અમદાવાદમાં ચેતવતી ઘટના! શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, 12 વર્ષના માસૂમનું કરૂણ મોત!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી શાંતિ શુક્ર સોસાયટીમાં લિફ્ટ દુર્ઘટનામાં 12 વર્ષના માસૂમ બાળકને જીવ ખોવાનો વારો આવ્યો છે. શાળાએથી અભ્યાસ પૂરો કરીને ઘરે પરત ફરી રહેલા આ બાળકે ઉપરના માળે જવા માટે લિફ્ટનો ઉપયોગ કર્યો હતો. તે દરમિયાન અચાનક જ ટેકનિકલ ખામી સર્જાતાં લિફ્ટ ધડાકાભેર નીચે પછડાઈ હતી, જેમાં બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું હતું.
સોસાયટીમાં અફરાતફરી અને આક્રંદનો માહોલ
લિફ્ટમાં ગળું ફસાઈ જવાને કારણે ગંભીર ઈજાઓ પહોંચતાં માસૂમ બાળકે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. અચાનક બનેલી આ ઘટનાથી સોસાયટીમાં અફરાતફરી અને આક્રંદનો માહોલ સર્જાયો હતો. આસપાસના રહીશો તુરંત મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ બાળકને બચાવી શકાયો ન હતો. એક હસતા-રમતા બાળકનું આ રીતે અકાળે અવસાન થતાં પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે.
નાના બાળકોને એકલા લિફ્ટનો ઉપયોગ ન કરવા દેવો જોઈએ! લાલબત્તી સમાન ઘટના
આ કરૂણ દુર્ઘટના બહુમાળી બિલ્ડિંગમાં રહેતા નાગરિકો અને સોસાયટી સંચાલકો અને માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. લિફ્ટનું સમયસર સર્વિસિંગ, સુરક્ષા ચકાસણી અને યોગ્ય મેન્ટેનન્સ ન કરાવવામાં આવે તો તે કેવું જીવલેણ સ્વરૂપ ધારણ કરી શકે છે તેનો આ ઘટના પુરાવો છે. સોસાયટીઓમાં લિફ્ટની ટેકનિકલ ખામીઓને ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ તેમજ નાના બાળકો એકલા લિફ્ટનો ઉપયોગ ન કરે તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે.




