લો, બોલો! ગુજરાતમાં પોલીસ પણ 'ઓન પેમેન્ટ' ભાડે મળે, પ્રજા રામ ભરોસે, ખાનગી કંપનીઓ માટે ખાખી તહેનાત!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Police: 'ગુજરાત પોલીસ સેવા, સુરક્ષા અને શાંતિ' આ સૂત્ર રોજ લોકો વાંચે છે, પરંતુ હવે તેમાં એક નવો શબ્દ ઉમેરવો પડે તેમ છે 'ભાડું'. રાજ્યમાં હવે કાયદો અને વ્યવસ્થા જાળવતી પોલીસ પણ ભાડે મળે છે! સામાન્ય જનતા જ્યારે પોતાના વિસ્તારમાં ચોરી કે લુખ્ખાતત્વોના ત્રાસથી ત્રાહિમામ પોકારીને પોલીસ પ્રોટેક્શન માંગે છે ત્યારે 'સ્ટાફની અછત'ના બહાના કાઢવામાં આવે છે. પરંતુ, ખાનગી કંપનીઓ માટે ગૃહ વિભાગ લાલ જાજમ બિછાવીને 'ઓન પેમેન્ટ પોલીસ બંદોબસ્ત નીતિ' હેઠળ પોલીસ જવાનોને ભાડે મોકલી આપે છે.
સરકારે ખાનગી કંપનીઓને રાજી રાખવા નીતિ ઘડી
હદ તો ત્યાં થાય છે કે સરકારી તંત્ર ખાનગી બાબતો માટે પોલીસને ભાડે તો આપી દે છે, પરંતુ તેની પાસેથી પૈસા વસૂલવામાં પણ ઢીલું સાબિત થયું છે. વિધાનસભામાં લેખિત પ્રશ્નના જવાબમાં સરકારે પોતે સ્વીકાર્યું છે કે માત્ર કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં જ ખાનગી પક્ષકારો પાસે સરકારના 2.59 કરોડથી વધુ રૂપિયા બાકી બોલે છે!
પહેલી ઓક્ટોબર 1999ના જૂનાપુરાણા ઠરાવનો સહારો લઈને સરકાર આજે પણ આ નીતિ ચલાવી રહી છે. સવાલ એ ઊભો થાય છે કે શું પોલીસનું કામ સામાન્ય નાગરિકોનું રક્ષણ કરવાનું છે કે પછી ખાનગી પ્રોજેક્ટ્સની ચોકીદારી કરવાનું? જ્યારે સામાન્ય માણસ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ધક્કા ખાય છે, ત્યારે પોલીસ ખાનગી ઓર્ડર પર તેનાત હોય છે.
સુરેન્દ્રનગરમાં પોલીસ બંદોબસ્તના 2.02 કરોડ બાકી! કચ્છમાં 57.50 લાખ અટવાયા
સરકારે જાહેર કરેલા આંકડા જ પોલ ખોલે છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ પણ 2.02 કરોડ રૂપિયાથી વધુની વસૂલાત બાકી છે. સરકારી તંત્ર સામાન્ય માણસનો વેરો બાકી હોય તો મિલકતો સીલ કરવા પહોંચી જાય છે, તો પછી આ ખાનગી કંપની સામે લાલ આંખ કેમ નથી કરાતી તે સવાલ ઉઠ્યો છે. કચ્છ જેવા સંવેદનશીલ સરહદી જિલ્લામાં પણ બંદોબસ્ત પેટે 57,50,596 રૂપિયા અટવાયા છે. આ આંકડા સાબિત કરે છે કે સરકાર અને પોલીસ સરકારી નાણાંની વસૂલાતમાં પણ બેદરકારી દાખવી રહી છે.




