AMCએ થલતેજ, સોલા, બોડકદેવ સહિત વિવિધ વિસ્તારોના 15 પ્લોટ 1980 કરોડમાં વેચવા કાઢ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC Lists 15 Valuable Plots for Sale: અમદાવાદ મ્યુનિસિપલના ગત ટર્મના સત્તાધીશોએ બજેટનું કદ વધારીને 18,500 કરોડ રૂપિયા સુધી પહોંચાડી દીધું છે. રૂપિયા ક્યાં જશે? તેનો તો બધાને ખ્યાલ હોય છે, પરંતુ રૂપિયો ક્યાંથી આવશે? તેનો વિચાર આજના રાજકારણીઓ કરતા નથી. લોકોને વિકાસ બતાવવા માટે બજેટનું કદ વધારતા જ જાય છે. પછી ભલે જમીનીસ્તર પર આવકના સ્ત્રોત ખૂબ જ સીમિત હોય! શાસકોએ વધારી દીધેલા બજેટના આ આંકડાને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ 1980 કરોડ રૂપિયામાં 15 કિંમતી પ્લોટ વેચવા કાઢ્યા છે.
40 હજારથી 3.10 લાખ રૂપિયા સુધીની બેઝ પ્રાઈઝ
અમદાવાદ શહેરના થલતેજ, સોલા, બોડકદેવ, ચાંદખેડા, ગોતા, મોટેરા, વટવા વગેરે વિસ્તારમાં ટીપી સ્કીમ હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળેલા રિઝર્વ 15 પ્લોટ વેચવાનું આયોજન કરાયું છે. જેમાં 8 કમર્શિયલ પ્લોટ અને 7 રહેણાંક હેતુ માટેના પ્લોટ છે. વિસ્તાર મુજબ આ પ્લોટની પ્રતિ ચોરસ મીટર 40 હજારથી 3.10 લાખ રૂપિયા સુધીની બેઝ પ્રાઈઝ નક્કી કરવામાં આવી છે.

સાયન્સ સિટી રોડ પર આવેલા પ્લોટ માટે સૌથી વધુ 345 કરોડ રૂપિયા મ્યુનિસિપલને મળશે. જ્યારે વિસ્તારની દ્રષ્ટિએ મોટેરામાં સૌથી મોટો 16 હજાર ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળનો પ્લોટ વેચવામાં આવશે. પ્રતિ ચોરસ મીટર મુજબ વટવા વિસ્તારમાં સૌથી ઓછી રકમ 40 હજાર અને બોડકદેવમાં રાજપથ ક્લબ પાછળ સૌથી વધુ રકમ 3.10 લાખ રાખવામાં આવી છે. હાલ આ માટેની પ્રક્રિયા શરૂ કરાઈ છે. જરૂરિયાત અનુસાર પ્લોટ માટે નક્કી કરાયેલી બેઝ પ્રાઈઝ કરતા વધારે રકમ પણ મ્યુનિસિપલને મળી શકે છે. અથવા તો પ્લોટનો કોઈ લેવાલ ન મળે તેવું પણ બની શકે છે.









