Ahmedabad

અમદાવાદ: ડ્રેનેજનું કામ થયું છતાં સ્ટર્લિંગ સિટીના રસ્તાઓ પાણીમાં ગરકાવ, સેક્ટર-A અને Bમાં સ્થિતિ ગંભીર

By GS Team
14 Sep 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના બોપલ સ્થિત સ્ટર્લિંગ સિટીમાં પોણા કલાકના વરસાદમાં સેક્ટર-A અને Bના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. અગાઉ ડ્રેનેજનું કામ થયું હોવા છતાં ઘરોમાં પાણી ઘૂસવાની ભીતિ સર્જાઈ. સ્થાનિકોના મતે, કામગીરી દરમિયાન વરસાદી પાણીના નિકાલની ગટરો બંધ થઈ હતી. થલતેજ અને બોડકદેવ વૉર્ડની હદ વચ્ચે જવાબદારીનો પ્રશ્ન ઊભો થતાં, રહીશો કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ડ્રેનેજનું કામ થયું છતાં સ્ટર્લિંગ સિટીના રસ્તાઓ પાણીમાં ગરકાવ, સેક્ટર-A અને Bમાં સ્થિતિ ગંભીર

Ahmedabad Bopal Sterling City Drainage Work Issue: અમદાવાદના બોપલના સ્ટર્લિંગ સિટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ફરી ગંભીર બની છે. પોણા કલાક જેટલા વરસાદમાં સ્ટર્લિંગ સિટીના સેક્ટર-A અને Bના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અનેક જગ્યાએ પાણી મકાનોના ઓટલા સુધી પહોંચી જતાં રહીશોમાં ઘરોમાં પાણી ઘૂસી જવાની ભીતિ ઊભી થઈ હતી. ખાસ વાત એ છે કે અગાઉના વરસાદમાં પણ આ જ વિસ્તારમાં પાણી ઘૂસ્યા બાદ ડ્રેનેજનું કામ કરવામાં આવ્યું હતું, છતાં વરસાદ પડતાં ફરી એ જ સ્થિતિ સર્જાતાં કામગીરીની અસરકારકતા સામે સવાલો ઊભા થયા છે.

Gujarat Samachar - 2026-09-14T175035.222.jpg

ડ્રેનેજનું કામ થયું છતાં સ્ટર્લિંગ સિટીના રસ્તાઓ પાણીમાં ગરકાવ

અગાઉ સ્ટર્લિંગ સિટી સેક્ટર-A અને Bમાં વરસાદ દરમિયાન પાણી ભરાવાની સાથે કેટલાક ઘરોમાં પણ પાણી પ્રવેશ્યું હતું. ત્યારબાદ થલતેજ વૉર્ડમાં ડ્રેનેજનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન બોડકદેવ વૉર્ડના સ્ટર્લિંગ સિટી સેક્ટર-Aમાં ખોદકામ કરી ગટરની પાઈપો નાખવામાં આવી હતી અને તેનું જોડાણ મુખ્ય ગટર લાઇન સાથે કરવામાં આવ્યું હતું. પરંતુ રહીશોના જણાવ્યા મુજબ, આ કામગીરી દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટેની કેટલીક ગટરો બંધ થઈ ગઈ હતી. કામ દરમિયાન કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને આ અંગે વારંવાર જાણ કરવામાં આવી હતી કે વરસાદી પાણીની ગટર બંધ થશે તો રસ્તા પર ભરાયેલું પાણી બહાર કેવી રીતે જશે. તેમ છતાં યોગ્ય પગલાં લેવામાં આવ્યા ન હોવાનો રહીશોનો આક્ષેપ છે.

Gujarat Samachar - 2026-09-14T175122.640.jpg

અગાઉની ફરિયાદ બાદ પણ સમસ્યા યથાવત્

રહીશોનું કહેવું છે કે, વરસાદી પાણીના નિકાલનો માર્ગ અસરગ્રસ્ત થતાં પાણી રસ્તા પર વધુ પ્રમાણમાં ભરાઈ રહ્યું છે. ગઈકાલે પણ સામાન્ય વરસાદ દરમિયાન પાણી ભરાયા બાદ ગટરનું ઢાંકણું ખોલવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જોકે, માત્ર થોડું ઢાંકણું ઊંચું કરીને કામગીરી કરવામાં આવી હોવાનો રહીશોનો આક્ષેપ છે. હવે ફરી વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાતાં સ્થાનિકોમાં એવો સવાલ ઊભો થયો છે કે, ડ્રેનેજની કામગીરી બાદ પણ પાણીનો નિકાલ કેમ થઈ રહ્યો નથી અને વરસાદી પાણી ક્યાં સુધી ભરાઈ રહેશે?

Ahkjlaj.jpg

બે વૉર્ડની હદ વચ્ચે જવાબદારીનો સવાલ

સ્ટર્લિંગ સિટી સેક્ટર-A અને Bની વચ્ચેનો રોડ થલતેજ અને બોડકદેવ વૉર્ડની હદને અલગ કરે છે. જેના કારણે પાણી ભરાવાની સ્થિતિમાં કયા વૉર્ડ દ્વારા કામગીરી કરવી તે મુદ્દે પણ સ્થાનિકોમાં સવાલો ઊભા થાય છે. રહીશોનું કહેવું છે કે, વૉર્ડની હદનો પ્રશ્ન ઊભો થાય ત્યારે જવાબદારી એકબીજા પર ઢોળાય તેના બદલે બંને વૉર્ડના જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા કોર્પોરેટરોએ સ્થળ પર પહોંચી સમસ્યાનું નિરીક્ષણ કરવું જોઈએ.

આ પણ વાંચો: અમદાવાદમાં મેઘરાજાની ધડબટાડી, વટવા-લાંભામાં 8 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદથી જળબંબાકાર

કાયમી ઉકેલની રહીશોની માગ

શ્યામ બંગલો તથા સ્ટર્લિંગ સિટી સેક્ટર-A અને B વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા લાંબા સમયથી હોવાનો રહીશોનો દાવો છે. અગાઉની ઘટનાઓ બાદ ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હોવા છતાં ફરી પાણી ભરાતાં હવે કાયમી ઉકેલની માગ ઉઠી છે. રહીશોનું કહેવું છે કે, બંને વૉર્ડના કોર્પોરેટરો અને તંત્રના અધિકારીઓ સ્થળની મુલાકાત લઈ વાસ્તવિક સમસ્યા સમજે અને પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરે. માત્ર વરસાદ સમયે ઢાંકણું ખોલવા કે તાત્કાલિક કામગીરી કરવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે, પરંતુ પાણી કયા માર્ગે અને કેટલી ઝડપથી બહાર નીકળે તેની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.