બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગોકળગતિએ... 1 મહિનામાં ફક્ત 1% કામગીરી, સરકારી ચોપડે જાહેર કરાયેલી યાદીમાં પોલ ખુલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bullet Train Project: દેશના મહાત્વાકાંક્ષી મુંબઈ- અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની કામગીરીને લઈને સરકારના સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા તાજેતરના રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. એક મહિના પહેલાં જૂન સુધીની કામગીરી 61 ટકા હોવાનું સરકારી રિપોર્ટમાં દર્શાવાયું હતું. હવે એક મહિના બાદ જાહેર થયેલા નવા રિપોર્ટમાં કામગીરી માત્ર એક ટકા વધીને 62 ટકા થઈ છે. એટલેકે 508 કિમિના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક મહિનામાં માત્ર એક ટકાની ભૌતિક પ્રગતિ નોંધાઈ છે. સરકારી ચોપડે જ નોંધાયેલા આ આંકડા કામગીરીની ગતિ સામે પ્રશ્નો ઊભા કર્યા છે.
2026 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક, કામગીરી સામે સવાલો
મુંબઈ- અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટને દેશની સૌથી મહત્વાકાંક્ષી રેલ પરિયોજનાઓ પૈકીનો એક ગણવામાં આવે છે. પરંતુ સરકારના સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા પાયમાનામાં જાહેર કરાયેલા સરકારી આંકડાએ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટની કામગીરીની ગતિ અંગે સવાલો ઊભા કર્યા છે.
એક મહિના પહેલાં જૂન સુધીના રિપોર્ટમાં પ્રોજેક્ટની ભૌતિક પ્રગતિ 61 ટકા દર્શાવવામાં આવી હતી. હવે નવા રિપોર્ટમાં તે માત્ર 62 ટકા થઈ છે. એટલે કે એક મહિનામાં માત્ર એક ટકાનો વધારો થયો છે. 508 કિ.મી.ના આ પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધીમાં 60,966.90 કરોડ રૂપિયાનો ખર્ચ નોંધાયો છે. મૂળ 1.08 લાખ કરોડ રૂપિયાના ખર્ચના આ પ્રોજેક્ટને 31 ડિસેમ્બર,2026 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.

પ્રોજેક્ટ હેઠળ બાકી રહેલી 38 ટકા કામગીરી માટે લગભગ ત્રણ વર્ષનો સમય છે. એક મહિનામાં એક ટકાની ગતિ જોતા બાકી કામગીરી સમયસર પૂર્ણ થશે કે નહીં તે અંગેના સવાલો ઊભા થયા છે. ખાસ કરીને પાયમાનાએ જાહેર કરેલા આંકડા જ રેલવેની કામગીરીની ગતિની હકીકત સામે મૂકી છે.
7 પ્રોજેક્ટમાં મંજૂર ખર્ચ વટાવી દીધો, છતાં કામગીરી હજૂ અધૂરી
સરકારી આંકડા રેલવેના કેટલાક પ્રોજેક્ટમાં ખર્ચ અને કામગીરી વચ્ચેનો તફાવત છતો થયો છે. દાહોદ- ઈન્દોર રેલ લાઈન માટે મૂળ મંજૂર ખર્ચ 456 કરોડ રૂપિયા હતો. પરંતુ અત્યાર સુધીમાં 4,509.30 કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યાં છે અને કામ માત્ર 57 ટકા થયું છે. મિયાગામ- કરજણ-ડભોઈ-સમાલાયા પ્રોજેક્ટમાં 484 કરોડ રૂપિયા સામે 816.25 કરોડ રૂપિયા ખર્ચાયાં છતાં કામગીરી 34 ટકા છે.
નવી દિલ્હી- મુંબઈ રૂટ પર ઝડપ વધારવાના કામમાં 6,906 કરોડ રૂપિયાના મંજૂર ખર્ચ સામે 9,480.86 કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે અને કામ 66 ટકા જ થયું છે. રાજકોટ- કાનાલુસમાં પણ 1,091 કરોડ રૂપિયા સામે 1,107.75 કરોડ રૂપિયા ખર્ચાયા છે. મંજૂર રકમ કરતાં ખર્ચ આગળ નીકળી ગયો પરંતુ કામ હજુ પાછળ છે. આ આંકડા જ વ્યવસ્થાની કાર્યક્ષમતા પર સવાલો ઊભા કરે છે.




