અમદાવાદમાં વિધાર્થિની સાથે વિકૃતિની હદ, બોયફ્રેન્ડે સાથળ પર કાતરથી K કોતરાવ્યો, ન્યૂડ વીડિયો બનાવી બ્લેકમેઇલ કરતાં ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતી અને ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતીને તેના પ્રેમીએ જ બ્લેકમેઇલ કરી રૂપિયા પડાવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપી પ્રેમીએ યુવતીનો ઇન્સ્ટાગ્રામ પાસવર્ડ મેળવી લીધા બાદ ગુપ્ત વીડિયો કોલ રિકોર્ડ કરી લીધો હતો અને તેને વાઈરલ કરવાની ધમકી આપી માસિક 10,000 રૂપિયાની ખંડણી માંગી હતી. આટલું જ નહીં, આરોપીએ યુવતી પાસે તેની સાથળ પર કાતર વડે પોતાના નામનો પ્રથમ અક્ષર 'K' કોતરાવ્યો હતો. આ મામલે બોપલ પોલીસે સેટેલાઇટ ખાતે રહેતા આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પાસવર્ડ મેળવી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ગેરઉપયોગ કર્યો
પોલીસ ફરિયાદ અનુસાર, સેટેલાઇટ વિસ્તારમાં રહેતા કર્તવ્ય મોનિક મણિયાર નામના યુવકે ગત 2 ઓગસ્ટના રોજ મોડી રાત્રે 2 વાગ્યે યુવતીને વોટ્સએપ વીડિયો કોલ કર્યો હતો. તેણે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચાલતું ન હોવાનું બહાનું બતાવી યુવતી પાસે તેનો ઇન્સ્ટાગ્રામ આઇડી અને પાસવર્ડ મેળવી લીધો હતો. ત્યારબાદ યુવતીના એકાઉન્ટમાં શંકાસ્પદ લોગઇન પ્રવૃત્તિ થતાં યુવતીએ પૂછપરછ કરી હતી. આરોપીએ તેને ધમકાવીને પોતાની વાત માનવા મજબૂર કરી હતી.
સાથળ પર કાતરથી 'K' લખાવ્યો અને ન્યૂડ વીડિયો બનાવ્યો
આરોપી કર્તવ્યએ યુવતી પર દબાણ કરીને કાતર વડે સાથળ પર 'K' કોતરવા મજબૂર કરી હતી, જેથી યુવતીને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ આરોપીએ વોટ્સએપ વીડિયો કોલ પર યુવતીના કપડાં ઉતરાવીને તેની જાણ બહાર ન્યૂડ વીડિયો રિકોર્ડ કરી લીધો હતો. વીડિયો રિકોર્ડ કર્યા બાદ આરોપીએ ધમકી આપી હતી કે જો તે દર મહિને 10,000 રૂપિયા નહીં આપે તો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દેશે.
ગૂગલ પે મારફતે 4 હજાર ટ્રાન્સફર કરાવ્યા
અંગત વીડિયો વાઈરલ થઈ જવાની ભીતિ વચ્ચે યુવતીએ 2 ઓગસ્ટના રોજ ગુગલ પે મારફતે 4,000 રૂપિયા આરોપીને ટ્રાન્સફર કર્યા હતા. છતાં આરોપીએ બાકીના 6,000 રૂપિયા અને દર મહિને હપ્તો બાંધી આપવા સતત ધમકીઓ આપી હતી. આટલેથી ન અટકતાં આરોપીએ યુવતીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી તેની માતાનો ફોટો બ્લર કરીને અશ્લીલ અને અપમાનજનક લખાણ સાથેની સ્ટોરીઓ પણ પોસ્ટ કરી પરિવારને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પરિવાર સાથે બોપલ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી
આ મામલે યુવતીના કોલેજના મિત્રો અને પ્રોફેસરને જાણ થતાં તેમણે યુવતીને મદદ કરી હતી. બાદમાં યુવતીના માતા-પિતાએ આરોપી કર્તવ્યના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. પરંતુ કોઈ યોગ્ય ઉકેલ ન આવતાં આખરે બોપલ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બોપલ પોલીસે આ સાયબર ક્રાઇમ, બ્લેકમેઇલિંગ, ઈજા પહોંચાડવી અને અશ્લીલતા ફેલાવવા અંગે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે.









