અમદાવાદના કાલુપુરમાં વેપારીને આંધળો ભરોસો ભારે પડ્યો, સ્ટાફના બે ભાઈ 45 લાખ સાથે રફુચક્કર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Theft Case: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સામે આવેલી ટ્રાન્સપોર્ટની પેઢીમાંથી 45.29 લાખ રૂપિયાની રોકડ રકમ ચોરી કરી બે સગા ભાઈઓ ફરાર થઈ ગયાનો બનાવ સામે આવ્યો છે. વેપારીએ પોતાના વિશ્વાસુ કર્મચારીઓને ઓફિસની જવાબદારી સોંપી હતી, જેનો ગેરફાયદો ઉઠાવી બંને શખસોએ ચોરીને અંજામ આપ્યો હોવાનો આક્ષેપ છે. આ મામલે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.
40 લાખ ડ્રોવરમાં હતા અને 5 લાખ ઉઘરાણીના મંગાવ્યા હતા
મળતી માહિતી મુજબ, કાલુપુર રેલવે સ્ટેશન સામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા મઘારામ શર્મા ગત સાતમી સપ્ટેમ્બરના રોજ કામ અર્થે સી.જી. રોડ ગયા હતા. તે સમયે તેણે પેઢીમાં કામ કરતા અને વિશ્વાસુ ગણાતા બે સગા ભાઈઓ 23 વર્ષીય યશવીર અને દલવીરને ઓફિસ સોંપી હતી. વેપારીએ ટેબલના ખાનાની ચાવી યશવીરને આપી હતી, જેમાં ધંધાના 40,29,910 રૂપિયા રોકડા રાખેલા હતા. આ ઉપરાંત, તેણે દલવીરને પાંચકૂવાના એક વેપારી પાસેથી અન્ય 5,00,000 રૂપિયા મેળવીને તે જ ડ્રોઅરમાં મૂકવા કહ્યું હતું.
ઓફિસને તાળું મારી બંને ભાઈઓના ફોન સ્વીચ ઓફ થઈ ગયા
સાંજના સમયે વેપારી પરત આવ્યા ત્યારે ઓફિસને તાળું મારેલું હતું. યશવીરનો મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો, જ્યારે દલવીરે ‘પાંચ મિનિટમાં આવું છું’ તેમ કહી બાદમાં પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો. શંકા જતાં વેપારીએ અન્ય સ્ટાફની મદદથી તાળું તોડી તપાસ કરી તો ટેબલના ખાનામાંથી 40.29 લાખ રૂપિયા ગાયબ હતા. પાંચકૂવાના વેપારીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે દલવીર 5 લાખ રૂપિયા મેળવી ચૂક્યો હતો. ઓફિસ અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતાં બંને ભાઈઓ રોકડ રકમ ભરેલા થેલા લઈને જતાં નજરે પડ્યા હતા. આમ, બંને આરોપીઓએ મળીને કુલ 45,29,910 રૂપિયાની ચોરી કરી હોવાનો આક્ષેપ છે. કાલુપુર પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




