VIDEO| અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં છઠ પૂજાની ભવ્ય ઉજવણી, નદી કિનારે હજારો લોકોએ ડૂબતા સૂર્યને અર્ઘ્ય આપ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhath Puja 2026 Celebration In Gujarat: અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં છઠ પૂજાની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના સાબરમતી નદીના કિનારે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતુ. આમ, જામનગર, વલસાડ સહિતના રાજ્યના અનેક વિસ્તારોમાં વસવાટ કરતા ઉત્તર ભારતીય અને ખાસ કરીને બિહારના વતનીઓ દ્વારા આજે(15 નવેમ્બર) લોકઆસ્થાના મહાપર્વ છઠ પૂજાની ભારે ધામધૂમ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં છઠ પૂજાની ભવ્ય ઉજવણી
અમદાવાદમાં છઠ પૂજાના પાવન પર્વની ભવ્ય ઉજવણી જોવા મળી. જ્યાં સુભાષ બ્રિજથી લઈને છેક ઇન્દિરા બ્રિજ સુધી સાબરમતી નદીના કિનારે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતુ. નદી કિનારે શ્રદ્ધાળુઓએ પરંપરાગત વિધિવિધાન દ્વારા છઠી મૈયા અને સૂર્યદેવની આરાધના કરી હતી અને સૂર્ય દેવને સાંજનું અર્ઘ્ય અર્પણ કર્યું હતુ. ઇન્દિરા બ્રિજ નીચે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા જગ્યા ઓછી પડી હતી, જેને કારણે લોકો ભદ્રેશ્વરના કિનારે પૂજન-અર્ચન કરતા જોવા મળ્યા હતા. મહાપર્વની ઉજવણી દરમિયાન સમગ્ર સાબરમતી કિનારો ભક્તિમય માહોલમાં રંગાઈ ગયો હતો અને છઠ પૂજાના ગીતોથી ગુંજી ઉઠ્યો હતો.

જામનગરમાં બાલાજી પાર્ક સહિતના વિસ્તારોમાં ભક્તિમય માહોલ છવાયો
જામનગર શહેરના વોર્ડ નંબર 6માં આવેલા બાલાજી પાર્ક ઉપરાંત સેનાનગર અને રવિ પાર્ક વિસ્તારમાં બિહારી સમાજની મોટી વસાહત આવેલી છે, જ્યાં રવિવારે(15 નવેમ્બર) વહેલી સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. પોતાના વતનથી દૂર રોજગારી અર્થે જામનગરમાં સ્થાયી થયેલા ઉત્તર ભારતીય પરિવારોમાં આ પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હિન્દુ ધર્મ અને આસ્થાના આ પર્વ નિમિત્તે વ્રતધારી બહેનો માટે બાલાજી પાર્ક, સેનાનગર અને રવિ પાર્ક સહિતના વિસ્તારોમાં ખાસ પાણીના કુંડ બનાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે વોર્ડ નંબર 6ના બાલાજી પાર્ક વિસ્તારમાં સ્થાનિક રાજકીય આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના લોકો સાથે જોડાઈને પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને વ્રતધારી મહિલાઓ પરિવારજનો સાથે પૂજાની સામગ્રી, ફળફળાદિ અને પ્રસાદ લઈને કુંડ ખાતે ઉમટી પડી હતી. પાણીમાં ઉભા રહીને વ્રતધારી બહેનોએ છઠ મૈયા અને ભગવાન સૂર્યદેવની વિધિવત પૂજા-અર્ચના કરી હતી તથા પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર વિસ્તાર છઠ મૈયાના પરંપરાગત લોકગીતોથી ગુંજી ઉઠ્યો હતો અને સમગ્ર સમાજમાં એકતા અને ઉત્સાહનો માહોલ છવાયો હતો.
વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં નદી કિનારે લોકોએ ડૂબતા સૂર્યની પૂજા અર્ચના કરી
દિવાળી અને નવા વર્ષની પૂર્ણાહુતિ બાદ રવિવારે ઉત્તરભારતીય સહિતના લોકોમાં શ્રઢાનું કેન્દ્ર બનેલા છઠ્ઠના શુભદિત નિમિત્તે સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં લોકોએ ભારે આસ્થા પૂર્વક પૂજા અર્ચના કરી પરમાત્મા પાસે અનોખી શક્તિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરાયો હતો. વાપી દમણગંગા નદી કિનારે છઠ્ઠ પૂજાના કાર્યક્રમને લઈ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો તૈનાત થઈ ગયો હતો. હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડી પૂજાવિધી કરી હતી.

સંઘ પ્રદેશમાં પરંપરાગત રીતે ઉજવણી
આ ઉપરાંત વલસાડ, ધરમપુર, કપરાડા, ઉમરગામ, પારડી તાલુકામાં આવેલી વિવિધ નદી કિનારે ઉત્તરભારતીય સમાજના લોકો એકત્રિત થઈ ધાર્મિક સૂત્રોચ્ચાર સાથે ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. લોકોએ શુભ દિને ઉપવાસ કરી ડૂબતા સૂર્યની શ્રધ્ધા પૂર્વક ગંગાજળ અભિષેક કરી જીવન જીવવા માટેની એક શક્તિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બીજી તરફ સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ઉત્તર ભારતીયોઓએ પરંપરાગત રીતે છઠ્ઠની પૂજા કરી જોરદાર ઉજવણી કરવામાં આવી હતી.





