અમદાવાદ: 1 મહિનામાં ઘી, માવા, પનીર સહિતના 27 નમૂના અપ્રમાણિત જાહેર, 19 એકમો સામે સીલિંગ-ક્લોઝરની કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC Food Department Inspection Ahmedabad: અમદાવાદમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવાના હેતુથી કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં એક મહિનામાં ઘી, માવા, પનીર, બટર, સોસ સહિતના 27 ખાદ્યપદાર્થોના નમૂના અપ્રમાણિત જાહેર થયા છે. 1 ઑક્ટોબરથી 2 નવેમ્બર, 2026 દરમિયાન શહેરના વિવિધ ઝોનમાં કુલ 841 નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનારા 19 ખાદ્ય ધંધાકીય એકમો સામે સીલિંગ અને ક્લોઝરની કાર્યવાહી કરવામાં આવી છે.
કોર્પોરેશનના હેલ્થ વિભાગની ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ-2006 હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યપદાર્થોનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વિતરણ કરતાં એકમોમાં તપાસ કરવામાં આવી હતી. છેલ્લા એક મહિનામાં કુલ 2,226 એકમોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. તપાસમાં 660 એકમોને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે 11.28 લાખ રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
ઘી, માવા, પનીર સહિતના નમૂના અપ્રમાણિત
ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂનાઓમાં દૂધ અને દૂધની બનાવટો, અલગ અલગ પ્રકારની મીઠાઈ, ફાફડા-જલેબી, નમકીન, બેસન-લોટ, ખાદ્યતેલ, મસાલા સહિતના ખાદ્યપદાર્થોનો સમાવેશ થાય છે. અપ્રમાણિત જાહેર થયેલા નમૂનાઓમાં ઘી, બટર, ટોમેટો સોસ, દાબેલી, પફ, પનીર, માવો, મેથી, મીઠો માવો સહિતના ખાદ્યપદાર્થોનો સમાવેશ થાય છે.
TPC વધુ અને અસ્વચ્છતાને કારણે પણ કાર્યવાહી
ચેકિંગ દરમિયાન કેટલાક એકમોમાં ખાદ્યપદાર્થો તળવા માટે વપરાતા તેલમાં TPCનું પ્રમાણ વધુ હોવાનું સામે આવ્યું હતું. વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા એક ગાંઠિયા એકમમાં TPCનું પ્રમાણ 32 નોંધાયું હતું, જ્યારે નારણપુરાના પલ્લવનગર સોસાયટી વિસ્તારમાં આવેલા માં ભજીયા-પકોડા એકમમાં TPCનું પ્રમાણ 27.5 નોંધાયું હતું. આ બંને એકમોમાં અસ્વચ્છતાની સ્થિતિને પણ કાર્યવાહીનું કારણ દર્શાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત માન્ય FSSAI લાઇસન્સ કે રજિસ્ટ્રેશન ન હોવું, અસ્વચ્છ પરિસ્થિતિમાં ખાદ્યપદાર્થોનું ઉત્પાદન થવું, સોસ બનાવવામાં વપરાતા મટિરિયલમાં વિસંગતતા અને વપરાયેલા તેલના નિકાલ માટે માન્ય કોન્ટ્રાક્ટ ન હોવા જેવા કારણોસર પણ એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વટવામાં આવેલા ભારત ફૂડ એકમ સામે અગાઉ લેવાયેલા સોસના ત્રણ નમૂના અપ્રમાણિત જાહેર થયા હોવાના આધારે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
