Ahmedabad

અમદાવાદના પાઘડી મેને નવરાત્રિ માટે બનાવી 5 કિલોની ‘મા આદ્યશક્તિ’ થીમ આધારિત પાઘડી

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
નવરાત્રિ પૂર્વે અમદાવાદના 'પાઘડી મેન' અનુજ મુદલિયારે 5 કિલો વજનની અનોખી 'મા આદ્યશક્તિ' થીમ આધારિત પાઘડી બનાવી છે. બે મહિનાની મહેનતથી બનેલી આ પાઘડીમાં માતાજીના શસ્ત્રો, કળશ અને ખેલૈયાઓની પ્રતિકૃતિઓ છે. કચ્છી વર્ક, ગોલવાડી કામ, કોડી-જેકો મોતીથી સુશોભિત આ પાઘડી નવરાત્રિમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. અનુજ 2016થી આવી અનોખી પાઘડીઓ બનાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના પાઘડી મેને નવરાત્રિ માટે બનાવી 5 કિલોની ‘મા આદ્યશક્તિ’ થીમ આધારિત પાઘડી

Ahmedabad Pagdi Man: નવરાત્રિના પવિત્ર પર્વને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં 'પાઘડી મેન' તરીકે જાણીતા અનુજ મુદલિયારે આ વર્ષે પણ એક વિશેષ અને આકર્ષક પાઘડી તૈયાર કરી છે. તેણે આ નવરાત્રિ માટે 5 કિલો વજન ધરાવતી 'મા આદ્યશક્તિ' થીમ આધારિત ટ્રેડિશનલ પાઘડી બનાવી છે. આ અનોખી પાઘડી સંપૂર્ણપણે તૈયાર કરતા તેને બે મહિના જેટલો સમય લાગ્યો હતો. નોંધનીય છે કે, અનુજ મુદલિયાર વર્ષ 2016થી દર નવરાત્રિમાં અવનવી થીમ પર અનોખી પાઘડીઓ બનાવવા માટે પ્રખ્યાત છે.

માતાજીના શસ્ત્રો, સામૈયાનો કળશ અને ખેલૈયાઓની પ્રતિકૃતિ

આ નવા સર્જન અને તેની વિશેષતાઓ અંગે વાત કરતા અનુજ મુદલિયારે જણાવ્યું હતું કે, 'હું દર વર્ષે ખેલૈયાઓ માટે અલગ-અલગ થીમ પર આધારિત પાઘડી તૈયાર કરું છું. આ વર્ષે મેં 'મા આદ્યશક્તિ'ની થીમ પસંદ કરી છે. આ પાઘડીમાં માતાજીના મુખારવિંદ સાથે તેમના દિવ્ય શસ્ત્રો જેવા કે તલવાર, ત્રિશૂળ અને ભાલો પણ સુશોભિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત માતાજીના સામૈયાના પ્રતીકરૂપે કળશ પણ પાઘડી પર સ્થાન પામ્યો છે.'

કચ્છી વર્ક, ગોલવાડી કામ અને કોડી-જેકો મોતીથી સજ્જ

આ પાઘડીને આગળ અને પાછળ બંને બાજુથી અત્યંત સુંદર રીતે ડેકોરેટ કરવામાં આવી છે. જેમાં પરંપરાગત કચ્છી વર્કની સાથે એમ્બ્રોઈડરી અને પ્રાચીન ગણાતું ગોલવાડી વર્ક કરવામાં આવ્યું છે. પાઘડીમાં કોડીઓ અને જેકો મોતીનું કામ પણ કાળજીપૂર્વક ઉમેરાયું છે. આ સાથે પાઘડી પર રાસ-ગરબા રમતા નાના ખેલૈયાઓની આકૃતિઓ પણ મૂકવામાં આવી છે. ૫ કિલો જેટલું વજન ધરાવતી આ પાઘડી નવરાત્રિના ઉત્સવમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.