અમદાવાદ: 3 હજાર ડિસિલ્ટિંગ મજૂરોની હડતાળ સામે કોર્પોરેશન તંત્ર ઝૂક્યું, તમામ 12 માગો સ્વીકારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC Accepts 12 Demands Desilting Workers: અમદાવાદમાં વરસાદી પાણીના નિકાલ માટે મહત્ત્વની ડિસિલ્ટિંગ કામગીરી સાથે સંકળાયેલા અંદાજે 3 હજાર મજૂરો ગુરુવારથી હડતાળ પર ઉતર્યા હતા. વેતન વધારા, આઠ કલાકની શિફ્ટ, કામ પૂર્ણ થયા બાદ 15 દિવસમાં બિલની ચૂકવણી સહિતની વિવિધ માગોને લઈને મજૂરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. દરમિયાન રવિવારે(13 સપ્ટેમ્બર) વરસાદ પડ્યો અને સોમવારે(14 સપ્ટેમ્બર) ભારે વરસાદની આગાહી થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર દોડતું થયું હતું. વરસાદી પાણીના નિકાલ માટે ડિસિલ્ટિંગ કામગીરી અટકી ન પડે તે માટે આખરે મ્યુનિસિપલ કમિશનરને મજૂરોની તમામ 12 માગો સ્વીકારવી પડી છે.
3 હજાર ડિસિલ્ટિંગ મજૂરોની હડતાળ સામે કોર્પોરેશન તંત્ર ઝૂક્યું
ડિસિલ્ટિંગ મજૂરોની હડતાળને કારણે શહેરમાં ચોમાસા દરમિયાન કેચપીટ, ડ્રેનેજ સહિતની સફાઈ કામગીરી પર અસર થવાની સ્થિતિ ઊભી થઈ હતી. જો મજૂરોની હડતાળ ચાલુ રહી હોત અને માગોનો ઉકેલ આવ્યો ન હોત તો સોમવારે ભારે વરસાદની આગાહી વચ્ચે શહેરમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી વધુ મુશ્કેલીમાં મૂકાઈ શકતી હતી. ખાસ કરીને અનેક વિસ્તારોમાં પહેલાથી જ પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાના સંજોગોમાં ડિસિલ્ટિંગ કામગીરી બંધ રહેવી AMC માટે મોટો પડકાર બની શકે તેમ હતું.
વેતન વધારાથી લઈને બિલની ચૂકવણી સુધીની માગ હતી
અમદાવાદ શહેર વાલ્મિકી ડી. શિલ્પી એસોસિએશનના મહામંત્રી વસંત વાઘેલાના જણાવ્યા મુજબ, મજૂરો છેલ્લા ઘણા સમયથી વેતન વધારા, આઠ કલાકની શિફ્ટ સહિતની માગ કરી રહ્યા હતા. જોકે તેમની માગણીઓનો ઉકેલ લાવવામાં આવતો ન હોવાથી ગુરુવારથી અંદાજે 3 હજાર ડિસિલ્ટિંગ મજૂરો હડતાળ પર ઉતર્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં મેઘરાજાની ધડબટાડી, વટવા-લાંભામાં 8 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદથી જળબંબાકાર
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મજૂરોને કામ સોંપવામાં આવે ત્યારે પણ કેટલીક વખત વર્ક ઓર્ડર આપવામાં આવતો નથી અને તેના કારણે તેમને કામ પરથી હટાવવાની ધમકીઓ આપવામાં આવે છે. આ સહિતની વિવિધ માગોને લઈને મજૂરો દ્વારા અલગ-અલગ AMC કચેરીઓમાં જઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રવિવારે વરસાદ પડ્યો અને સોમવારે ભારે વરસાદની આગાહી હોવાથી કમિશનરે અમારી તમામ 12 માગો સ્વીકારી લીધી છે.




