અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કરોડોના બંગલા પાણીમાં, 700 કરોડથી વધુના ડ્રેનેજ સ્ટ્રોમ વોટરના દાવા ધોવાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Rain News: અમદાવાદ શહેરમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને ગટર વ્યવસ્થાના નામે વર્ષોથી 700 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હોવાના દાવાઓ વચ્ચે બે દિવસના વરસાદે ફરી એકવાર તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. શહેરના પોશ વિસ્તાર તરીકે ઓળખાતા બોપલમાં આવેલા કરોડોની કિંમત ધરાવતા પૂજન બંગ્લોઝ સહિત આસપાસના વિસ્તારોમાં ઘૂંટણથી ઉપર સુધી વરસાદી પાણી ભરાઈ જતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, વાહનો પાણીમાં અટવાઈ ગયા છે અને સ્થાનિકોમાં ભારે આક્રોશ સાથે ત્રાહીમામ મચી ગયો છે.
પોશ વિસ્તાર પણ પાણીમાં ગરકાવ
જે વિસ્તારમાં આધુનિક સુવિધાઓ અને ઉચ્ચસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના દાવા કરવામાં આવે છે, ત્યાં થોડા કલાકના વરસાદમાં જ રહેણાંક વિસ્તારો અને મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતાં મહાનગરપાલિકાના આયોજન અને ડ્રેનેજ વ્યવસ્થાની વાસ્તવિકતા સામે આવી ગઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે વરસાદ દરમિયાન આવી જ સ્થિતિ સર્જાય છે, છતાં કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.
કરોડોપતિ ઉદ્યોગપતિઓ પણ બંગલા છોડવા મજબૂર
આ જળબંબાકારની સ્થિતિમાંથી શહેરના અતિ ધનિક અને અગ્રણી ઉદ્યોગપતિઓ પણ બચી શક્યા નથી. બોપલ અને આબલી જેવા હાઈપ્રોફાઈલ VIP વિસ્તારોમાં રહેતા કરોડોપતિ ઉદ્યોગપતિઓના આલીશાન બંગલાઓમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. ઘરના ગ્રાઉન્ડ ફ્લોર, બેઝમેન્ટ અને ગાર્ડનમાં પાણી ફરી વળતા ભારે નુકસાન પહોંચ્યું છે. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થિતિ એટલી કફોડી બની હતી કે આ ઉદ્યોગપતિઓને પોતાના કરોડોના બંગલા છોડીને અન્ય સુરક્ષિત સ્થળે કે હોટલોમાં રહેવા જવા મજબૂર બનવું પડ્યું છે.
700 કરોડ ખર્ચાયા, છતાં પાણીનો નિકાલ કેમ નહીં?
સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ સુવિધા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં વરસાદી પાણીનો સમયસર નિકાલ થતો નથી. પરિણામે રસ્તાઓ, બંગ્લોઝ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાય છે, રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને કરોડોની સંપત્તિને નુકસાન પહોંચવાનો ભય ઉભો થાય છે.
સ્થાનિકોમાં આક્રોશ, જવાબદારી કોણ લેશે?
સ્થાનિક રહેવાસીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે વિકાસ અને ડ્રેનેજ સુધારણા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, ત્યારે દર ચોમાસે આવી સ્થિતિ કેમ સર્જાય છે? હવે લોકો માત્ર આશ્વાસન નહીં પરંતુ કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા અને સંબંધિત તંત્રએ ખર્ચાયેલા નાણાંની અસરકારકતા અંગે સ્પષ્ટ જવાબ આપીને વરસાદી પાણી ભરાવાની આ કાયમી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ.









