અમદાવાદ AMCમાં નિવૃત્તિ બાદ પણ નોકરીનો સિલસિલો, RTIમાં 3 વર્ષમાં 210થી વધુ પુનઃનિયુક્તિનો ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad AMC Contractual Reappointment RTI Revelations: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)માં નિવૃત્તિ બાદ પણ અધિકારીઓ અને કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ફરીથી નોકરીમાં રાખવામાં આવતા હોવાના મામલે RTIમાં ચોંકાવનારી વિગતો સામે આવી હોવાનો કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, વર્ષ 2023-24, 2024-25 અને 2025-26 દરમિયાન જ 210થી વધુ નિવૃત્ત કર્મચારીઓ અને અધિકારીઓને ફરીથી કોન્ટ્રાક્ટ આધારિત કામગીરી સોંપવામાં આવી છે. જ્યારે વર્ષ 2015થી અત્યાર સુધીનો સમગ્ર આંકડો જોવામાં આવે તો સંખ્યા 1,000થી વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
હેમાંગ રાવલે આ મુદ્દે ગુજરાત સરકાર પાસે સમગ્ર રાજ્યમાં નિવૃત્તિ બાદ ફરીથી સરકારી, અર્ધસરકારી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નોકરી કરતા કર્મચારીઓ તથા અધિકારીઓનો સંપૂર્ણ ડેટા જાહેર કરવાની અને શ્વેતપત્ર બહાર પાડવાની માગ કરી છે. તેમના જણાવ્યા મુજબ, અમદાવાદમાં સામે આવેલી સ્થિતિને જોતા રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, બોર્ડ-નિગમો અને સરકારી વિભાગોમાં પણ આવી પુનઃનિયુક્તિઓનું પ્રમાણ કેટલું છે તે જાહેર થવું જરૂરી છે.
નિવૃત્તિ પછી ફરી નોકરી કેમ?
રાવલે સવાલ ઉઠાવ્યો છે કે, સરકારી સેવામાંથી નિવૃત્ત થયા બાદ કોઈ કર્મચારી કે અધિકારીને ફરીથી નોકરીમાં લેવાની જરૂરિયાત કયા સંજોગોમાં ઊભી થાય છે અને આવી નિમણૂક કયા નિયમ, ઠરાવ કે મંજૂરીના આધારે કરવામાં આવે છે. વિશેષ અનુભવ કે નિષ્ણાત સેવાની જરૂરિયાત હોય તો મર્યાદિત સમય માટે સેવા લેવી અલગ બાબત છે, પરંતુ નિવૃત્તિ બાદ વર્ષો સુધી એ જ વ્યક્તિને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે તો તે નિયમિત ભરતીના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાઈ રહી છે કે કેમ તે અંગે સ્પષ્ટતા થવી જોઈએ તેવી માગ કરવામાં આવી છે.
વેતન નક્કી કરવાની પદ્ધતિ સામે પણ સવાલ
નિવૃત્ત કર્મચારીઓને ફરીથી કોન્ટ્રાક્ટ પર રાખ્યા બાદ તેમને આપવામાં આવતા વેતન અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. કેટલાક કિસ્સામાં ફિક્સ પગાર, કેટલાકમાં નિવૃત્તિ સમયે મળતા બેઝિક પગારના આશરે 35 ટકા અને કેટલાક કિસ્સામાં ‘પે માઇનસ પેન્શન’ પદ્ધતિથી વેતન ચૂકવાતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આથી એક જ સંસ્થામાં નિવૃત્ત કર્મચારીઓ માટે અલગ-અલગ વેતન પદ્ધતિ કેમ અપનાવવામાં આવે છે અને કોને કઈ પદ્ધતિથી પગાર આપવો તેનો નિર્ણય કયા નિયમ હેઠળ થાય છે તે અંગે પારદર્શકતા લાવવાની માગ કરવામાં આવી છે.
પગાર ઉપરાંત સુવિધાઓનો પણ હિસાબ માગ્યો
કોંગ્રેસના જણાવ્યા મુજબ, કેટલાક નિવૃત્ત અધિકારીઓને ફરીથી કામગીરી સોંપ્યા બાદ સરકારી વાહન, ડ્રાઇવર, રહેઠાણ, પટાવાળા અને મોબાઇલ સહિતની સુવિધાઓ પણ આપવામાં આવતી હોવાની માહિતી સામે આવી છે. જો આવું હોય તો આવા અધિકારીઓ પાછળ પગાર ઉપરાંત કુલ કેટલો જાહેર ખર્ચ થાય છે તેનો પણ વર્ષવાર અને અધિકારીવાર હિસાબ જાહેર કરવો જોઈએ તેવી માગ કરવામાં આવી છે.
