ઈન્સ્ટાગ્રામની રીલથી હરખાઈને ઓનલાઈન ખરીદી કરનારા સાવધાન, અમદાવાદમાં ઠગાઈનો શૉકિંગ કિસ્સો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad INSTA Fraud Case : શહેરના ન્યૂ ક્લોથ માર્કેટમાં આવેલી દુકાનનું સરનામું વાપરી સોશિયલ મીડિયા પર ગ્રાહકો સાથે છેતરપિંડી આચરવાનું કૌભાંડ સામે આવ્યું છે. અજાણ્યા શખ્સે ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી લોકો પાસેથી ઓનલાઇન રૂપિયા પડાવી લીધા બાદ માલ મોકલ્યો ન હતો. ઠગાઈ કરનારે પ્રોફાઇલમાં ન્યૂ ક્લોથ માર્કેટની દુકાનનું એડ્રેસ મૂક્યું હોવાથી છેતરાયેલા લોકો સીધા દુકાને પહોંચીને રકઝક કરવા લાગ્યા હતા. જેથી વેપારી સાથે કોઈ મોટો ઝઘડો કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાગડાપીઠ પોલીસે અજાણ્યા ભેજાબાજ સામે આઈટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
ગોમતીપુરમાં આવેલી નાગોરીની ચાલીમાં રહેતા અને ન્યૂ ક્લોથ માર્કેટ સ્થિત એલ.બી. ગ્રુપમાં મેનેજર તરીકે કામ કરતા 30 વર્ષીય પ્રશાંતભાઈ અરવિંદભાઈ વાઘેલાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, કોઈ અજાણ્યા શખ્સે ઇન્સ્ટાગ્રામ પર "classic_collection_stor_02" નામની ફેક આઈડી બનાવી હતી. આ આઈડી ચલાવનાર શખ્સે દુકાનદારની કોઈ પણ પરવાનગી કે જાણ વગર તેમની દુકાનનું સરનામું પોસ્ટ તેમજ પ્રોફાઇલમાં મૂકી દીધું હતું.
આ પેજ પરથી ઓનલાઇન કપડાં કે અન્ય સામાન ખરીદવા માટે લોકો પાસેથી ઓનલાઇન રૂપિયા મંગાવી લેવામાં આવતા હતા, પરંતુ બાદમાં માલ મોકલવામાં આવતો ન હતો. પેજ પર દુકાનનું સરનામું લખેલું હોવાથી પૈસા ગુમાવી ચૂકેલા ગ્રાહકો ન્યૂ ક્લોથ માર્કેટની દુકાને પહોંચીને હિસાબ અને સામાન માગવા લાગ્યા હતા. આવા ખોટા મેસેજ અને પોસ્ટના કારણે ભવિષ્યમાં ગ્રાહકો સાથે કોઈ મોટો વિવાદ ન થાય તે માટે મેનેજરે કાગડાપીઠ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.




