અયોધ્યા જતાં ગુજરાતીઓ માટે મોટા સમાચાર!: ₹80 કરોડના ખર્ચે બનશે 'યાત્રી નિવાસ', 308 બેડ અને 864ની ક્ષમતાવાળો હશે હોલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ayodhya Yatri Niwas: ગુજરાતમાંથી અયોધ્યા ભગવાન રામલલ્લાના દર્શનાર્થે જતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને સર્વશ્રેષ્ઠ સુવિધા, આતિથ્ય અને દિવ્ય અનુભવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અયોધ્યા ખાતે ગુજરાત સરકાર દ્વારા 80.25 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક અને ભવ્ય ‘યાત્રી નિવાસ’ તૈયાર કરવામાં આવશે. અયોધ્યા ખાતે નિર્માણાધીન ટાઉનશીપમાં કુલ 6929.28 વર્ગ મીટર જમીન વિસ્તારમાં આ સંકુલ આકાર પામશે.
308 બેડની સુવિધા અને 864ની ક્ષમતા ધરાવતો વિશાળ હોલ
ગુજરાત પ્રવાસન નિગમ (TCGL) દ્વારા તૈયાર થઈ રહેલા આ અત્યાધુનિક યાત્રી નિવાસમાં શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે. જેમાં 308 બેડની ક્ષમતા ધરાવતા વિવિધ પ્રકારના સુસજ્જ રૂમ. 864ની સીટીંગ કેપેસિટી ધરાવતો વિશાળ હોલ. રિસેપ્શન સેન્ટર, વિઝિટર લાઉન્જ, સોવેનિયર શોપ, મલ્ટીપર્પઝ હોલ, ઓડિટોરિયમ, મીટિંગ રૂમ, વિશાળ ડાઇનિંગ એરિયા, ટેરેસ ગાર્ડન, ડિજિટલ ડિસ્પ્લે અને આકર્ષક લેન્ડસ્કેપિંગ.

1 વર્ષમાં શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકાશે
આ ભવ્ય યાત્રી નિવાસનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે અને આગામી એક વર્ષના સમયગાળામાં આ સંકુલ ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણપણે ખુલ્લું મૂકી દેવામાં આવશે.
ગુજરાત અને અયોધ્યા વચ્ચેનો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સેતુ
રાજ્ય સરકારની આ શ્રદ્ધા-કેન્દ્રિત પહેલથી અયોધ્યા આવતા ગુજરાતના પ્રવાસીઓને પોતાના ઘર જેવી સુખ-સુવિધા અને સુરક્ષા મળી રહેશે. આ યાત્રી નિવાસ માત્ર એક રોકાણ માટેનું આવાસ નથી, પરંતુ ગુજરાત અને અયોધ્યા વચ્ચેના વર્ષો જૂના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને વધુ મજબૂત બનાવતું એક ઉત્કૃષ્ટ પ્રતીક બની રહેશે.




