Ahmedabad

અમદાવાદની ઝેરી હવા વચ્ચે બાંધકામ સાઇટ પર RMC પ્લાન્ટ શરૂ કરી શકાશે, શહેરીજનોના શ્વાસ રૂંધતી નવી પોલિસીને મંજૂરી!

By GS Team
14 Oct 20265 mins read
TukuTouch Logo
અમદાવાદમાં હવાના પ્રદૂષણને નિયંત્રિત કરવા RMC (રેડી મિક્સ કોન્ક્રિટ) પ્લાન્ટ અંગે નવી પોલિસી મંજૂર થઈ છે. બુધવારે ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં 7500 ચોરસ મીટર સુધીના પ્લોટમાં સાઇટ પર જ પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી અપાઈ. વાર્ષિક 25 હજાર ફી અને GPCBની NOC ફરજિયાત રહેશે. કોમર્શિયલ પ્લાન્ટ માટે 5 લાખ ડિપોઝિટ તથા 50 હજાર ફી નક્કી થઈ છે. નિયમો ભંગ કરનારને 1 લાખ સુધીનો દંડ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદની ઝેરી હવા વચ્ચે બાંધકામ સાઇટ પર RMC પ્લાન્ટ શરૂ કરી શકાશે, શહેરીજનોના શ્વાસ રૂંધતી નવી પોલિસીને મંજૂરી!
AI તસવીર

Ahmedabad RMC Policy: અમદાવાદમાં હવાની ગુણવત્તા અંગે ચિંતા વચ્ચે હવે બાંધકામ સાઇટ પર જ રેડી મિક્સ કોન્ક્રિટ (RMC) પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવશે. બુધવારે મળેલી ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં આ અંગેની નવી પોલિસી મંજૂર કરવામાં આવી છે. શહેરમાં બાંધકામની પ્રવૃત્તિઓ સતત વધી રહી છે ત્યારે સાઇટ પર જ કોન્ક્રિટ તૈયાર કરવાની વ્યવસ્થાથી ધૂળ અને હવાના પ્રદૂષણ પર કેટલી અસર પડશે તે અંગે સવાલો ઊભા થયા છે. પોલિસીમાં પ્રદૂષણ નિયંત્રણ માટે અનેક શરતો મૂકવામાં આવી છે, પરંતુ તેનો અસરકારક અમલ કેવી રીતે થશે તે મહત્ત્વનું રહેશે.

શું છે નવી પોલિસી?

નવી પોલિસી હેઠળ 7500 ચોરસ મીટર સુધીના પ્લોટમાં RMC પ્લાન્ટ તે જ પ્લોટની અંદર સ્થાપવો પડશે. જ્યારે 7500 ચોરસ મીટરથી મોટા પ્લોટમાં પ્લાન્ટ પ્લોટની અંદર અથવા બાંધકામ સાઇટથી એક કિલોમીટરની ત્રિજ્યામાં સ્થાપી શકાશે. આ ઉપરાંત કોમર્શિયલ હેતુથી RMC પ્લાન્ટ ચલાવવા માટે પણ અલગ જોગવાઈ કરવામાં આવી છે.

સાઇટ પર પ્લાન્ટ માટે વાર્ષિક રૂપિયા 25 હજાર ફી

બાંધકામના ચોક્કસ પ્રોજેક્ટ માટે સ્થાપવામાં આવતા ઓનસાઇટ RMC પ્લાન્ટ માટે વાર્ષિક લાઇસન્સ ફી રૂપિયા 25 હજાર નક્કી કરવામાં આવી છે. આ પ્લાન્ટમાં તૈયાર થતું કોન્ક્રિટ માત્ર સંબંધિત પ્રોજેક્ટમાં જ વાપરી શકાશે. અન્ય સ્થળે તેનો ઉપયોગ કરી શકાશે નહીં. ઓનસાઇટ પ્લાન્ટ માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) પાસેથી જરૂરી NOC લેવી પડશે. આ ઉપરાંત સ્ટ્રક્ચર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવું અને સ્થળ પર સલામતીની વ્યવસ્થા કરવી પડશે. પ્લાન્ટમાં આવતા-જતા મિક્સર, ડમ્પર અને ટ્રકથી ધૂળનું પ્રદૂષણ ન ફેલાય તે માટે ગ્રીન નેટ લગાવવાની તથા સ્પ્રિંકલરથી પાણીનો છંટકાવ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

