Ahmedabad

અમદાવાદ: આનંદનગર દુષ્કર્મ કેસના આરોપીને પગમાં ગોળી મરાઈ, પંચનામા દરમિયાન ભાગવાનો કર્યો હતો પ્રયાસ

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના આણંદનગર વિસ્તારમાં PG માં વિદ્યાર્થીની પર દુષ્કર્મ કેસમાં આરોપી ધર્મસિંહે હેબતપુર ખાતે પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો. સ્વબચાવમાં પોલીસે ફાયરિંગ કરતા આરોપીના પગમાં ગોળી વાગી. આરોપીને ઝડપી લઈ હોસ્પિટલ ખસેડાયો. પોલીસ પર હુમલાનો વધુ એક ગુનો નોંધાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: આનંદનગર દુષ્કર્મ કેસના આરોપીને પગમાં ગોળી મરાઈ, પંચનામા દરમિયાન ભાગવાનો કર્યો હતો પ્રયાસ

Ahmedabad Crime News: અમદાવાદના આણંદનગર વિસ્તારમાં આવેલા પ્લેઇંગ ગેસ્ટ (PG)માં ઈન્ટિરિયર ડિઝાઈનિંગની વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજારવાના સનસનાટીભર્યા કેસમાં રવિવારે(9 ઓગસ્ટ) રાત્રે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. આણંદનગર પોલીસ ટીમ જ્યારે આરોપી ધર્મસિંહને સાથે રાખીને હેબતપુર વિસ્તારમાં સ્પોટ પંચનામું કરાવી રહી હતી, ત્યારે આરોપીએ પોલીસ કાફલા પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિ વણસતા પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં આરોપીના પગમાં ગોળી વાગતાં તે જમીન પર ઢળી પડ્યો હતો અને પોલીસે તેને તાત્કાલિક ઝડપી લીધો હતો.

પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ

સમગ્ર કેસ મામલે તપાસના ભાગરૂપે રવિવારે પોલીસ ટીમ આરોપીને ઘટનાસ્થળે તથા પુરાવા એકત્ર કરવા માટે હેબતપુર વિસ્તારમાં સ્પોટ પંચનામા અર્થે લઈ ગઈ હતી. પંચનામાની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન આરોપી ધર્મસિંહે અચાનક જ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો અને સ્થળ પરથી ફરાર થવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન થયેલી ઝપાઝપીમાં એક પોલીસ કર્મચારીને પણ શારીરિક ઈજાઓ પહોંચી હતી.

પોલીસે આત્મરક્ષણમાં કર્યું ફાયરિંગ

આરોપીએ પોલીસ ટીમ પર હુમલો કરી ભાગવાની કોશિશ કરતા અને પોલીસ કર્મચારીઓની સુરક્ષા જોખમમાં મુકાતાં, સ્થળ પર હજાર ઉચ્ચ અધિકારી/પીઆઈએ સ્વબચાવમાં પોતાની સર્વિસ રિવોલ્વર/પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું હતું. ગોળી આરોપીના પગના ભાગે વાગતાં જ તે લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો.

પોલીસે તાત્કાલિક ઈજાગ્રસ્ત આરોપી ધર્મસિંહ તેમજ ઘાયલ થયેલા પોલીસકર્મીને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સરકારી કર્મચારી પર હુમલો કરવા અને કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરવા બદલ આરોપી સામે વધુ એક ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારની એક સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડ દ્વારા જ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવામાં આવ્યાની ગંભીર ઘટનાએ સૌકોઈને ચોંકાવી નાખ્યા છે. જેમાં ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવા મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી ધર્મસિંહ રામશંકરસિંહને હેબતપુર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.

ભોગ બનનાર વિદ્યાર્થિની રાત્રિના સમયે સોસાયટીના ધાબા ચાલવા પર ગઈ હતી. આ દરમિયાન સોસાયટીનો સિક્યોરિટી ગાર્ડ ત્યાં પહોંચી ગયો હતો અને ધાબાનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ આરોપીએ વિદ્યાર્થિનીનું વાયરથી ગળું દબાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને વિદ્યાર્થિની ધાબા પર જ લોક કરીને આરોપી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ યુવતીએ મદદ માટે બૂમાબૂમ કરતાં નીચે રહેતા મકાનમાલિકો ઉપર દોડી આવ્યા હતા અને દરવાજો ખોલી પોલીસને જાણ કરી હતી.

image.png