Ahmedabad

અમદાવાદ: ત્રિકમપુરામાં જૂની અદાવતમાં તલવાર અને પાઇપના ઘા ઝીંકી યુવકની હત્યા, 2 મિત્રો ઈજાગ્રસ્ત, 4 સામે ફરિયાદ

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ત્રિકમપુરામાં 31મી ઓગસ્ટની રાત્રે જૂની અદાવતમાં અજીતસિંહ નામના યુવકની તલવાર અને લોખંડની પાઈપથી હત્યા થઈ છે. તેને બચાવવા પડેલા 2 મિત્રો પણ ઈજાગ્રસ્ત થયા. પોલીસે હરેશ ઉર્ફે હિતેશ, અક્ષય, રવી અને ધર્મેશ સોલંકી સામે હત્યાનો ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ત્રિકમપુરામાં જૂની અદાવતમાં તલવાર અને પાઇપના ઘા ઝીંકી યુવકની હત્યા, 2 મિત્રો ઈજાગ્રસ્ત, 4 સામે ફરિયાદ

Ahmedabad Crime News: અમદાવાદના ત્રિકમપુરા વિસ્તારમાં જૂની અદાવતમાં એક યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સોમવાર (31મી ઓગસ્ટ)ની રાતે બનેલી આ ઘટનામાં તલવાર અને લોખંડની પાઇપ જેવા ઘાતક હથિયારો વડે કરાયેલા હુમલામાં અજીતસિંહ નામના યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે તેને બચાવવા વચ્ચે પડેલા બે મિત્રો ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે પોલીસે ચાર શખસો સામે હત્યા અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, હેમંતસિંહ નેગીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. 31મી ઓગસ્ટે રાત્રે હેમંતસિંહ, તેના ફઈનો દીકરો અજીતસિંહ અને મિત્ર અર્જુન ત્રિકમપુરા ચાર માળિયા ખાતે અજીતસિંહના ગીરવે મૂકેલા મકાન અંગે વાતચીત કરવા ગયા હતા. જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે જૂની અદાવત રાખીને હરેશ ઉર્ફે હિતેષ સોલંકી, અક્ષય સોલંકી, રવી સોલંકી અને ધર્મેશ સોલંકીએ તેના પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે.

ફરિયાદમાં જણાવ્યાનુસાર, અજીતસિંહને મારી નાખવાના ઈરાદાથી હિતેષ અને અક્ષયે તલવાર વડે તથા રવી અને ધર્મેશે લોખંડની પાઇપ વડે અજીતસિંહ પર આડેધડ ઘા ઝીંક્યા હતા, જેના કારણે અજીતસિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ દરમિયાન બચાવવા પડેલા મિત્ર અર્જુન પર ધર્મેશે લોખંડની પાઇપ વડે હુમલો કરી માથામાં ઈજા પહોંચાડી હતી.

હેમંતસિંહ છોડાવવા વચ્ચે પડતાં આરોપીઓએ તેના પર પણ હુમલો કર્યો હતો. જેમાં હિતેષે સોલંકીએ હેમંતસિંહના માથામાં તલવારના 2 ઘા ઝીંક્યા હતા, જ્યારે રવી અને ધર્મેશે લોખંડની પાઇપથી કપાળ તથા ડાબા હાથ પર ઘા માર્યા હતા. ઈજાગ્રસ્ત હેમંતસિંહ ત્યાંથી જેમ-તેમ કરીને બચીને બહાર નીકળ્યા હતા અને 108 મારફતે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તસાપ હાથ ધરી છે.