Ahmedabad

અમદાવાદ: રથયાત્રાના તમામ 18 હાથીઓ પર લાગશે CCTV અને ડેસિબલ મીટર, ગત વર્ષની ઘટનામાંથી શીખ લેવાઈ

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં 16 જુલાઈએ નીકળનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રામાં સુરક્ષા વધારાઈ છે. પ્રથમવાર 18 હાથીઓ પર 360 ડિગ્રી CCTV કેમેરા અને ડેસિબલ મીટર લગાવાશે. ગત વર્ષે ખાડિયામાં DJના અવાજથી હાથી બેકાબૂ બનતા આ નિર્ણય લેવાયો. પોલીસ કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ કરાશે, જેથી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: રથયાત્રાના તમામ 18 હાથીઓ પર લાગશે CCTV અને ડેસિબલ મીટર, ગત વર્ષની ઘટનામાંથી શીખ લેવાઈ

Ahmedabad Jagannath Rath Yatra: જગન્નાથજીની 149મી રથયાત્રામાં સામેલ હાથીઓ પર પ્રથમવાર સીસીટીવી કેમેરા અને નજીકના અવાજની તીવ્રતા માપવા માટે ડેસિબલ મીટર લગાવવામાં આવશે. ગત વર્ષે ખાડિયામાંથી જ્યારે રથયાત્રા પસાર થઈ રહી હતી, ત્યારે ડી.જે.ના મોટા અવાજના કારણે હાથી ડરીને બેકાબૂ બન્યો હતો. આથી, તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

18 હાથીઓ પર તીવ્રતા માપવા માટે ડેસિબલ મીટર

આગામી 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં અને કોઈ પણ વિઘ્ન વિના પસાર થાય તે માટે પોલીસ દ્વારા વિવિધ આયોજનો કરાયા છે. રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમવાર તમામ 18 હાથીઓ પર 360 ડિગ્રી સીસીટીવી કેમેરા અને અવાજની તીવ્રતા માપવા માટે ડેસિબલ મીટર લગાવવામાં આવશે. ગત વર્ષે રથયાત્રા જ્યારે ખાડિયા પહોંચી, ત્યારે એક હાથીની નજીક ઊંચા અવાજે વાગી રહેલા ડી.જે. સાઉન્ડના કારણે હાથી ડરીને બેકાબૂ બન્યો હતો, જેને લીધે અન્ય હાથીઓ પણ ભાગવા લાગ્યા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રતિબંધો અને કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ

આ વર્ષે રથયાત્રામાં ઊંચા અવાજે ડી.જે. સાઉન્ડ ન વગાડવા માટે કડક આદેશો આપવામાં આવ્યા છે. આ સાથે જ હાથી પસાર થાય ત્યારે તેમની આસપાસનો અવાજ માપવા માટે ડેસિબલ મીટર લગાવવાનો નિર્ણય કરાયો છે. જ્યારે 360 ડિગ્રી કેમેરા પોલીસ કંટ્રોલ રૂમ તેમજ વિશેષ રૂપે તૈયાર કરાયેલા કંટ્રોલ રૂમ સાથે સીધા જોડાયેલા રહેશે, જેથી સતત નજર રાખી શકાય. શુક્રવારે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ સ્ટાફ દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટની સમીક્ષા પણ કરવામાં આવી હતી.