બાપુનગર મ્યૂલ બેન્ક એકાઉન્ટ કેસઃ વરૂણ વર્માનું પાલડીમાંથી ઝડપાયેલા હવાલા કૌભાંડીઓ મહેન્દ્ર શાહ અને મેઘ શાહ સાથે કનેક્શન ખૂલ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Bapunagar Mule Bank Account Case: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં મ્યૂલ બેન્ક એકાઉન્ટ ખોલાવી ગેરકાયદે નાણાંની હેરફેર કરવાના રેકેટમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ફરિયાદી રવિ ઠાકોર દ્વારા કરવામાં આવેલા ઘટસ્ફોટ બાદ સ્થાનિક પોલીસ સહિતની વિવિધ તપાસ એજન્સીઓ આ મામલે સક્રિય થઈ છે. આ કેસમાં કૌભાંડના તાર કરોડો રૂપિયાના હવાલા અને ડબ્બા ટ્રેડિંગ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
100 કિલો સોનાના કેસના આરોપીઓ સાથે કનેક્શન
આ ફરિયાદ અનુસાર, આશરે એક વર્ષ પહેલાં પાલડી વિસ્તારમાં ATS અને EDના દરોડા દરમિયાન 100 કિલો સોનું અને 80 લાખ રૂપિયાની રોકડ સાથે ઝડપાયેલા મહેન્દ્ર શાહ અને તેના પુત્ર મેઘ શાહ માટે મુખ્ય આરોપી વરૂણ વર્મા કામ કરતો હતો. મહેન્દ્ર શાહ અને મેઘ શાહના ડબ્બા ટ્રેડિંગ તેમજ હવાલાના ગેરકાયદે નાણાંની હેરફેર કરવા માટે વરૂણ વર્મા અને તેની ગેંગ ગરીબ લોકોને લાલચ આપી મ્યૂલ બેન્ક એકાઉન્ટ પૂરા પાડતા હતા. આ એકાઉન્ટ્સમાં અત્યાર સુધીમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થઈ ચૂક્યા હોવાની આશંકા છે.
વેપારીઓને બંધક બનાવી ઢોર માર મારવાનો આક્ષેપ
આરોપી વરૂણ વર્મા માત્ર બેન્ક એકાઉન્ટ સપ્લાય કરવા પૂરતો સીમિત નહોતો, પરંતુ મહેન્દ્ર શાહના હવાલાના નાણાં કઢાવવા કે મેટર સેટલ કરવા માટે વેપારીઓનું અપહરણ પણ કરતો હતો. વેપારીઓને બંધક બનાવી, તેમને નગ્ન કરીને પટ્ટા તથા ચામડાના હંટરથી બેરહેમીપૂર્વક માર મારી નાણાં વસૂલવામાં આવતા હતા, જેના બદલામાં વરૂણની ગેંગને મોટું કમિશન મળતું હતું. આ સમગ્ર અત્યાચારના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જે આ કેસમાં પોલીસ માટે મહત્ત્વના પુરાવા બનશે. ભોગ બનનારા અન્ય વેપારીઓ પણ ગેરકાયદે નાણાંની હેરફેરના ડરથી પોલીસ ફરિયાદ કરતાં અચકાઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે.
સ્કૂલ ટ્રસ્ટીના પુત્રની રાજકીય ઓથ અને ફરાર આરોપીઓ
મ્યૂલ એકાઉન્ટ કેસનો મુખ્ય આરોપી વરૂણ વર્મા બાપુનગરની જીવન સાધના સ્કૂલના ટ્રસ્ટી સિદ્ધાર્થ વર્માનો પુત્ર છે. તે પોતાના પિતાના રાજકીય અને સામાજિક પીઠબળનો દુરુપયોગ કરીને આ ગુનાઈત સામ્રાજ્ય ચલાવતો હતો અને ગુજરાતની સૌથી મોટી મ્યૂલ એકાઉન્ટ સપ્લાયર ગેંગ બનાવવા માંગતો હતો. આ ગેંગમાં તેણે ક્રિષ્ના પેન્ટા, સની રાય અને દેવાંગ રાય જેવા સાગરીતોને સામેલ કર્યા હતા. વરૂણ માટે કામ કરતા રાકેશ તિવારી નામના શખસે હવાલાના નાણાં બાબતે દગો કરતાં ગેંગે તેને પણ ઢોર માર માર્યો હતો.
બાપુનગર પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપી ક્રિષ્ના પેન્ટાની ધરપકડ કરી લીધી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર વરૂણ વર્મા હાલ ફરાર છે. પોલીસ દ્વારા જરૂરી પુરાવા એકત્ર કર્યા બાદ આગામી સમયમાં હવાલા ઓપરેટર મહેન્દ્ર શાહ અને મેઘ શાહ વિરૂદ્ધ પણ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.




