અમદાવાદમાં 3 શખ્સોની રોમિયોગીરી! સગીરાને ગંદા ઈશારા કરી કહ્યું-'મારી સાથે ભાગી જા', ફરિયાદ કરતાં પિતા પર જીવલેણ હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદ શહેરમાં અસામાજિક અને રોમિયોગીરી કરતા તત્ત્વો સામે પોલીસ કડક કાર્યવાહીના દાવા કરી રહી છે, ત્યારે અમરાઈવાડી વિસ્તારમાં એક સગીરાની છેડતી કરી તેનો વિરોધ કરનાર પિતા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સગીરાનો પીછો કરી, હાથ પકડી ભાગી જવા દબાણ કરનાર રોમિયો બાબતે તેના પરિવારને ફરિયાદ કરતા ઉશ્કેરાયેલા 3 શખ્સોએ પિતાને રસ્તામાં રોકી માર માર્યો હતો. આ મામલે અમરાઈવાડી પોલીસે પોક્સો સહિત અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
‘મારી સાથે ભાગી જા’ કહી ગંદા ઈશારા કર્યા
અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની 15 વર્ષીય પુત્રી નેહા (નામ બદલ્યું છે) ધોરણ 10માં અભ્યાસ કરે છે. ગત તા. 14 સપ્ટેમ્બરના રોજ બપોરે સ્કૂલેથી છૂટીને તે ચાલતી ઘરે આવી રહી હતી, તે દરમિયાન પોલીસ લાઈન ગેટ પાસે એક બાઈક પર 3 યુવકો આવ્યા હતા. જેમાં હર્ષદે સગીરાનો હાથ પકડી ‘મારી સાથે ભાગી જા’ તેમ કહ્યું હતું, જ્યારે અનુરાગે આંખ મારી ગંદા ઈશારા કર્યા હતા. આ 3 જણા અવારનવાર સગીરાનો પીછો કરી હેરાન કરતા હોવાની હકીકત સગીરાએ પિતાને જણાવી હતી.
'તું કેમ અમારા ઘરે ફરિયાદ કરવા આવ્યો હતો' કહી સગીરાને પિતાને માર માર્યો
આ ઘટના બાદ પિતાએ આરોપી હર્ષદના પિતાને મળીને તેમના પુત્રને સમજાવવા વિનંતી કરી હતી, જેથી તેના પિતાએ હવેથી તે દીકરીને હેરાન નહીં કરે તેવી ખાતરી આપી હતી. જો કે, ગત તા. 16 સપ્ટેમ્બરના રોજ રાત્રે આશરે 10:30 વાગ્યે પિતા જોગમાયાનગર ગેટ પાસેથી પસાર થતા હતા, ત્યારે 3 આરોપીઓએ તેમને આંતરી લીધા હતા. 'તું કેમ અમારા ઘરે ફરિયાદ કરવા આવ્યો હતો' તેમ કહીને આરોપીઓએ ગડદાપાટુનો માર માર્યો હતો અને અનુરાગે માથામાં ફેટ મારી દેતાં પિતા લોહીલુહાણ થઈ ઢળી પડ્યા હતા.
બૂમાબૂમ થતાં આસપાસના લોકો અને ભાઈ દોડી આવતાં આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત પિતાને તાત્કાલિક 108 મારફતે એલ.જી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસે સગીરાના પિતાની ફરિયાદના આધારે હર્ષદ રમેશભાઈ, અનુરાગ મનસુખભાઈ અને વિશાલ (તમામ રહે. અમરાઈવાડી) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