કોમર્શિયલ પ્લાન્ટ માટે રૂપિયા 5 લાખની ડિપોઝિટ

કોમર્શિયલ હેતુથી કોન્ક્રિટ તૈયાર કરીને વેચતા ઓફસાઇટ RMC પ્લાન્ટ માટે વાર્ષિક લાઇસન્સ ફી રૂપિયા 50 હજાર અને રૂપિયા 5 લાખની ડિપોઝિટ નક્કી કરવામાં આવી છે. આવા પ્લાન્ટ ઇન્ડસ્ટ્રિયલ ઝોન જનરલ, જનરલ એગ્રીકલ્ચર ઝોન, પ્રાઇમ એગ્રીકલ્ચર ઝોન અને લોજિસ્ટિક ઝોનમાં સ્થાપી શકાશે. ઓફસાઇટ પ્લાન્ટમાં એર ક્વોલિટી મોનિટર, હાઇ રિઝોલ્યૂશન કેમેરા અને એન્ટી સ્મોગ મશીન લગાવવાં ફરજિયાત રહેશે. પ્લાન્ટ તથા ત્યાં કામ કરતા શ્રમિકો અને અન્ય કર્મચારીઓ માટે ઇન્સ્યોરન્સ કરાવવાનો રહેશે. પ્લાન્ટના પ્રવેશદ્વારથી જાહેર રસ્તા સુધીના ભાગને RCC અથવા ડામરથી તૈયાર કરવાની જવાબદારી ઝોનલ કચેરીની રહેશે.

લાઇસન્સ વિના પ્લાન્ટ ચાલુ રહેશે તો દંડ

નવી પોલિસીમાં નિયમોનું પાલન ન કરવા બદલ દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. ઓફસાઇટ પ્લાન્ટ લાઇસન્સ વિના ચાલુ રાખવામાં આવે તો તેને સીલ કરવાની સાથે રૂપિયા 1 લાખનો દંડ વસૂલવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન ચાલુ રહે તો દરરોજ રૂપિયા 10 હજારનો દંડ થઈ શકે છે. ઓનસાઇટ પ્લાન્ટ લાઇસન્સ વિના ચાલુ રાખવામાં આવે તો પ્રતિદિન રૂપિયા 1 હજારનો દંડ વસૂલવાની જોગવાઈ છે. બંને પ્રકારના પ્લાન્ટ માટે લાઇસન્સ ટુ યુઝ સર્ટિફિકેટની માન્યતા એક વર્ષની રહેશે. તેની સમયમર્યાદા પૂરી થાય તેના 30 દિવસ પહેલાં નવી અરજી કરવાની રહેશે. હાલમાં કોર્પોરેશનની હદમાં ચાલતા RMC પ્લાન્ટને પણ માર્ગદર્શિકા જાહેર થયાના 60 દિવસમાં અરજી કરવી પડશે.

શહેરમાં 19 RMC પ્લાન્ટ કાર્યરત

ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે અગાઉ કોર્પોરેશન પાસે RMC પ્લાન્ટ સ્થાપવા માટે કોઈ નીતિ નહોતી. હવે આ અંગે પોલિસી તૈયાર કરવામાં આવી છે. હાલમાં કોર્પોરેશનની હદમાં આશરે 19 RMC પ્લાન્ટ કાર્યરત છે. જોકે, અમદાવાદની હવાની ગુણવત્તા અંગે અને નવી પોલિસીથી પ્રદૂષણ વધવાની શક્યતા અંગે પૂછવામાં આવતાં ચેરમેન તરફથી સ્પષ્ટ જવાબ મળ્યો નહોતો.

પ્રદૂષણ નિયંત્રણના નિયમોનો અમલ કેટલો થશે?

