Ahmedabad

ગૂગલથી નંબર શોધી કસ્ટમર કેરનો સંપર્ક કરનારા સાવધાન! અમદાવાદમાં રેલવે અધિકારી ઠગની જાળમાં ફસાયા

By GS Team
16 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ખોખરા વિસ્તારમાં પશ્ચિમ રેલવેના ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ પ્રદીપકુમાર સાથે 73 હજારની ઓનલાઇન છેતરપિંડી થઈ છે. મીશો પર ડ્રેસ ઓર્ડર કર્યા બાદ રિફંડ માટે ગુગલ પરથી કસ્ટમર કેર નંબર શોધ્યો હતો. સાયબર ઠગે વોટ્સએપ પર APK ફાઇલ મોકલી તેમનો ફોન હેક કરી SBI બેંકના ખાતામાંથી ત્રણ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 73 હજાર રૂપિયા સેરવી લીધા. ખોખરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગૂગલથી નંબર શોધી કસ્ટમર કેરનો સંપર્ક કરનારા સાવધાન! અમદાવાદમાં રેલવે અધિકારી ઠગની જાળમાં ફસાયા

Ahmedabad Cyber Crime News : ખોખરા વિસ્તારમાં રહેતા અને પશ્ચિમ રેલવેમાં ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા આધેડ સાથે રૂ. 73 હજારની ઓનલાઇન છેતરપિંડી થઈ છે. રાત્રે તેમણે મીશો એપ્લિકેશન મારફતે રૂ. 448નો લેડીઝ ડ્રેસ ઓર્ડર કર્યો હતો. જોકે, પેમેન્ટ કપાઈ જવા છતાં ઓર્ડર કન્ફર્મ ન થતાં તેમણે ફરી પેમેન્ટ કર્યું હતું. ત્યારબાદ કપાયેલા રૂ. 448નું રિફંડ મેળવવા ગૂગલ પરથી શોધેલા કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરતાં સાયબર ઠગે વ્હોટ્સએપ પર એપીકે ફાઇલ મોકલી તેમનો ફોન હેક કરી ખાતામાંથી હજારો રૂપિયા સેરવી લીધા હતા.

મણિનગર પૂર્વમાં મેથોડિસ્ટ ચર્ચ પાસે આવેલી નવનિર્માણ સોસાયટી માં રહેતા પ્રદીપકુમારે રૂ. 448 રિફંડ મેળવવા માટે ગૂગલ પરથી મીશો કસ્ટમર કેરનો ટોલ-ફ્રી નંબર શોધીને કોલ કર્યો હતો. સામેથી ગઠિયાએ કસ્ટમર કેરમાંથી બોલું છું અને વ્હોટ્સએપ પર રિફંડ પ્રોસેસ કરાવું છું તેમ કહી વાતચીત શરૂ કરી હતી. થોડી જ વારમાં ગઠિયાએ વ્હોટ્સએપ પર મેસેજ કર્યા બાદ વીડિયો કોલ કરીને પ્રદીપકુમારને પોતાના ફોનની સ્ક્રીન શેર કરવા કહ્યું હતું. ત્યારબાદ ખાતામાં બેલેન્સ ચેક કરાવ્યા પછી રિફંડ ન મળતાં, આરોપીએ વ્હોટ્સએપ પર એપીકે ફાઇલ મોકલી હતી.

રેલવે અધિકારીએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તમામ પરમિશન કરતાં જ ફોનની સ્ક્રીન હેંગ થઈ ગઈ હતી. ફોન રિસ્ટાર્ટ કરીને ગૂગલ પે ચેક કરતાં તેમના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી ત્રણ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. 73 હજાર કપાઈ ગયા હોવાનું જણાયું હતું. છેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ થતાં જ તેમણે તુરંત 1930 સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કર્યો હતો. ખોખરા પોલીસે વ્હોટ્સએપ નંબર ધારક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સર્ચ એન્જિન પર સાયબર માફિયાઓનું ‘SEO પોઇઝનિંગ’ નેટવર્ક

સાયબર ગઠિયાઓ ગૂગલ જેવા સર્ચ એન્જિન પર પ્રખ્યાત ઈ-કોમર્સ સાઇટ્સ (મીશો, ફ્લિપકાર્ટ, એમેઝોન) કે બેંકોના નામે ફેક ટોલ-ફ્રી નંબરો એસઈઓ (SEO) દ્વારા ટોપ સર્ચમાં મૂકી દે છે. ગ્રાહક સાચો નંબર સમજીને ડાયલ કરે એટલે ઠગ સીધા વ્હોટ્સએપ કે રિમોટ એક્સેસ ટૂલ્સ મારફતે શિકાર બનાવી રહ્યા હોવાનો આ એક વધુ કિસ્સો બન્યો છે.