નવા ભરતીના બદલે નિવૃત્ત અધિકારીઓને જ તક કેમ?
હેમાંગ રાવલે કહ્યું કે, એક તરફ રાજ્યના યુવાનો સરકારી નોકરી માટે પરીક્ષાઓ આપી ભરતીની રાહ જોઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ નિવૃત્તિ બાદ પણ એ જ કર્મચારીઓ અને અધિકારીઓને લાંબા સમય સુધી ફરીથી સરકારી સંસ્થાઓમાં રાખવામાં આવે છે. જ્યાં ખાલી જગ્યાઓ હોય ત્યાં નિયમિત કર્મચારીઓને પ્રમોશન આપવું અથવા નવી ભરતી કરવી જોઈએ, પરંતુ નિવૃત્ત કર્મચારીઓને વારંવાર કોન્ટ્રાક્ટ લંબાવવાની પ્રથા યોગ્ય નથી.
10 વર્ષમાં 200 કરોડ રૂપિયાથી વધુ ખર્ચનો દાવો
કોંગ્રેસે એવો પણ દાવો કર્યો છે કે, છેલ્લા 10 વર્ષમાં માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ નિવૃત્તિ બાદ ફરીથી નોકરીમાં રાખવામાં આવેલા કર્મચારીઓ અને અધિકારીઓના પગાર તથા અન્ય સુવિધાઓ પાછળ અંદાજે 200 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હોઈ શકે છે. જોકે આ આંકડો સત્તાવાર નથી અને તેનો વાસ્તવિક હિસાબ જાણવા માટે વર્ષવાર, કર્મચારીવાર અને વિભાગવાર વિગતો જાહેર કરીને વિશેષ ઓડિટ કરાવવાની માગ કરવામાં આવી છે.
જવાબદારી સામે પણ મોટો પ્રશ્ન
નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ પર કામગીરી કરતા કોઈ અધિકારી સામે નાણાકીય ગેરરીતિ કે ભ્રષ્ટાચારના આક્ષેપો થાય તો તેની સામે કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે અને થયેલા નુકસાનની વસૂલાત કઈ રીતે થશે તે અંગે પણ રાવલે સવાલ ઉઠાવ્યો છે. નિયમિત કર્મચારી અને નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ પર કામ કરતા વ્યક્તિ સામેની કાર્યવાહી અલગ હોઈ શકે છે, તેથી આવી નિમણૂક પહેલાં જવાબદારી અને કાયદાકીય જોગવાઈ સ્પષ્ટ હોવી જોઈએ તેવી માંગ છે.
સમગ્ર ગુજરાતનો ડેટા જાહેર કરવાની માગ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસે છેલ્લા 10 વર્ષમાં રાજ્યના તમામ સરકારી વિભાગો, બોર્ડ-નિગમો, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને અન્ય સરકારી સંસ્થાઓમાં નિવૃત્તિ બાદ ફરીથી નોકરી, કોન્ટ્રાક્ટ, સલાહકાર અથવા અન્ય સ્વરૂપે કામગીરી કરતા કર્મચારીઓ અને અધિકારીઓની વિગતો જાહેર કરવાની માગ કરી છે.
આ સાથે તેમને કયા નિયમ અને મંજૂરી હેઠળ પુનઃનિયુક્ત કરવામાં આવ્યા, કેટલો પગાર ચૂકવાયો અને પગાર ઉપરાંત કઈ સરકારી સુવિધાઓ આપવામાં આવી તેની વિગતો પણ જાહેર કરવાની માગ કરવામાં આવી છે. નિવૃત્ત કર્મચારીનો અનુભવ જરૂરિયાત મુજબ લેવો અલગ બાબત છે, પરંતુ વર્ષો સુધી કોન્ટ્રાક્ટ લંબાવવાની પ્રથાને બદલે નિયમિત કર્મચારીઓને પ્રમોશન અને નવી જગ્યાઓ પર લાયક યુવાનોની ભરતી કરવાની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ તેવી કોંગ્રેસની માગ છે.