નવી પોલિસીમાં ગ્રીન નેટ, સ્પ્રિંકલર, એર ક્વોલિટી મોનિટર અને એન્ટી સ્મોગ મશીન જેવી વ્યવસ્થાઓ ફરજિયાત કરવામાં આવી છે. જોકે, બાંધકામ સાઇટ પર RMC પ્લાન્ટની સંખ્યા વધે તો ધૂળ અને અન્ય પ્રદૂષણને નિયંત્રિત રાખવા માટે નિયમોનું નિયમિત નિરીક્ષણ અને અમલીકરણ મહત્ત્વનું રહેશે. શહેરમાં હવાની ગુણવત્તા અંગે ચિંતા વચ્ચે હવે સવાલ એ છે કે નવી પોલિસી હેઠળ પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપવાની સાથે પ્રદૂષણ નિયંત્રણની શરતોનું પાલન પણ એટલી જ કડકાઈથી કરાવવામાં આવશે કે નહીં. કારણ કે માત્ર નિયમો ઘડવાથી નહીં, પરંતુ તેનો અસરકારક અમલ થવાથી જ શહેરીજનોને પ્રદૂષણથી રાહત મળી શકે છે.

આ વર્ષે એકપણ દિવસ હવા શુદ્ધ નથી રહી

2026માં એકપણ દિવસ હવા શુદ્ધ નથી રહી. 2026ના 286 દિવસમાં એક્યુઆઈ 72થી 168 સુધી રહ્યું છે. દિવસમાંથી 179 દિવસ હવા મોડરેટડ રહી છે. જ્યારે 60 દિવસ ખરાબ, 44 દિવસ અનહેલ્ધી અને બે દિવસથી સૌથી ખરાબ હવા રહી છે. શિયાળાની સિઝનમાં સૌથી વધુ હવા ખરાબ રહી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં સૌથી ખરાબ રહી છે. ત્યારે હવે તેને મંજૂરી શિયાળા પહેલાં જ આપવામાં આવી છે. બોર્ડમાં પણ શિયાળા પહેલાં જ મંજૂરી મળી જશે તેવી અટકળો સેવાઈ રહી છે.

ડમ્પર, રેડિમેડ મિક્સર મશીન સહિતના ભારે વાહનથી સાડા પાંચ વર્ષમાં 521 અકસ્માતમાં 270 નાગરિકો કચડાયા

અમદાવાદ શહેરમાં ધમધમતી રિયલ એસ્ટેટ સાઇટ્સ અને લોજિસ્ટિક્સ ટ્રાન્સપોર્ટ વચ્ચે બેફામ દોડતાં ડમ્પર, ટ્રક અને રેડી મિક્સ કોન્ક્રીટ મિક્સર જેવાં ભારે વાહનો જીવલેણ સાબિત થયાં છે. વર્ષ 2021થી જુલાઈ 2026 સુધીના સાડા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન શહેરમાં આ અતિભારે વાહનો દ્વારા કુલ 521 માર્ગ અકસ્માતો સર્જાયા છે, જેમાં 270 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 182 લોકો કાયમી ખોડખાંપણ કે ગંભીર ઇજાનો ભોગ બન્યા છે. શહેરીજનો માટે સૌથી મોટો ખતરો માટી અને રેતી વહન કરતાં ડમ્પરો બન્યાં છે. સાડા પાંચ વર્ષમાં ડમ્પરો દ્વારા 241 અકસ્માત સર્જાયા છે, જેમાંથી અડધાથી વધુ એટલે કે 131 વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હતાં. આ સમયગાળામાં ડમ્પરથી 82 ગંભીર અને 28 સામાન્ય અકસ્માત નોંધાયા છે. વર્ષ 2023માં એકલા ડમ્પરોએ રેકોર્ડબ્રેક 37 લોકોનો ભોગ લીધો હતો. બીજી તરફ, માલવાહક ટ્રકો દ્વારા આ સમયગાળામાં 212 અકસ્માત નોંધાયા છે, જેમાં 106 લોકોનાં મોત થયાં છે અને 74 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત, શહેરમાં ચાલી રહેલા બાંધકામોમાં સિમેન્ટ પહોંચાડતાં રેડી મિક્સ કોન્ક્રીટ મિક્સર વાહનો દ્વારા 68 અકસ્માત સર્જાયા છે, જેમાં 33 જીવલેણ, 26 ગંભીર અને 9 સામાન્ય અકસ્માતનો સમાવેશ થાય છે.