દિવાળી વેકેશનમાં રેલવે ટિકિટોમાં મોટો ખેલ, ડમી નામથી સીટો બુક થતી હોવાની દિલ્હી સુધી ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Railway Ticket Scam: દિવાળી વેકેશન દરમિયાન પરિવાર સાથે પ્રવાસનું આયોજન કરી રહેલા લોકો માટે કન્ફર્મ રેલવે ટિકિટ મેળવવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. તહેવારોની સિઝનમાં મુસાફરોની લાચારીનો ગેરલાભ ઉઠાવીને બુકીંગ એજન્ટો દ્વારા ટિકિટ બુકિંગમાં મોટા પાયે ગેરરીતિ ચાલી રહી હોવાની ગંભીર ફરિયાદ દિલ્હી સુધી પહોંચી છે. જેમાં ગુજરાતથી ઉત્તર ભારત, જમ્મુ-કટરા અને દક્ષિણ ભારત તરફ જતી મોટાભાગની ટ્રેનોમાં બોગસ મુસાફરોના નામે ટિકિટો અગાઉથી બુક કરી દેવાતી હોવાના આક્ષેપો થયા છે.
સવારે 8 વાગ્યે પોર્ટલ ખૂલતાં જ સર્વર ડાઉન, 10 મિનિટમાં ખેલ ખતમ
એડવાન્સ રિઝર્વેશન પીરિયડ (ARP) અંતર્ગત સવારે 8 વાગ્યે ઓનલાઇન બુકિંગ વિન્ડો ખૂલતાં જ IRCTC પોર્ટલ પર ભારે લોડ અને ટેકનિકલ સમસ્યાઓ શરૂ થઈ જાય છે.
•સવારે 8:01 વાગ્યે: બુકિંગ શરૂ થાય તે પહેલાં તમામ ટ્રેનોમાં સીટો ઉપલબ્ધ હોય છે.
•સવારે 8:05 વાગ્યે: બુકિંગ કરવાનો પ્રયાસ કરતાં 'હાઈ લોડ' જેવા એરર મેસેજ સ્ક્રીન પર ફ્લેશ થવા લાગે છે.
•સવારે 8:06 વાગ્યે: પ્રક્રિયા આગળ વધારતાં 'અનેબલ ટુ પ્રોસેસ' જેવી નોટિફિકેશન આવતા યુઝર્સ અટકી જાય છે.
•8:10 વાગ્યા પછી: માત્ર 10 મિનિટના ગાળામાં તમામ કન્ફર્મ સીટો સમાપ્ત થઈને 'રિગ્રેટ' અથવા 'વેઇટિંગ' દર્શાવવા લાગે છે, અને જેવી સીટો ભરાઈ જાય કે તરત જ એપ કે પોર્ટલ સામાન્ય રીતે ચાલવા લાગે છે.
ટૂર ઓપરેટરો પાસે 'કન્ફર્મ ટિકિટ'ની ગેરંટી ક્યાંથી?
સામાન્ય મુસાફરને ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળતી નથી, જ્યારે બીજી તરફ કેટલાક ટૂર ઓપરેટરો અને એજન્ટો દિવાળી ટૂર પેકેજમાં 'ગેરંટેડ કન્ફર્મ રેલવે ટિકિટ' ઓફર કરી રહ્યા છે. રેલવે તરફથી કોઈપણ ટૂર ઓપરેટરને અલગ ક્વોટા કે ખાસ કોચ ફાળવવામાં આવતો નથી, તેમ છતાં તેમની પાસે કન્ફર્મ ટિકિટ ક્યાંથી આવે છે તે મોટો તપાસનો વિષય છે.
આક્ષેપ મુજબ, એજન્ટો અગાઉથી ડમી મુસાફરોના નામે સીટો બુક કરાવી લે છે. 5 નવેમ્બરથી 25 નવેમ્બરના પીક ગાળામાં મુસાફરો પાસે તગડી રકમ વસૂલીને છેલ્લી ઘડીએ કહેવામાં આવે છે કે તેમના પોતાના નામે ટિકિટ કન્ફર્મ નથી, પરંતુ અન્ય વ્યક્તિના નામની કન્ફર્મ ટિકિટ પર મુસાફરી કરવી પડશે. આમ, એકના નામે બુકિંગ અને મુસાફરી બીજી વ્યક્તિ કરે તેવું સુવ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું છે, જેમાં કેટલાક રેલવે કર્મચારીઓની મિલીભગતની પણ શંકા છે.
આ રૂટ્સ અને ટ્રેનો શંકાના દાયરામાં
અમદાવાદ, સાબરમતી, ગાંધીનગર સહિતના સ્ટેશનો પરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનોની ટિકિટો રાજસ્થાન કે અન્ય રાજ્યોના PRS કાઉન્ટર પરથી તથા એજન્ટો દ્વારા બુક કરાવાઈ હોવાની વિગતો સામે આવી છે. ફરિયાદમાં સાબરમતી–જમ્મુ તાવી, હાપા–કટરા, જામનગર–કટરા, સર્વોદય એક્સપ્રેસ, જમ્મુ તાવી વિવેક એક્સપ્રેસ, ગાંધીનગર કેપિટલ–દૌલતપુર ચોક, આશ્રમ એક્સપ્રેસ, યોગા એક્સપ્રેસ, સાબરમતી–નવી દિલ્હી રાજધાની અને સાબરમતી–બનારસ સુપરફાસ્ટ સહિતની બિહાર અને બંગાળ તરફ જતી ટ્રેનોના બુકિંગ ડેટાની તપાસની માગણી કરાઈ છે.
શંકાસ્પદ ગતિવિધિઓની તપાસ જરૂરી
ઓનલાઇન ટિકિટ બુકિંગ દરમિયાન સવારે વિન્ડો ખૂલતાં જ તેમજ તત્કાલ બુકીંગ સમયે સર્વર ડાઉન થઈ જવું, અને સામાન્ય જનતાને ટિકિટ ન મળવી એ અત્યંત ગંભીર બાબત છે. ટેકનિકલ ખામીઓ ઉપરાંત આમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને ગેરરીતિઓની સંભાવના પણ નકારી શકાય નહીં. રેલવે અને IRCTC દ્વારા આ દિશામાં સઘન મોનિટરિંગ અને તપાસ થવી જરૂરી છે જેથી વાસ્તવિક મુસાફરોને તેમનો હક મળી શકે.




