AMCના 3,832 કેસ કોર્ટમાં પેન્ડિંગ: વકીલો પાછળ કરોડોનો ધુમાડો, નિકાલમાં લાગશે 3 વર્ષ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC Pending Court Cases: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સુપ્રિમ કોર્ટ, હાઈકોર્ટ, સિટી સિવિલ કોર્ટ સહિતની વિવિધ અદાલતોમાં કુલ 3,832 કેસ પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે. જેમાં સૌથી વધુ 1,876 કેસ હાઈકોર્ટમાં, જ્યારે સુપ્રિમ કોર્ટમાં 56 કેસ બાકી છે. બીજી તરફ, જુલાઈ મહિનામાં કોર્પોરેશન વિરુદ્ધના 113 કેસોની સુનાવણી થઈ હતી. આમ, જો દર મહિને સરેરાશ 113 કેસોની જ સુનાવણી અને નિકાલ થાય તો હાલના 3,832 કેસનો નિકાલ કરવામાં અંદાજે 34 મહિના એટલે કે લગભગ 3 વર્ષનો સમય લાગી શકે છે. જો કે, આ દરમિયાન નવા કેસ દાખલ થશે તે અલગ બાબત છે. મહત્ત્વનું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે વકીલોની ફી પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચ કરે છે છતાય કોર્ટનો ભરાવો સમયની સાથે વધતો જાય છે.
જુલાઈમાં કોર્પોરેશન વિરુદ્ધ 9, તરફેણમાં 104 કેસના ચુકાદા
જુલાઈ મહિનામાં કોર્પોરેશનના 113 કેસોની ચુકાદો આવ્યો છે. આ કેસોમાં કુલ 9 ચુકાદા કોર્પોરેશનની વિરુદ્ધમાં આવ્યા હતા. જેમાં હાઈકોર્ટમાં 7, જ્યારે સિટી સિવિલ કોર્ટ અને ગ્રામ્ય કોર્ટમાં 1-1 કેસનો ચુકાદો કોર્પોરેશન વિરુદ્ધ આવ્યો હતો. બીજી તરફ, આ જ સમયગાળામાં 104 કેસના ચુકાદા કોર્પોરેશનની તરફેણમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
ટી.પી. -301માં આવેલા પ્લોટનો કબજો સોંપવા હાઈકોર્ટનો આદેશ
કોર્પોરેશન વિરુદ્ધ આવેલા કેસોમાં ટી.પી. સ્કીમ નંબર 301 (ભાડજ-શિલજ-હેબતપુર)ના એફ.પી. નંબર 19/2 અને 19/3 અંગે હાઈકોર્ટ દ્વારા પિટિશનરને કબજો સોંપવાનો હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ધાર્મિક દબાણો દૂર કરવા, અન્ય સ્થળે ખસેડવા અથવા નિયમિત કરવા અંગે દર છ મહિને હાઈકોર્ટમાં રિપોર્ટ ફાઇલ કરવા રાજ્ય સરકારને આદેશ કરવામાં આવ્યો છે. એક અન્ય મામલામાં કોર્પોરેશન દ્વારા અરજદારની જમા રકમ ફોરફીટ કરવાના નિર્ણયને રદ કરવામાં આવ્યો હતો. સાથે જ ચાર અઠવાડિયામાં 23.92 લાખ રૂપિયાની ઈએમડી ડિપોઝિટ કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
એકા ક્લબનો ટેક્સ વિવાદ સાત વર્ષથી પેન્ડિંગ
આ દરમિયાન કોર્પોરેશનની લીગલ કમિટીના ચેરમેન વિપુલ પટેલ ઉર્ફે સોમભાઈના જણાવ્યા મુજબ, એકા ક્લબ પર વ્યાજ સહિત 20 કરોડથી વધુનો ટેક્સ બાકી છે. આ મામલે વર્ષ 2019માં હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એક તબક્કે આ કેસમાં કોર્પોરેશનને હાર મળી હતી અને હવે કોર્પોરેશન દ્વારા વકીલ બદલવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું છે.એકા ક્લબની માગ છે કે વ્યવસાયિક ક્લબની જેમ તેના પર ફેક્ટર-6 મુજબ ટેક્સ વસૂલવામાં ન આવે. અમે સ્પોર્ટ્સની સુવિધા પૂરી પાડે છે, તેથી ફેક્ટર-2 મુજબ ટેક્સ વસૂલવામાં આવે તેવી તેની દલીલ છે. આ મામલો છેલ્લા સાત વર્ષથી કોર્ટમાં પેન્ડિંગ હોવાનું પણ તેમણે જણાવ્યું છે.