છેલ્લા એક મહિનામાં 1,345 કિલોગ્રામ અને 1,289 લિટર ખાદ્યપદાર્થનો નાશ કરવામાં આવ્યો
છેલ્લા એક મહિનામાં ચેકિંગ દરમિયાન કુલ 1,345 કિલોગ્રામ અને 1,289 લિટર ખાદ્યપદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખાદ્યતેલની ગુણવત્તા ચકાસવા માટે 614 TPC ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હેલ્થ વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ખાદ્ય ધંધાકીય એકમોમાં સ્વચ્છતા અને લાઇસન્સ-રજિસ્ટ્રેશન અંગે સઘન ચેકિંગ કરવાની જાહેરાત કરવામાં આવી છે. નિયમોનું પાલન ન કરતા એકમો સામે FSSAI અને GPMC એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
અપ્રમાણિત જાહેર થયેલા મુખ્ય સેમ્પલ અને એકમો
- ગુજરાત ડેરી (દરિયાપુર): લુઝ ઘી
- ઓમ ફૂડ સેન્ટર (સરખેજ): બટર (ઓછી ફેટ ટકાવારી)
- જનતા ફાસ્ટ ફૂડ (મણીનગર): ટોમેટો સોસ
- શ્યામબાગ (હાથીજણ): મસ્કાબનનો મસ્કો
- શ્રીજી દાબેલી એન્ડ વડાપાઉ (ઘાટલોડીયા): દાબેલી
- રાધે શ્યામ પકોડી સેન્ટર (ભાડજ): પાણીપુરીનું પાણી
- આઈ શ્રી ખોડિયાર ગૃહ ઉદ્યોગ (ગોતા): બટાકા/ટોમેટો પેસ્ટ (સબસ્ટાન્ડર્ડ), ફ્રૂટ ક્રશ (અનસેફ)
- MJF FOOD (બહેરામપુરા): સ્નેક ટોચઅપ (સબસ્ટાન્ડર્ડ + અનસેફ)
- સુરતી લાઇવ ઢોકળા (નિકોલ): બટર
- વિજય ડેરી (વસ્ત્રાલ): લુઝ ઘી
- તુલસી માવા સેન્ટર (અસારવા): ગાયનું ઘી
- કનૈયાલાલ માવાવાળા (સરસપુર): મીઠો માવો
સીલ/કલોઝર કરાયેલા મુખ્ય એકમો અને કારણો
- અસરફી મટન એન્ડ ચિકન (કૃષ્ણનગર): FSSAI લાયસન્સનો અભાવ અને ગંદકી
- અરમાન બેકરી (રખિયાલ): માન્ય લાયસન્સ વગર વેચાણ અને અસ્વચ્છતા
- MJF FOOD (બહેરામપુરા): સોસ મટીરિયલમાં વિસંગતતા અને અસ્વચ્છતા
- આઈ શ્રી ખોડિયાર ગૃહ ઉદ્યોગ (ગોતા): સોસ બનાવવામાં ગેરરીતિ અને ગંદકી
- વસ્ત્રાપુર ગાંઠીયા (વસ્ત્રાપુર): તળવાના તેલનું TPC 32 મળતાં અને ગંદકી
- પ્રકાશકુમાર કનૈયાલાલ / અમરતલાલ કુબેરદાસ (ગાંધી રોડ): બળેલા તેલના નિકાલનો કોન્ટ્રાક્ટ ન હોવો
- એચ.એમ. વરખવાલા (કાલુપુર): ડુપ્લીકેટ વરખ મળી આવતાં
- માં ભજીયા પકોડા (નારણપુરા): તેલનું TPC 27.5 જણાતાં
- ભારત ફૂડ (વટવા): અગાઉ લીધેલા સોસના 3 નમૂના અપ્રમાણિત હોવા અને ગંદકી
જાન્યઆરીથી ઓક્ટોબર, 2026 સુધી 1 કરોડ રૂપિયાથી વધુ દંડ વસૂલાયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના ફૂડ વિભાગ દ્વારા ચાલુ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન કુલ 7,339 ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા છે અને તે પૈકી 327 સેમ્પલ અપ્રમાણિત થયા છે અને કુલ 1,01,65,800 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે 2025ના જાન્યુઆરીથી ઑક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન 4,071 નમૂના લેવામાં આવ્યા હતા અને તે પૈકી 131 નમૂના અપ્રમાણિત થયા હતા અને 62,11,600 રૂપિયાનો દંડ વસૂલ કરાયો હતો.




