Ahmedabad

અમદાવાદ: એક જ કંપનીને અનુકૂળ શરતો ધરાવતું ₹398 કરોડનું સ્ટ્રીટલાઇટ ટેન્ડર રદ, હવે નવેસરથી પ્રક્રિયા હાથ ધરાશે

By GS Team
21 Nov 20263 mins read
TukuTouch Logo
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું રૂ. 398.41 કરોડનું સ્ટ્રીટલાઇટ ટેન્ડર રદ કરવામાં આવ્યું છે. ગુજરાત સમાચાર ડિજિટલના અહેવાલો બાદ આ નિર્ણય લેવાયો, જેમાં ટેન્ડરની શરતો એક જ કંપનીને અનુકૂળ હોવાનો ખુલાસો થયો હતો. હવે કમિશનરની સૂચના મુજબ નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. આ ટેન્ડરથી શહેરના સ્ટ્રીટલાઇટના સંચાલન અને જાળવણી પર અસર થશે, અને આગામી 6 મહિના સુધી કામચલાઉ વ્યવસ્થા ચાલુ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: એક જ કંપનીને અનુકૂળ શરતો ધરાવતું ₹398 કરોડનું સ્ટ્રીટલાઇટ ટેન્ડર રદ, હવે નવેસરથી પ્રક્રિયા હાથ ધરાશે

Ahmedabad 398 Crore Streetlight Tender Scrapped: અમદાવાદમાં સ્ટ્રીટલાઇટના ઓપરેશન અને મેન્ટેનન્સ તેમજ CMS(સેન્ટ્રલાઇઝ્ડ મેનેજમેન્ટ સિસ્ટમ) લગાવવાના રૂ.398.41 કરોડના ટેન્ડરને આખરે સ્ક્રેપ કરવામાં આવ્યું છે. ટેન્ડરની શરતો એક જ કંપનીને અનુકૂળ આવે તે રીતે તૈયાર કરવામાં આવી હોવાના ગુજરાત સમાચાર ડિજિટલમાં અહેવાલ પ્રસારીત થયા બાદ કોર્પોરેશન દ્વારા આ ટેન્ડર રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કમિશનરની સૂચના મુજબ નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

₹398 કરોડનું સ્ટ્રીટલાઇટ ટેન્ડર રદ

ગુજરાત સમાચાર ડિજિટલ દ્વારા અગાઉ આ ટેન્ડરની શરતો અને તેની પાછળની પ્રક્રિયા અંગે અનેક વખત સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ટેન્ડરમાં એવી શરતો મૂકવામાં આવી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો, જેના કારણે એક જ કંપનીને ટેન્ડરમાં ભાગ લેવા અથવા લાયકાત મેળવવામાં અનુકૂળતા રહે તેવી સ્થિતિ ઊભી થતી હતી. આ ઉપરાંત, શહેરના સાત ઝોન માટે અલગ-અલગ ટેન્ડર બહાર પાડવાને બદલે એક જ સેન્ટ્રલાઇઝ્ડ ટેન્ડર તૈયાર કરવામાં આવ્યું હતું. આ નિર્ણય સામે ધારાસભ્યો, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, કોર્પોરેટર સહિતના જનપ્રતિનિધિઓએ પણ વાંધો ઉઠાવ્યો હતો.

કમિશનરની સૂચના મુજબ ફરીથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે- અધિકારી

સ્ટ્રીટલાઇટ ખાતાના અધિકારીએ જણાવ્યું હતું કે, સ્ટ્રીટલાઇટના ઓપરેશન અને મેન્ટેનન્સનું ટેન્ડર સ્ક્રેપ કરવામાં આવ્યું છે. ટેન્ડર ભરવાનો છેલ્લો સમય 20 ઓક્ટોબર 6 વાગ્યા સુધીનો હતો. જોકે, તેની પહેલાં જ ટેન્ડર દૂર કરવામાં આવ્યું હતું. હવે કમિશનર સાહેબની સૂચના મુજબ નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે. એટલે કે અગાઉ બહાર પાડવામાં આવેલી ટેન્ડર પ્રક્રિયા રદ કરીને નવી શરતો સાથે ફરી ટેન્ડર તૈયાર કરવામાં આવશે.

