અમદાવાદમાં રિક્ષા-ટેક્સી હડતાળને પગલે AMTSનો નિર્ણય, શ્રાવણ અને પર્યુષણ માટેની વિશેષ બસ સેવા ચાર દિવસ મોકૂફ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Auto Strike: રિક્ષા અને ટેક્સી ચાલકોની 7થી 10 સપ્ટેમ્બર સુધીની હડતાળની અસર પર્યુષણ અને શ્રાવણ માસ દરમિયાન ભાવિકો માટેની AMTSની વિશેષ બસ સેવા પર પડી છે. અગાઉ પર્યુષણ પર્વ નિમિત્તે વિવિધ દેરાસરોના દર્શન માટે 8 સપ્ટેમ્બરથી વિશેષ ધાર્મિક બસ સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, હડતાળને કારણે ઊભી થયેલી આકસ્મિક પરિસ્થિતિના પગલે 7થી 10 સપ્ટેમ્બર સુધી આ સેવા સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સેવા હવે 11 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે.
AMTS કમિટીના ચેરમેને જણાવ્યું છે કે-
દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસ અને પર્યુષણ પર્વ દરમિયાન ભાવિકોને ધાર્મિક સ્થળો તથા વિવિધ દેરાસરોના દર્શન માટે વિશેષ બસ સેવા પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે નોન-એસી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળને કારણે ઊભા થયેલા આકસ્મિક સંજોગોને ધ્યાનમાં રાખીને હાલમાં આ સેવા મોકૂફ રાખવામાં આવી છે.
11 સપ્ટેમ્બરથી દેરાસર દર્શન માટે બસો દોડશે
11 સપ્ટેમ્બરથી શરૂ થનારી વિશેષ બસ સેવા હેઠળ ભાવિકોને નિર્ધારિત રૂટ મુજબ શહેર તથા આસપાસના વિવિધ દેરાસરોમાં દર્શન કરાવવામાં આવશે. બસ સવારે 8.15 વાગ્યે ઉપડશે અને દેરાસરોના દર્શન કરાવ્યા બાદ સાંજે 4.45 વાગ્યે પરત ફરશે.
ચાર ટર્મિનસ પરથી બુકિંગ
આ ધાર્મિક બસ પ્રવાસ માટે લાલદરવાજા, સારંગપુર, વાડજ અને મણીનગર ટર્મિનસ પરથી બુકિંગ કરાવી શકાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં રહેતા નાગરિકો માટે પ્રતિ બસ 3,000 રૂપિયા, જ્યારે ઔડાની હદમાં રહેતા નાગરિકો માટે 5,000 રૂપિયા ચૂકવવાના રહેશે. બુકિંગ વખતે પ્રોપર્ટી ટેક્સ બિલ તથા ભરેલી પહોંચની નકલ રજૂ કરવાની રહેશે. એક બસમાં સામાન્ય રીતે 30 લોકોની બેઠક ક્ષમતા હોય છે, પરંતુ વધુમાં વધુ 40 લોકોને બેસાડવાની વ્યવસ્થા રાખવામાં આવી છે.
આ દેરાસરોના દર્શન કરાવાશે
વિશેષ ધાર્મિક બસ પ્રવાસમાં હઠીસીંગની વાડી-માધુપુરા, રાજપુર-ગોમતીપુર, પદ્માવતી માતાજી-નરોડા, કોબા, તપોવન-મોટેરા, મેરૂધામ તીર્થ, ઓગણજ, શેરીસા, ગોકુલ ધામ, ગોધાવી, બાકરોલ, સરખેજ, હાથીજણ, પ્રેરણાતીર્થ, આદેશ્વર જૈન દેરાસર-શાહપુર, જગ વલ્લભ પાર્શ્વનાથ-રિલીફ રોડ, હરીપુરા, દેવકીનંદન જૈન સંઘ-નારણપુરા અને આંબલી જૈન સંઘ સહિતના દેરાસરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ, શ્રાવણ માસ અને પર્યુષણ પર્વ દરમિયાન ભાવિકો માટે અગાઉથી જાહેર કરાયેલી AMTSની ધાર્મિક બસ સેવા રિક્ષા-ટેક્સીની હડતાળના કારણે ચાર દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે, જે હવે 11 સપ્ટેમ્બરથી શરૂ થશે.




