પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં ફર્નિચર ખરીદી-રિપેરિંગમાં મોટા ગોટાળાના આક્ષેપ, માનીતી એજન્સી પર 40 લાખથી વધુની લ્હાણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Western Railway Furniture Scam: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના વાણિજ્ય (કોમર્શિયલ) વિભાગમાં ફર્નિચર ખરીદી તેમજ રિપેરિંગના નામે મોટો ભ્રષ્ટાચાર આચરાયો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર, સરકારી નિયમો અને પારદર્શક પ્રક્રિયાઓને નેવે મૂકીને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (Sr. DCM) દ્વારા પોતાની સત્તાનો કથિત દુરુપયોગ કરી એક જ માનીતા કોન્ટ્રાક્ટરને 40 લાખ રૂપિયાથી વધુના ચૂકવણાં કરવામાં આવ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ પ્રકરણમાં હવે અસારવા-ગોપાલપુર સ્ટેશન પર કોઈપણ ટેન્ડર પ્રક્રિયા વગર ફર્નિચર વસાવવા અને ત્યારબાદ તેને કોઈ કારણ વગર અન્યત્ર ખસેડી દેવા મામલે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.
રિપેરિંગના ભાવે નવું ફર્નિચર વસાવી શકાય
સાબરમતીથી પાલનપુર સેક્શન વચ્ચેના સ્ટેશનો માટે 'મેસર્સ આશાપુરા ફોમ એન્ડ ફર્નિશિંગ' નામની એજન્સીને ફર્નિચર રિપેરિંગ અને પેઇન્ટિંગ માટે 4,80,045 રૂપિયાનો કોન્ટ્રાક્ટ મંજૂર કરાયો હતો. જેમાં..
•ખુરશીના રિપેરિંગનો દર 6,375 રૂપિયા: સાબરમતી પાર્સલ ઓફિસ અને કલોલ બુકિંગ ઓફિસમાં ઓફિસની ખુરશી રિપેર કરવા માટે પ્રતિ નંગ 6,375 રૂપિયા મંજૂર કરાયા હતા. સ્થાનિક બજારના નિષ્ણાતો મુજબ, માર્કેટમાં નવી ઓફિસ ચેર સામાન્ય રીતે 4000થી 6000 રૂપિયામાં આસાનીથી મળી રહે છે, ત્યારે માત્ર રિપેરિંગ પેટે 6,375 રૂપિયા જેવો અધધધ ભાવ ચૂકવવો સીધેસીધો ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે.
•સોફા રિપેરિંગ પાછળ લાખોનો ખર્ચ: મહેસાણા VIP રૂમમાં 3-સીટર સોફાના રિપેરિંગ માટે પ્રતિ નંગ 23,400 રૂપિયા- (કુલ 1,17,000 રૂપિયા) અને 2-સીટર સોફા માટે પ્રતિ નંગ 15,600 રૂપિયા (કુલ 46,800 રૂપિયા) મંજૂર કરાયા હતા. આટલી મોટી રકમમાં ઉત્તમ ગુણવત્તાના નવા સોફા વસાવી શકાય તેમ હોવા છતાં જૂના સોફાના રિપેરિંગના નામે સરકારી તિજોરી પર બોજ નાખવામાં આવ્યો છે.
•સાબરમતી VIP રૂમ: 30 સોફાના રિપેરિંગ અને કાપડ (ટેપેસ્ટ્રી) બદલવા પેટે જ 1,74,450 રૂપિયા (પ્રતિ સીટ 5,815 રૂપિયા) ચૂકવવાનું નક્કી કરાયું હતું.



