અમદાવાદ: રોડના કામ અધૂરા રાખનાર શ્રીજી ઇન્ફ્રાસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને બ્લેકલિસ્ટ કરાશે, AMCનો નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં રોડ રિસરફેસિંગના 9.02 કરોડ રૂપિયાથી વધુના 8 કામમાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જાન્યુઆરીમાં શ્રીજી ઇન્ફ્રાસ્પેસ પ્રાઇવેટ લિમિટેડને આ કામોનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો, પરંતુ અત્યાર સુધી એકપણ કામ સંપૂર્ણપણે પૂર્ણ થયું નથી. બે રોડનું કામ શરૂ કર્યા બાદ અધવચ્ચે અટકાવી દેવામાં આવ્યું છે. જ્યારે ચાર કામ તો હજુ શરૂ જ કરવામાં આવ્યા નથી. કામગીરીમાં ગતિ ન આવતા દરેક કામ માટે ત્રણ-ત્રણ વખત નોટિસ અને લીગલ નોટિસ આપવા છતાં સ્થિતિમાં સુધારો ન થતાં હવે સ્ટેન્ડિંગ કમિટીએ કંપનીને બ્લેકલિસ્ટ કરવા સૂચના આપી છે.
રોડના કામ અધૂરા રાખનાર શ્રીજી ઇન્ફ્રાસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને બ્લેકલિસ્ટ કરાશે
ચાંદખેડા વોર્ડમાં લક્ષ્મીનગર ગુજરાત હાઉસિંગ બોર્ડનો 290 મીટરનો રોડ અને કડિયાનાકાથી ગોવિંદનગર સુધીનો 565 મીટરનો રોડ રિસરફેસ કરવાનો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા બંને રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ બેઝવર્કની કામગીરી કર્યા બાદ કામ અધવચ્ચે જ છોડી દેવામાં આવ્યું હતું. કામ ફરી શરૂ કરવા માટે કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ લીગલ નોટિસ પણ આપવામાં આવી હોવા છતાં બાકીનું કામ પૂર્ણ કરવામાં આવ્યું ન હતું.
આ ઉપરાંત લાભે હનુમાન રોડ રિસરફેસિંગ, ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર 1045થી 1059 સુધીના રોડનું રિસરફેસિંગ, સુવર્ણ રેસિડેન્સીથી આગમન હાઇટ્સ સુધીના રોડનું રિસરફેસિંગ અને ઓમકાર લોટસથી કૌટિલ્ય સુધીના રોડનું રિસરફેસિંગ આ ચારેય કામ હજુ સુધી શરૂ જ કરવામાં આવ્યા નથી. આમ, કુલ 8 કામમાંથી બે કામ અધવચ્ચે અટકાવાયા છે અને ચાર કામ શરૂ જ થયા નથી.
બાકીના બે કામની સ્થિતિ પણ પૂર્ણ થયેલી નથી. એક કામમાં ડીબીએમનું કામ પૂર્ણ થયું છે. જ્યારે આઈઓસી રોડ, ઘનશ્યામ ડેરી સામે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં બી.એસ. સ્કૂલથી કડિયાનાકા સુધીના રોડ પર હાલ માત્ર ફૂટપાથનું કામ ચાલુ છે. એટલે કે, 9.02 કરોડ રૂપિયાથી વધુના ખર્ચના આઠેય કામમાંથી એકપણ કામ હજી સુધી પૂર્ણ થયું નથી.
ત્રણ વખત નોટિસ છતાં ગતિ નહીં
શ્રીજી ઇન્ફ્રાસ્પેસ પ્રાઇવેટ લિમિટેડને જાન્યુઆરીમાં 9.02 કરોડ રૂપિયાથી વધુના આ કામોનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. કામમાં જરૂરી ગતિ ન આવતા કંપનીને એપ્રિલથી લઈને જૂન મહિના દરમિયાનમાં ત્રણ-ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં કામગીરીમાં સંતોષકારક પ્રગતિ જોવા મળી ન હતી. હવે આ મામલે સ્ટેન્ડિંગ કમિટીએ કડક વલણ અપનાવીને કંપનીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવા સૂચના આપી છે.
અધિકારીઓની બેદરકારીથી વર્ષોથી એક્કા ક્લબ પાસેથી ટેક્સ વસૂલાયો નહીં, બે વખત કોર્ટમાં હાર
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એક્કા ક્લબના બાકી પ્રોપર્ટી ટેક્સનો મુદ્દો પણ ગરમાયો હતો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, એક્કા ક્લબનો 20 કરોડ રૂપિયાથી વધુનો ટેક્સ બાકી છે. તેમના જણાવ્યા મુજબ, અધિકારીઓની બેદરકારીના કારણે છેલ્લા ઘણા વર્ષોથી ક્લબ પાસેથી આ ટેક્સની વસૂલાત થઈ શકી નથી અને આ મામલે કોર્પોરેશનને બે વખત કોર્ટમાં હારનો સામનો પણ કરવો પડ્યો છે. ટેક્સમાં ફેક્ટર બદલવામાં આવતા એક્કા ક્લબે વાંધો ઉઠાવ્યો હતો અને કોર્ટમાં એવી દલીલ કરી હતી કે ફેક્ટરમાં ફેરફાર કરાયો હોવાની જાણકારી ક્લબને આપવામાં આવી ન હતી. કોર્પોરેશનના અધિકારીઓ બે વખત કોર્ટમાં એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા કે ફેક્ટરમાં ફેરફાર કર્યા બાદ ક્લબને નોટિસ આપવામાં આવી હતી. જોકે, હવે કોર્પોરેશન પાસે ફેક્ટરમાં ફેરફાર કરાયો ત્યારે ક્લબના મેનેજરને જાણ કરવામાં આવી હોવાનો પુરાવો અને તેની રિસિવિંગ કોપી હોવાનો દાવો કમલેશ પટેલે કર્યો હતો.




