Ahmedabad

AMCનો અજબ વહીવટ: ગાંધીનગર ચૂંટણીનું બહાનું ધરી દોઢ મહિને મળેલી વિવિધ કમિટીઓની બેઠકમાં નિર્ણયો મુલતવી, કામો અટવાયા!

By GS Team
9 Oct 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં AMCની રિક્રિએશનલ, કલ્ચર અને હેરિટેજ કમિટીની બેઠક દોઢ મહિના બાદ 9 ઑક્ટોબરે મળી. 11 કામો રજૂ થયા, પણ મહત્ત્વના કામોનો અભ્યાસ ન થતાં 3 કામો મુલતવી રહ્યા. કિડ્સ સિટી અને ટોય ટ્રેન અંગે નિર્ણય ન લેવાયો. ગાંધીનગર ચૂંટણીને કારણે અભ્યાસ અધૂરો રહ્યો. મેનપાવર સપ્લાય કરતી એજન્સીને 4 મહિનાનું એક્સટેન્શન અપાયું.

Summarized by AI; it may make mistakes. Check important info

AMCનો અજબ વહીવટ: ગાંધીનગર ચૂંટણીનું બહાનું ધરી દોઢ મહિને મળેલી વિવિધ કમિટીઓની બેઠકમાં નિર્ણયો મુલતવી, કામો અટવાયા!

AMC Committee Meeting: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ની રિક્રિએશનલ, કલ્ચર અને હેરિટેજ કમિટીની બેઠક દોઢ મહિના બાદ શુક્રવાર(9 ઑક્ટોબર)ના રોજ મળી હતી. છેલ્લે 31 ઑગસ્ટે મળેલી કમિટીની બેઠક બાદ 30 સપ્ટેમ્બરે બેઠક યોજાવાની હતી, પરંતુ ભાજપના કાર્યક્રમને કારણે તે રદ કરવી પડી હતી. લાંબા સમય બાદ મળેલી બેઠકમાં કુલ 11 કામો રજૂ કરવામાં આવ્યાં હતાં, છતાં મહત્ત્વના કામોનો પૂરો અભ્યાસ થયો ન હોવાનું સામે આવ્યું છે. ગાર્ડન ડેવલપમેન્ટના કામમાં સિંગલ ટેન્ડર આવતાં એક દરખાસ્ત પરત કરવામાં આવી હતી, જ્યારે કિડ્સ સિટીને પીપીપી મોડલ પર ડેવલપ કરવા અને ટોય ટ્રેનના ઓપરેશન-મેન્ટેનન્સના કામ આગામી બેઠક પર મુલતવી રાખવામાં આવ્યા હતા. આમ, દોઢ મહિના બાદ બેઠક મળી હોવા છતાં ત્રણ મહત્ત્વના કામો અંગે નિર્ણય થઈ શક્યો નહોતો.

ગાંધીનગરની ચૂંટણીના કારણે અભ્યાસ બાકી

કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હોવાથી ત્યાં જવાનું થતું હતું, જેના કારણે આ કામોનો અભ્યાસ થઈ શક્યો નહોતો. હવે અભ્યાસ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો કે, કમિટીની બેઠક લાંબા સમય બાદ મળી હોવા છતાં મહત્ત્વના કામોનો અભ્યાસ અધૂરો રહેતાં આયોજન અને તૈયારી સામે સવાલો ઊભા થયા છે.

આવક, સભ્યોની સંખ્યા અને મેનપાવર જેવા મામૂલી કામો મંજૂર

કમિટીમાં સ્વિમિંગ પુલની આવક, જિમ્નેશિયમ, સ્કેટિંગ રિંક તથા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સભ્યોની સંખ્યા અને આવક, પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓની સંખ્યા તથા આવક, સર્કલને પીપીપી મોડલ પર ડેવલપ કરવા અને મેનપાવર સપ્લાય કરતી એજન્સીને સમયવધારો આપવા સહિતનાં કામો મંજૂર કરવામાં આવ્યા હતા. બીજી તરફ, ગાર્ડન ડેવલપમેન્ટમાં સિંગલ ટેન્ડર આવતાં દરખાસ્ત પરત કરાઈ હતી. કિડ્સ સિટી અને ટોય ટ્રેન સંબંધિત કામોનો અભ્યાસ બાકી હોવાથી તેને નેક્સ્ટ કરવામાં આવ્યા હતા.

મેમાં કોન્ટ્રાક્ટ પૂરો થયો, જૂની એજન્સીને વધુ 4 મહિનાનું એક્સટેન્શન

ગાર્ડન સુપરવાઇઝર સપ્લાય કરતી ડી. આર. એન્ટરપ્રાઇઝનો કોન્ટ્રાક્ટ મે 2026માં પૂરો થઈ ગયો હતો. તેમ છતાં ગાર્ડન વિભાગ દ્વારા નવા ટેન્ડર માટેની કામગીરી કરવામાં આવી નહોતી. શુક્રવારની બેઠક પહેલાં કમિટીની ચારથી પાંચ બેઠકો મળી ચૂકી હોવા છતાં મેનપાવર સપ્લાયનું કામ રજૂ કરવામાં આવ્યું નહોતું. કોન્ટ્રાક્ટ પૂર્ણ થયાના આશરે ચાર મહિના બાદ જૂની એજન્સીને વધુ ચાર મહિના માટે સમયવધારો આપવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેને મંજૂરી આપવામાં આવી છે.

નવા ટેન્ડરની કામગીરી સમયસર ન થવા છતાં જૂની એજન્સીને ફરી સમયવધારો આપવામાં આવતાં વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. આ અંગે ચેરમેને જણાવ્યું હતું કે ગાર્ડન વિભાગને ચાર મહિનાની અંદર ટેન્ડર તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.

ઝાડની ડાળીઓથી સ્ટ્રીટ લાઇટ ઢંકાતી હોવાની રજૂઆત

કમિટીમાં ઝાડની ડાળીઓ અને પાંદડાંને કારણે સ્ટ્રીટ લાઇટ ઢંકાઈ જતી હોવાથી રસ્તા પર પૂરતો પ્રકાશ ન મળતો હોવાનો મુદ્દો પણ ઊભો થયો હતો. ચેરમેને આ સમસ્યાના ઉકેલ માટે ઝાડનું ટ્રિમિંગ કરવા સૂચના આપી હોવાનું જણાવ્યું હતું. જો કે, પ્રિ-મોન્સૂન કામગીરી દરમિયાન પણ ટ્રિમિંગ કરવામાં આવતું હોય છે, ત્યારે આટલા ટૂંકા ગાળામાં ડાળીઓ ફરીથી આટલી વધી ગઈ કે સ્ટ્રીટ લાઇટ ઢંકાઈ ગઈ તેવો સવાલ ઊભો થયો છે.

ગાર્ડનમાં સિક્યુરિટી ગાર્ડની ઉંમરનો મુદ્દો કમિટીમાં ઉઠ્યો

કમિટીમાં ગાર્ડનમાં તહેનાત સિક્યુરિટી ગાર્ડની ઉંમરનો મુદ્દો પણ ચર્ચાયો હતો. ગાર્ડનમાં ઉંમરલાયક સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવતા હોવાની રજૂઆત સાથે સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા હતા. ગાર્ડનમાં આવતા નાગરિકોની સુરક્ષા જાળવવા માટે સિક્યુરિટી ગાર્ડની યોગ્ય પસંદગી અને તેમની કામગીરી પર ધ્યાન આપવાની જરૂરિયાત પણ સામે આવી હતી.