અમદાવાદ: 'સ્ટ્રીટ લાઇટ' બાદ હવે 'સિટી સ્ક્વેર' વિવાદ, સત્તાધીશોને જાણ કર્યા વિના જ પ્રોજેક્ટ જાહેર કરતા AMCના અધિકારીઓ પાસે માગ્યો ખુલાસો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad AMC City Square Project Controversy: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)માં અધિકારીઓ અને સત્તાધીશો વચ્ચે સંકલનના અભાવનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અગાઉ સ્ટ્રીટ લાઇટના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે સાત ઝોનમાં સાત અલગ ટેન્ડર કરવાની સત્તાધીશોની રજૂઆત હોવા છતાં અધિકારીઓએ સેન્ટ્રલાઇઝ્ડ એક જ ટેન્ડર બહાર પાડ્યું હતું. હવે સિંધુ ભવન રોડ પરના 570 કરોડ રૂપિયાના સિટી સ્ક્વેર પ્રોજેક્ટને લઈને પણ આવો જ વિવાદ ઊભો થયો છે. પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત કરતાં પહેલાં ભાજપના વર્તમાન સત્તાધીશોને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. આ મામલે સત્તાધીશોએ કોર્પોરેશનના ઉચ્ચ ઇજનેરી અધિકારીઓને બોલાવી ખુલાસો માગ્યો હોવાની માહિતી મળી રહી છે.
સ્ટ્રીટ લાઇટ બાદ હવે કરોડોના સિટી સ્ક્વેર પ્રોજેક્ટ મામલે વિવાદ
બોડકદેવ વોર્ડના સિંધુ ભવન રોડ પર વૈશ્વિક કક્ષાનો સિટી સ્ક્વેર પ્રોજેક્ટ બનાવવાની યોજના છે. કોર્પોરેશન દ્વારા આ પ્રોજેક્ટ અંગેનો ટેન્ડર ગુરુવાર(29 ઓક્ટોબર)ના રોજ બહાર પાડ્યું હતુ. જો કે, જાહેરાત બાદ ભાજપના વર્તમાન સત્તાધીશોમાં નારાજગી જોવા મળી રહી છે. પ્રોજેક્ટની જાહેરાત પહેલાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતની વર્તમાન બોડીને તેની જાણ કરવામાં આવી નહોતી કે તેમની સાથે જરૂરી સંકલન કરવામાં આવ્યું નહોતું. એટલું જ નહીં, સમગ્ર પ્રોજેક્ટની ડિઝાઇન અંગે પણ સત્તાધીશોને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હોવાની ચર્ચા છે.
ઉચ્ચ અધિકારીઓ પાસેથી પ્રોજેક્ટની વિગત લેવાઈ
ગઈકાલે(29 ઓક્ટોબર) સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ મીડિયાને આ પ્રોજેક્ટ અંગે તેમને માહિતી ન હોવાનું જણાવ્યું હતું. આ ઘટનાક્રમ બાદ ઉચ્ચ ઇજનેરી અધિકારીઓને બોલાવીને પ્રોજેક્ટની વિગતો અને જાહેરાતની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા માગી હોવાનું માહિતી મળી છે.
પ્રોજેક્ટની મંજૂરી અગાઉની બોડી પાસેથી લેવાઈ હતી અને ટેન્ડર બે વર્ષ પછી બહાર પડાયું
ઉલ્લેખનીય છે કે, સિટી સ્ક્વેર પ્રોજેક્ટનો સમાવેશ વર્ષ 2024-25ના કોર્પોરેશનના વાર્ષિક બજેટમાં કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટને લગતી માહિતી અને મંજૂરીની પ્રક્રિયા તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના કાર્યકાળ દરમિયાન મેળવી લેવામાં આવી હોવાનું જાણવા મળે છે. જો કે, ત્યારબાદ વર્તમાન સત્તાધીશોને પ્રોજેક્ટની સંપૂર્ણ વિગતો રજૂ કર્યા વગર જાહેરાત કરવામાં આવતાં વિવાદ વકર્યો છે. હવે સત્તાધીશો ડિઝાઇનની મંજૂરી બાદ જ ટેન્ડર પ્રક્રિયા આગળ વધારવા માગે છે કે સમગ્ર ટેન્ડર રદ કરવાનો નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.
મોટો પ્રોજેક્ટ હોવાથી જાણ કરવી જોઈતી હતી: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ અંગે જણાવ્યું કે, '2024-25ના બજેટમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ હતી. તે સમયે પ્રોજેક્ટની મંજૂરી લેવામાં આવી હતી. આટલો મોટો પ્રોજેક્ટ હોય તો વર્તમાન બોડીને પણ આ અંગેની જાણ કરવી જોઈતી હતી. જે અમને કરાઈ નહોતી.'
અગાઉ સાત ઝોનમાં સાત ટેન્ડર કરવાની રજૂઆતને અવગણી સેન્ટ્રલાઇઝ્ડ ટેન્ડર કરાયું હતું
સ્ટ્રીટ લાઇટ ટેન્ડર વખતે પણ સત્તાધીશોની સાત ઝોનમાં સાત ટેન્ડર કરવાની રજૂઆતને અવગણીને અધિકારીઓએ સેન્ટ્રલાઇઝ્ડ ટેન્ડર કર્યું હોવાનો વિવાદ થયો હતો. હવે સિટી સ્ક્વેર પ્રોજેક્ટમાં પણ જાહેરાત પહેલાં વર્તમાન બોડીને વિશ્વાસમાં ન લેવાયાની ફરિયાદથી અધિકારીઓની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. કોર્પોરેશનમાં ચૂંટાયેલી બોડીની સૂચનાઓ અને વહીવટી તંત્રની કામગીરી વચ્ચે સંકલનનો અભાવ વારંવાર દેખાઈ રહ્યો છે.




