Ahmedabad

AMCના 3 મોટા નિર્ણય... વેપારીઓને મળી રાહત, બ્રિજ મોડો કરનારને દંડ અને તિરંગા યાત્રાનું આયોજન

By GS Team
6 Aug 20263 mins read
TukuTouch Logo
અમદાવાદ AMC સ્ટેન્ડિંગ કમિટીએ 3 મહત્વના નિર્ણય લીધા છે. રામોલ બ્લાસ્ટ બાદ સીલ થયેલી ફટાકડાની દુકાનોને રક્ષાબંધનના સિઝનલ વેપાર માટે શરતી મંજૂરી મળી છે. જોકે, ફટાકડા વેચવા ફાયર NOC સહિત 3 મંજૂરી ફરજિયાત રહેશે. નરોડા પાટિયાથી ગેલેક્સી સિનેમા ફ્લાયઓવરમાં વિલંબ બદલ કોન્ટ્રાક્ટરને 50 લાખનો દંડ થયો છે. જુલાઈ 2027 સુધીમાં બ્રિજ પૂર્ણ થશે. 11 ઓગસ્ટે રાયપુરથી સારંગપુર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

AMCના 3 મોટા નિર્ણય... વેપારીઓને મળી રાહત, બ્રિજ મોડો કરનારને દંડ અને તિરંગા યાત્રાનું આયોજન

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) ખાતે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વેપાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીને સાંકળતા ત્રણ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં પ્રથમ નિર્ણય મુજબ, રામોલ બ્લાસ્ટ બાદ BU પરમિશન અને અન્ય મંજૂરીઓના અભાવે સીલ થયેલા ફટાકડાના એકમોને માત્ર રક્ષાબંધનના સિઝનલ વેપાર માટે દુકાનો ખોલવાની શરતી મંજૂરી અપાઈ છે, પરંતુ ફટાકડાના વેચાણ માટે ફાયર NOC સહિતની ત્રણેય મંજૂરીઓ ફરજિયાત રહેશે.

AMCના 3 મોટા નિર્ણય

બીજા નિર્ણયમાં, નરોડા પાટિયાથી ગેલેક્સી સિનેમા સુધીના ફ્લાયઓવરની કામગીરીમાં જમીન સંપાદનના પ્રશ્નોને લીધે થયેલા વિલંબ બદલ કોન્ટ્રાક્ટરને રૂપિયા 50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને પ્રોજેક્ટ પૂર્ણ કરવાની મુદત જુલાઈ 2027 સુધી લંબાવવામાં આવી છે. જ્યારે ત્રીજા નિર્ણય અંતર્ગત, વડાપ્રધાનના 'હર ઘર તિરંગા' આહવાનને પગલે 11 ઓગસ્ટે રાયપુર બિગ બજારથી સારંગપુર સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજવાનું નક્કી કરાયું છે, જેને આગામી દિવસોમાં શહેરના તમામ 48 વોર્ડમાં વ્યાપક રીતે આગળ વધારવામાં આવશે.

વેપારીઓને મળી રાહત

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે, રામોલ ફેક્ટરી બ્લાસ્ટ બાદ અમદાવાદમાં ફટાકડાના વેપાર સાથે સંકળાયેલા અનેક એકમો સીલ કરાયા હતા. જેમાં ફાયર એનઓસી, પોલીસ મંજૂરી અને બીયુ પરમિશન વગરના એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મોટાભાગના વેપારીઓ પાસે ફાયર એનઓસી અને પોલીસ મંજૂરી હતી, પરંતુ બીયુ પરમિશન ન હોવાથી દુકાનો સીલ કરવામાં આવી હતી. વેપારીઓની રજૂઆત બાદ માત્ર રક્ષાબંધનના સિઝનલ ધંધા માટે દુકાનો ખોલવાની શરતી મંજૂરી આપવામાં આવી છે. દુકાનદારો પાસેથી બોન્ડ લેવામાં આવ્યો કે જરૂરી મંજૂરી ન મળે ત્યાં સુધી ફટાકડાનો વેપાર નહીં કરે. હાલ દુકાનોમાં માત્ર રાખડી સહિતનો સિઝનલ માલ વેચવાની જ મંજૂરી છે. ફટાકડાનો વેપાર કરવા માટે ફાયર એનઓસી, પોલીસ મંજૂરી અને બીયુ પરમિશન ત્રણેય ફરજિયાત રહેશે.

અગાઉની ફાયર એનઓસી રદ કરવામાં આવી હોવાથી ફરીથી નવી મંજૂરી લેવી પડશે. રક્ષાબંધન બાદ ફરી ચકાસણી કરવામાં આવશે અને નિયમોના પાલન પર નજર રાખવામાં આવશે. નિયમોનું પાલન કર્યા વગર કોઈપણ વેપારીને ફટાકડાના વેચાણની મંજૂરી આપવામાં આવશે નહીં.

બ્રિજ મોડો કરનારને દંડ અને તિરંગા યાત્રાનું આયોજન

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, નરોડા પાટિયાથી ગેલેક્સી સિનેમા એટલે કે ઇલેક્ટ્રા ચાર રસ્તા સુધી ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે. બ્રિજનું કામ 16 જુલાઈ, 2023ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ રચના કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યો હતો. જમીન સંપાદનની પ્રક્રિયામાં વિલંબ થતાં કામગીરી પ્રભાવિત થઈ છે. પ્રોજેક્ટની મોટાભાગની જમીન વન વિભાગની હોવાથી મંજૂરીમાં સમય લાગ્યો હતો. વિલંબ બદલ કોર્પોરેશને રચના કન્સ્ટ્રક્શન પર રૂપિયા 50 લાખનો દંડ ફટકાર્યો. મૂળ કરાર મુજબ 36 મહિનામાં એટલે કે 15 જુલાઈ, 2026 સુધી કામ પૂર્ણ થવાનું હતું. કામગીરી પૂર્ણ ન થતાં પ્રોજેક્ટને વધુ એક વર્ષનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું. હવે બ્રિજનું કામ જુલાઈ 2027 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

તેમજ, સમગ્ર દેશમાં 'હર ઘર તિરંગા' અભિયાનની ઉજવણી ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 11 ઓગસ્ટે રાયપુરના બિગ બજારથી તિરંગા યાત્રા શરૂ થશે. યાત્રાનો રૂટ રાયપુર બિગ બજારથી રાયપુર દરવાજા ચકલાથી સારંગપુર રહેશે. શહેર અને પ્રદેશના આગેવાનો યાત્રામાં ઉપસ્થિત રહેશે. અમદાવાદના તમામ 48 વોર્ડમાં પણ આવી જ તિરંગા યાત્રાઓ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સમગ્ર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનને આગળ વધારવામાં આવશે.