર પાઠ્યપુસ્તકો ન મળ્યાની ફરિયાદો સામે આવી હતી. આવી સ્થિતિ વચ્ચે વાલીઓની સુવિધા માટે એમેઝોન મારફતે પુસ્તકો ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી હોય તો તેનો વાસ્તવિક લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે કે નહીં તેની તપાસ જરૂરી છે. ખાસ કરીને સરકારની વિનામૂલ્યે યોજના હેઠળના પુસ્તકો જ વ્યાપારી વેચાણમાં ગયા છે કે કેમ, તે અંગે સ્ટોકથી લઈને સપ્લાયર અને વેચાણ સુધીની સમગ્ર કડીની તપાસ કરવાની માગ કરવામાં આવી છે.

સ્ટોક, સપ્લાયર અને નાણાકીય વ્યવહાર જાહેર કરવાની માગ

સરકાર અને પાઠ્યપુસ્તક મંડળ પાસે ઓનલાઇન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ આવા પુસ્તકોનો સ્ટોક, સપ્લાયર, વેચાણકર્તા, મંજૂરી, વેચાણ કિંમત તથા નાણાકીય વ્યવહારની વિગતો જાહેર કરવાની કોંગ્રેસે માગ કરી છે. સાથે જ 'માર્કેટ પ્લેસ ફી'ના નામે વસૂલાતી રકમ અંગે પણ સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. જો તપાસમાં વિનામૂલ્યે યોજના હેઠળના પુસ્તકો ખરેખર વ્યાપારી ધોરણે વેચાયા હોવાનું બહાર આવે તો જવાબદાર અધિકારીઓ તથા સંકળાયેલા લોકો સામે કાયદાકીય અને શિસ્તભંગના પગલાં લેવાની માગ થઈ રહી છે.