Ahmedabad

ચંડોળા તળાવ માનવ તસ્કરી કેસ: અમદાવાદ સેશન્સ કોર્ટે બે બાંગ્લાદેશી આરોપીઓને કરી 20 અને 14 વર્ષની સખત કદની સજા

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચંડોળા-દાણીલીમડા વિસ્તારમાં ગેરકાયદે ઘૂસણખોરી અને સગીર બાળાઓની તસ્કરી કરીને દેહવ્યાપાર કરાવવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો. 2025માં બાતમી મળતા દરોડો પાડી 2 સગીરાને મુક્ત કરાવી હતી. મોહમ્મદ ફારૂક અને સાગર મિલન મંડળ નામના 2 બાંગ્લાદેશી આરોપીઓ ઝડપાયા હતા. કોર્ટે 70 પાનાનો ચુકાદો આપી, બંનેને 20 અને 14 વર્ષની સખત કેદ ફટકારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચંડોળા તળાવ માનવ તસ્કરી કેસ: અમદાવાદ સેશન્સ કોર્ટે બે બાંગ્લાદેશી આરોપીઓને કરી 20 અને 14 વર્ષની સખત કદની સજા

Chandola Human Trafficking Racket Bust: અમદાવાદના ચંડોળા-દાનીલીમડા વિસ્તારમાં ગેરકાયદે ઘૂસણખોરી અને સગીર બાળાઓની તસ્કરી કરીને દેહવ્યાપાર કરાવવાના સનસનાટીભર્યા નેટવર્કનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં કડક તપાસ અને સબળ પુરાવા રજૂ કરીને ક્રાઇમ બ્રાન્ચે એક જ વર્ષના ટૂંકા ગાળામાં આરોપીઓને દોષિત ઠેરવી કડક સજા અપાવવામાં મોટી સફળતા મેળવી છે. નામદાર સેશન્સ અને પોક્સો (POCSO) કોર્ટે 70 પાનાનો ચુકાદો આપીને બે મુખ્ય આરોપીઓને જેલહવાલે કર્યા છે.

શું હતી સમગ્ર ઘટના?

વર્ષ 2025 માં ક્રાઇમ બ્રાન્ચના પી.આઈને ચોક્કસ બાતમી મળી હતી કે ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશથી સગીર વયની છોકરીઓની તસ્કરી કરીને ભારતમાં લાવી તેમની પાસે પરાણે દેહવ્યાપાર કરાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને 15 અને 16 વર્ષની બે સગીર બાળાઓને આ નરકમાંથી મુક્ત કરાવી હતી. 'ઓપરેશન ચંડોળા' હેઠળ દાખલ થયેલો આ સૌથી પહેલો ગુનો હતો.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી અને ધરપકડ

પોલીસે આ કેસમાં મોહમ્મદ ફારૂક અને સાગર મિલન મંડળ નામના બે બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, મોહમ્મદ ફારૂક બાંગ્લાદેશથી સગીર છોકરીઓની ગેરકાયદે સરહદ પાર કરાવી તસ્કરી કરીને અમદાવાદ લાવતો હતો. જ્યારે સાગર મિલન મંડળ આ છોકરીઓને પોતાના ઘરે રાખીને તેમની પાસે પરાણે દેહવ્યાપાર કરાવતો હતો. તપાસ દરમિયાન બંને આરોપીઓ ગેરકાયદે રીતે ભારતમાં રહેતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેમની સામે બાળ તસ્કરી, બળાત્કાર અને પોક્સો એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નેટવર્કનો પર્દાફાશ અને 6 વધુ ગુના નોંધાયા

આ કેસમાં વધુ તપાસના આધારે ગેરકાયદે ઘૂસણખોરી અને દેહવ્યાપાર ચલાવતા મુખ્ય એજન્ટોની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રથમ કેસની કડીઓ મેળવીને ક્રાઇમ બ્રાન્ચે આગળ જતાં વધુ 6 ગુનાઓ નોંધી આ સમગ્ર આંતરરાષ્ટ્રીય તસ્કરી નેટવર્કને મૂળમાંથી તોડી પાડ્યું હતું.

કોર્ટનો 70 પાનાનો ઐતિહાસિક ચુકાદો

ક્રાઇમ બ્રાન્ચના સચોટ ફોલોઅપ અને મજબૂત પુરાવાઓને ધ્યાને રાખી સેશન્સ અને પોક્સો કોર્ટે 70 પાનાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે બંને આરોપીઓને કસૂરવાર ઠેરવીને એક આરોપીને 20 વર્ષની સખત કેદ અને બીજા આરોપીને 14 વર્ષની સખત કેદ તથા ભારે દંડની સજા ફટકારી છે. માત્ર એક વર્ષમાં મળેલા આ ચુકાદાથી માનવ તસ્કરી અને ગેરકાયદે ઘૂસણખોરી કરતા અસામાજિક તત્વોમાં ભારે ફાટકો પડ્યો છે.