Ahmedabad

નામ મોટાં ને દર્શન ખોટાં! અમદાવાદની સરકારી આયુર્વેદિક હોસ્પિટલો ફાર્માસિસ્ટોની અછતથી 'ICU'માં, સરકાર ઘોર નિંદ્રામાં!

By GS Team
13 Sep 20263 mins read
TukuTouch Logo
અમદાવાદની મણિબેન આયુર્વેદિક હોસ્પિટલમાં ફાર્માસિસ્ટની ભારે અછતથી દર્દીઓ પરેશાન છે. 13 મંજૂર જગ્યાઓ સામે માત્ર 5 ફાર્માસિસ્ટ કાર્યરત છે, જ્યારે 22 ડિસ્પેન્સરીમાંથી માત્ર 3માં જ ફાર્માસિસ્ટ ઉપલબ્ધ છે. ડોકટરોને દવા વિતરણ પણ કરવું પડે છે, જેથી દર્દીઓને લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડે છે. તાત્કાલિક ભરતીની માંગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નામ મોટાં ને દર્શન ખોટાં! અમદાવાદની સરકારી આયુર્વેદિક હોસ્પિટલો ફાર્માસિસ્ટોની અછતથી 'ICU'માં, સરકાર ઘોર નિંદ્રામાં!

Ahmedabad Maniben Ayurvedic Hospital Pharmacist Shortage: અમદાવાદ શહેરમાં આયુર્વેદિક આરોગ્ય સેવાઓની વ્યવસ્થામાં ફાર્માસિસ્ટોની ગંભીર અછત દર્દીઓ માટે મુશ્કેલીનું કારણ બની રહી છે. અસારવા ખાતે આવેલી મણિબેન આયુર્વેદિક હોસ્પિટલમાં મંજૂર મહેકમની સરખામણીએ ફાર્માસિસ્ટોની સંખ્યા અત્યંત ઓછી છે. બીજી તરફ, શહેરમાં આયુષ વિભાગ દ્વારા સંચાલિત આશરે 25 આયુર્વેદ ડિસ્પેન્સરીમાંથી માત્ર 3માં જ ફાર્માસિસ્ટ ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે. બાકીની 22 ડિસ્પેન્સરીમાં ડોક્ટરોએ દર્દીઓની તપાસ કરવાની સાથે દવાઓ આપવાની કામગીરી પણ સંભાળવી પડે છે.

મણિબેન હોસ્પિટલમાં 13ની સામે માત્ર 5 ફાર્માસિસ્ટ

મણિબેન આયુર્વેદિક હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 400થી 450 દર્દીઓની OPD રહે છે. હોસ્પિટલમાં 100 બેડની IPD સુવિધા પણ ઉપલબ્ધ છે. આટલી મોટી સંખ્યામાં દર્દીઓની સારવાર થતી હોવા છતાં ફાર્મસી વિભાગમાં મંજૂર મહેકમની સરખામણીએ સ્ટાફની ભારે અછત છે.

હોસ્પિટલના ફાર્મસી વિભાગ માટે કુલ 13 ફાર્માસિસ્ટની જગ્યાઓ મંજૂર છે, પરંતુ હાલમાં માત્ર 5 જગ્યાઓ જ ભરાયેલી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત 2 ફાર્માસિસ્ટ આઉટસોર્સિંગથી લેવામાં આવ્યા છે.

બે ફાર્માસિસ્ટ અન્ય કામગીરીમાં હોવાથી વાસ્તવિક સ્ટાફ વધુ ઓછો

મંજૂર 5 ભરાયેલી જગ્યાઓમાંથી પણ 2 ફાર્માસિસ્ટને અન્ય સ્થળે વધારાની કામગીરી અથવા નિયુક્તિ સોંપવામાં આવી છે. પરિણામે મર્યાદિત કર્મચારીઓ પર દવાઓનું વિતરણ, સ્ટોક જાળવણી અને અન્ય વહીવટી કામગીરીનું ભારણ વધી રહ્યું છે.

દવા લેવા દર્દીઓની લાંબી લાઈનો

ફાર્માસિસ્ટોની અછતની સીધી અસર દર્દીઓની સુવિધા પર પડી રહી છે. દવા મેળવવા માટે દર્દીઓને લાંબો સમય રાહ જોવી પડે છે અને લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ફરિયાદો સામે આવી રહી છે.

OPDના દર્દીઓ ઉપરાંત IPDમાં દાખલ દર્દીઓને પણ નિયમિત દવાઓ પૂરી પાડવાની જવાબદારી ફાર્મસી વિભાગની છે. મર્યાદિત સ્ટાફને કારણે દવાઓના વિતરણમાં વિલંબ થવાની સ્થિતિ સર્જાઈ રહી છે. દૂરથી સારવાર માટે આવતા દર્દીઓ અને વૃદ્ધોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

25 ડિસ્પેન્સરીમાંથી માત્ર 3માં ફાર્માસિસ્ટ

મણિબેન હોસ્પિટલ ઉપરાંત શહેરની આયુર્વેદિક ડિસ્પેન્સરીઓમાં પણ ફાર્માસિસ્ટોની અછતની સ્થિતિ ગંભીર છે. આયુષ વિભાગ દ્વારા સંચાલિત આશરે 25 આયુર્વેદ ડિસ્પેન્સરીમાં દર્દીઓને સારવાર આપવામાં આવે છે. પરંતુ તેમાંથી માત્ર 3 ડિસ્પેન્સરીમાં જ ફાર્માસિસ્ટ ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે. બાકીની 22 ડિસ્પેન્સરીમાં ડોક્ટરોએ દર્દીની તપાસ, નિદાન અને સારવારની સાથે દવાઓનું વિતરણ પણ જાતે કરવું પડે છે. જેના કારણે ડોક્ટરો પર વધારાનું કામનું ભારણ આવે છે અને દર્દીઓની સેવા માટેનો સમય પણ પ્રભાવિત થવાની શક્યતા રહે છે.

તાત્કાલિક ભરતી કરવાની માગ

દર્દીઓને સમયસર અને સુચારુ રીતે દવાઓ મળી રહે તે માટે મણિબેન આયુર્વેદિક હોસ્પિટલ સહિત આયુર્વેદ ડિસ્પેન્સરીઓમાં ફાર્માસિસ્ટોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાની માગ ઉઠી છે. હોસ્પિટલમાં અન્ય કામગીરી માટે મોકલાયેલા ફાર્માસિસ્ટોને પણ મૂળ ફાર્મસી વિભાગમાં પરત મૂકવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. દર્દીઓના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને આયુષ વિભાગ અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી કરી ફાર્માસિસ્ટોની અછત દૂર કરે તેવી માગ દર્દીઓ અને જાહેર જનતા તરફથી કરવામાં આવી છે.