અમદાવાદની 149મી રથયાત્રા: ભગવાનના મોસાળ સરસપુરમાં રસોડા ધમધમ્યા, મોહનથાળ અને ફૂલવડી બનીને તૈયાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Rath Yatra: અષાઢી બીજ (16મી જુલાઈ)ના દિવસે જગતના નાથ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી રથમાં સવાર થઈને નગરચર્યાએ નીકળશે. અમદાવાદની 149ની રથયાત્રા માટે ભગવાનનું મોસાળ ભક્તિમય માહોલમાં રંગાઈ ચૂક્યું છે. અહીં આવેલી મોટાભાગની શેરી અને પોળમાં રસોડાઓ ધમધમી રહ્યા છે. ત્યારે આજે (15મી જુલાઈ) પોળમાં હજારો કિલો મોહનથાળ અને ફૂલવડી બનાવવામાં આવ્યા છે.
સાધુ-સંતો અને લાખો ભક્તો માટે પીરસાશે હેતનું ભાણું
ભગવાનના મોસાળ સરસપુરની એ પરંપરા રહી છે કે રથયાત્રામાં જોડાયેલા સાધુ-સંતો, લાખો ભક્તો અને સુરક્ષામાં તહેનાત પોલીસ કર્મચારીઓને સ્થાનિક રહિશો અત્યંત હેતપૂર્વક જમાડે છે. આ સેવા યજ્ઞ માટે પોળ અને શેરીના યુવાઓ તેમજ વડીલો છેલ્લા કેટલાક દિવસોથી રાત-દિવસ એક કરીને તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.
ભોજનની તડામાર તૈયારીઓ
અત્યારે મોસાળમાં ભોજન બનાવવાની કામગીરી હવે અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. દરેક પોળ અને સોસાયટીના રસોડામાં હજારો કિલો શુદ્ધ ઘીનો મોહનથાળ અને ફરસાણમાં લાઈવ ફૂલવડી બનાવીને તૈયાર રાખવામાં આવી છે. આવતીકાલે અષાઢી બીજની વહેલી સવારથી જ બટેકાનું શાક, મિક્સ શાક, ગરમાગરમ પુરી અને દાળ-ભાત બનાવવાની કામગીરી શરૂ કરાશે, જેથી મોસાળમાં આવતા ભક્તોને ગરમ અને તાજો પ્રસાદ પીરસી શકાય.
સરસપુરની દરેક પોળમાં અત્યારે 'જય જગન્નાથ' ના નારા ગુંજી રહ્યા છે. રથયાત્રાના દિવસે લાખો લોકો અહીં પ્રસાદ ગ્રહણ કરશે, જેને પહોંચી વળવા માટે મોસાળવાસીઓનો ઉત્સાહ ચરમસીમાએ છે.