અસારવા સ્ટેશને ટેન્ડર વિના ખરીદી અને ફર્નિચર રાતોરાત ગાયબ: કૌભાંડની આશંકા
આ સમગ્ર મામલામાં વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે. અસારવા રેલવે સ્ટેશન પર કોઈપણ પ્રકારના ટેન્ડર કે સત્તાવાર નિયમ પાળ્યા વગર જ સોફા સહિતના અન્ય ફર્નિચરની બારોબાર ખરીદી કરવામાં આવી હતી. આશ્ચર્યજનક રીતે, આ મોંઘાદાટ ફર્નિચરને હવે કોઈ પણ ચોક્કસ કારણ વગર ત્યાંથી હટાવીને અન્યત્ર શિફ્ટ કરી દેવામાં આવ્યું છે. આ ફર્નિચર ક્યાં ગયું અને કોના આદેશથી હટાવાયું તે અંગે કોઈ સ્પષ્ટતા નથી, જેનાથી ફર્નિચરની આ ખરીદી-વેચાણમાં પણ મોટો ગોટાળો થયો હોવાની આશંકા વધુ પ્રબળ બની છે.

GeM પોર્ટલને બાયપાસ કરી 24.67 લાખ રૂપિયાના ઓફલાઇન ઓર્ડર્સ અપાયા
કેન્દ્ર સરકારના સ્પષ્ટ નિયમો અનુસાર કોઈપણ સરકારી ખરીદી નિર્ધારિત સરકારી ઈ-માર્કેટપ્લેસ (GeM પોર્ટલ) મારફતે પારદર્શક રીતે કરવાની હોય છે. તેમ છતાં સંબંધિત એક જ ફર્મને વર્ષ 2026 દરમિયાન કુલ 40,12,262 રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે, જેમાં..
•ઓફલાઇન ડિમાન્ડ: નિયમોને બાયપાસ કરીને ઓફલાઇન ક્વોટેશન્સ મારફતે 24,67,619 રૂપિયાની જંગી રકમ ચૂકવાઈ છે.
•GeM પોર્ટલ મારફતે: માત્ર 15,44,643 રૂપિયાનું ચૂકવણું કરાયું છે.
એક જ ફર્મને નાની-મોટી રકમોના ટુકડા કરીને ઓફલાઇન ઓર્ડર આપવા પાછળ કોઈ ચોક્કસ ષડયંત્ર હોવાની ચર્ચા રેલવે વર્તુળોમાં ચાલી રહી છે.
અધિકારીઓના ખાનગી બંગલાના ઇન્ટિરિયરનો ખર્ચ રેલવે ખાતે ઉધારાયાનો આક્ષેપ
આ પ્રકરણમાં સૌથી સનસનીખેજ આક્ષેપ એ પણ છે કે, વાણિજ્ય વિભાગના કેટલાક વગદાર અધિકારીઓ તેમજ Sr. DCM સાથે સંકળાયેલા ખાનગી રહેઠાણોમાં કરાવવામાં આવેલા ઇન્ટિરિયર અને ફર્નિચરના કામોનો ખર્ચ પણ રેલવેના આ રિપેરિંગ અને મેન્ટેનન્સ હેડ હેઠળ સરભર કરી દેવાયો છે.
વિજિલન્સ અને સ્વતંત્ર ઓડિટ દ્વારા તપાસની ઉગ્ર માંગ
ટેક્સપેયર્સના નાણાંના આવા બેફામ વેડફાટ સામે રેલવે વર્તુળોમાં ભારે રોષ ફેલાયો છે. શું વાસ્તવમાં આટલી મોટી સંખ્યામાં ફર્નિચર રિપેર થયું છે કે માત્ર કાગળ પર જ બિલો બનાવી નાણાં ઓળવી જવાયા છે? રેલવે બોર્ડ અને વિજિલન્સ વિભાગ દ્વારા સમગ્ર દસ્તાવેજો, અસારવા સ્ટેશનનું ગુમ થયેલું ફર્નિચર અને ઓફલાઇન કરાયેલા ચૂકવણાંની નિષ્પક્ષ તપાસ કરી કસૂરવાર અધિકારીઓ સામે કડક કાનૂની પગલાં લેવામાં આવે તેવી માંગ જોર પકડી રહી છે.




