Ahmedabad

'અહીં દુકાન કેમ ખોલી છે? બંધ કરી દે', અમદાવાદના ચાંદખેડામાં પાન પાર્લરના સંચાલક પર હુમલો, ગલ્લામાં કરી તોડફોડ

By GS Team
22 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ચાંદખેડામાં યોગીનગર ચાર રસ્તા પાસે ડી-કેબિન રોડ પર નવા ખુલેલા પાન પાર્લરના 24 વર્ષીય સંચાલક પર ગુરુવારે રાત્રે રીક્ષા ચાલકે હુમલો કર્યો હતો. 'અહીં દુકાન કેમ ખોલી છે?' કહી ગાળો ભાંડી, ત્યારબાદ સાગરીતો સાથે લાકડીઓ વડે હુમલો કરી તોડફોડ મચાવી હતી. સાબરમતી પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'અહીં દુકાન કેમ ખોલી છે? બંધ કરી દે', અમદાવાદના ચાંદખેડામાં પાન પાર્લરના સંચાલક પર હુમલો, ગલ્લામાં કરી તોડફોડ

Ahmedabad Chandkheda Pan Parlour Attack: અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં ગુરુવારે(20 ઓગસ્ટ)ની મોડી રાત્રે દાદાગીરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં યોગીનગર ચાર રસ્તા નજીક ડી-કેબિન રોડ પર સપ્તાહ પહેલા જ શરૂ થયેલા પાન પાર્લરના 24 વર્ષીય સંચાલક પર રીક્ષા ચાલકે 'અહીં દુકાન કેમ ખોલી છે?' તેમ કહી ગાળો ભાંડી હતી. ત્યારબાદ પોતાના સાગરીતોને બોલાવી લાકડીઓ વડે હુમલો કરી તોડફોડ મચાવતાં વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. આ અંગે સાબરમતી પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

'દુકાન બંધ કર' કહી ધક્કો મારી નીચે પાડી દીધો

સાબરમતી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, ચાંદખેડા ડી-કેબિન રોડ પર 'જય માતાજી પાન પાર્લર' ચલાવતા ધાર્મિક સિંહ ચૌહાણ ગુરુવારે રાત્રે આશરે 11.30 વાગ્યાના સુમારે પોતાના પાર્લર પર હાજર હતા. તે સમયે સુરમો રાવત નામનો ઓટો રીક્ષા ચાલક ત્યાં આવ્યો હતો અને ગાડી પાર્ક કરી ધાર્મિક સિંહ પાસે આવી 'અહીં પાર્લર કેમ ખોલ્યું છે, બંધ કરી દે' તેમ કહી અચાનક ગાળો આપવા લાગ્યો હતો. ધાર્મિક સિંહે ગાળો બોલવાની ના પાડતાં જ ઉશ્કેરાયેલા સુરમો રાવતે તેને ધક્કો મારી નીચે પાડી દઈ માર માર્યો હતો. ધાર્મિકના મોટા ભાઈએ વચ્ચે પડીને છોડાવતાં આરોપીએ થોડે દૂર જઈને ફોન કર્યો હતો.

બે કારમાં આવેલા સાગરીતોએ લાકડીઓ વડે તોડફોડ કરી

બનાવમાં થોડી જ વારમાં સ્થળ પર બે વાહનો આવી પહોંચ્યા હતા. તેમાંથી ઉતરેલા શખસોએ કારમાંથી લાકડીઓ કાઢીને ધાર્મિક સિંહ અને તેના ભાઈને ગાળો આપવાનું શરૂ કર્યું હતું અને પાર્લર બહાર પડેલી ખુરશીઓ તથા અન્ય સામાન પર લાકડીઓ મારી તોડફોડ કરી હતી.

મામલો વધુ બિચકે તે પહેલાં ધાર્મિક સિંહે દુકાનનું શટર પાડી દીધું હતું અને તેના ભાઈએ તુરંત જ 112 પર પોલીસને જાણ કરી હતી. પોલીસની ગાડી આવતી જોઈને હુમલાખોરો વાહનો લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

બનાવ અંગે ધાર્મિક સિંહે સાબરમતી પોલીસ મથકે સુરમો રાવત અને કારમાં આવેલા બે અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવવાની કવાયત હાથ ધરી છે. પાન પાર્લર શરૂ કરવા બાબતે જૂની રંજિશ કે હપ્તાખોરીનો મામલો છે કે કેમ તે દિશામાં પણ સાબરમતી પોલીસે તપાસ તેજ કરી છે.