સાત ઝોનમાં સાત ટેન્ડરની માગ ફરી ઉઠી

મહત્ત્વનું છે કે ધારાસભ્યો, સાંસદો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા અગાઉ શહેરના સાત ઝોનમાં સાત અલગ-અલગ ટેન્ડર બહાર પાડવાની સૂચના આપવામાં આવી હતી. અલગ ટેન્ડરથી એક જ કંપની પર નિર્ભરતા ઘટે અને વધુ કંપનીઓને તક મળે તેવો આ સૂચન પાછળનો હેતુ હતો. તેમ છતાં અધિકારીઓએ આ સૂચનને બદલે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ એમ બે ભાગમાં સેન્ટ્રલાઇઝ્ડ ટેન્ડર તૈયાર કર્યું હતું.

શનિવારે(21 નવેમ્બર) મળેલી સંકલન બેઠકમાં પણ આ મુદ્દો ફરી ઉઠ્યો હતો. મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટે ફરી એક વખત સાત ઝોનમાં સાત ટેન્ડર કરવાની રજૂઆત કરી હતી. તેના જવાબમાં કમિશનરે આ સૂચન પર વિચારણા કરવા જણાવ્યું હતું. હવે નવેસરથી ટેન્ડર તૈયાર થવાનું હોવાથી સાત ઝોનમાં અલગ ટેન્ડર કરવાની માગ સ્વીકારવામાં આવે છે કે નહીં તે જોવાનું રહેશે.

હેન્ડઓવર ટેકઓવરની પ્રક્રિયા પહેલાં જ સિટાલૂમને કમ્પ્લિશન સર્ટિફિકેટ આપી દેવાયું હતું

આ ટેન્ડર પ્રક્રિયા દરમિયાન સિટાલૂમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવેલા કમ્પ્લિશન સર્ટિફિકેટનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો. કંપનીનો અગાઉનો સ્ટ્રીટલાઇટ ઓપરેશન અને મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ જાન્યુઆરી 2025માં પૂર્ણ થયા બાદ હેન્ડઓવર-ટેકઓવરની પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જ તેને કમ્પ્લિશન સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું. આ કમ્પ્લિશન સર્ટિફિકેટ ટેન્ડર બહાર પડે તેના 11 દિવસ પહેલાં એટલે કે 5 ઓક્ટોબર 2026ના રોજ સ્ટ્રીટ લાઇટના ડેપ્યુટી એન્જિનિયરો દ્વારા સહી કરીને ઇશ્યું કરાયું હતું. ટેન્ડર 16 ઓક્ટોબરે જાહેર થયું હતું. આ સર્ટિફિકેટ પર એડિશનલ સિટી એન્જિનિયરની સહી નહોતી. કંપનીએ આ સર્ટિફિકેટના આધારે અન્ય કોર્પોરેશનમાં ટેન્ડર પણ ભર્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. આ મુદ્દે પણ ગુજરાત સમાચાર ડિજિટલ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

હવે છ મહિના સુધી કામચલાઉ વ્યવસ્થા પર નિર્ભરતા

બીજી તરફ, ટેન્ડર સ્ક્રેપ થયા બાદ હવે નવી ટેન્ડર પ્રક્રિયા તૈયાર કરવામાં અંદાજે છ મહિના જેટલો સમય લાગી શકે છે. સિટાલૂમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે જાન્યુઆરી 2025માં કામ છોડ્યા બાદથી કોર્પોરેશને સ્ટ્રીટલાઇટના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે કોઈ ફૂલટાઇમ કંપનીને જવાબદારી સોંપી નથી. છેલ્લા લગભગ બે વર્ષથી કામચલાઉ ધોરણે પેટા કોન્ટ્રાક્ટરો મારફતે કામગીરી કરાવવામાં આવી રહી છે. હવે નવી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ જ વ્યવસ્થા ચાલુ રાખવી પડશે.